સફેદ બોલથી રમવા ઈચ્છું છું, પરંતુ ટેસ્ટ ક્રિકેટ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પૂજારા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ચેતેશ્વર પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણે તેને મેન ઓફ ધ સિરીઝનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે.
Trending Photos
સિડનીઃ સિડનીમાં વરસાદે થોડો રોમાંચ જરૂર ઓછો કરી દીધો પરંતુ ભારતે સિરીઝમાં 2-1થી વિજય મેળવી લીધો છે. ભારતે સિરીઝમાં એડિલેડ અને મેલબોર્નમાં જીત મેળવી જ્યારે પર્થમાં ઓસ્ટ્રેલિયાને જીત મળી હતી. ભારતની આ જીતમાં ચેતેશ્વર પૂજારાએ મહત્વની ભૂમિકા અદા કરી છે. તે ભારતીય બેટિંગ ઓર્ડરની દીવાલ સાબિત થયો છે. તેણે સિરીઝમાં ત્રણ સદી ફટકારી છે. તે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ સિરીઝ રહ્યો છે. તેણે સિડનીમાં 193 રન ફટકાર્યા હતા.
પૂજારાએ મેચ બાદ કહ્યું, આ અમારી ટીમ માટે શાનદાર સિરીઝ રહી. વિદેશમાં સિરીઝ જીતવા અમે ખૂબ મહેતન કરતા હતા અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવી આસાન કામ નથી. મને ખુશી છે કે, હું તેમાં યોગદાન આપી શક્યો.
ભારતની નવી દીવાલ કહેવાતા સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, સિરીઝના પ્રથમ મેચમાં ફટકારેલી સદી તેના માટે ખાસ રહી. પૂજારાએ એડિલેટ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને આ મેચ જીતીને ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી.
પૂજારા આ પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો ત્યારે તેને સફળતા ન મળી પરંતુ આ વખતે તે ત્રણ સદી અને 521 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે, આખરે તેણે આ વખતે શું ખાસ કર્યું તો તેનો જવાબ હતો ગતિ અને ઉછાળ સાથે તાલમેલ બેસાડી રહ્યો છુ. પૂજારાએ કહ્યું, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં રમવાનો તેને ફાયદો થયો છે. તેણે કહ્યું કે, તે સતત તૈયારી કરે છે અને ટેકનિક સારૂ બનાવવા ઈચ્છે છે. તેણે કહ્યું, હું આ વખતે તૈયાર હતો.
પૂજારાએ કહ્યું કે, તે આ ટીમનો ભાગ બનીને ખુશ છે. તેણે કહ્યું, તે જેટલી ભારતીય ટીમોનો ભાગ રહ્યો તેમાં આ સર્વશ્રેષ્ઠ ટીમ છે. પૂજારાએ આ પ્રવાસ પર પોતાના બોલરોની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, હું અમારા ચાર બોલરોને શ્રેય આપવા ઈચ્છીશ, જેણે 20 વિકેટ ઝડપી છે. મેચમાં 20 વિકેટ ઝડપવી સરળ કામ નથી.
મિસ્ટર ડિફેન્ડેબલે કહ્યું, ભારતે આગામી ટેસ્ટ સિરીઝ 6-7 મહિના બાદ રમવાની છે. હું આઈપીએલ દરમિયાન ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમીશ. મને તૈયારી કરવાનો સમય મળી જશે. પૂજારા સીમિત ઓવરોમાં ટીમનો ભાગ નથી. તેના પર તેણે કહ્યું, હું સફેદ બોલથી ક્રિકેટ રમવા ઈચ્છું છું, પરંતુ ટેસ્ટ ક્રિકેટ મારી પ્રાથમિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે