Hockey India: ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં રચાયો ઈતિહાસ, એક સમયે હોકીમાં ભારતનો હતો સુવર્ણકાળ

ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે. 
 

Hockey India: ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં રચાયો ઈતિહાસ, એક સમયે હોકીમાં ભારતનો હતો સુવર્ણકાળ

મિહિર રાવલ/અમદાવાદઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ માટેની ભારત અને જર્મનીની મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી અને બન્ને ટીમે વિજય મેળવા માટે તમામ પ્રયાસો કર્યા. હાફ ટાઇમ પૂરો થયો ત્યાં સુધી બન્ને ટીમો 3-3 ગોલ સાથે સમાન સ્કૉર પર હતી. જો કે ત્યાર બાદ સિમરનજીત સિંહના બે ગોલની મદદથી ભારતે જોરદાર વાપસી કરી ઓલિમ્પિકના બાકી મુકાબલામાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો. 

હૉકી ઇતિહાસમાં ભારતીય ટીમ સૌથી સફળ ટીમ માનવામાં આવે છે.. કઈ રીતે.. એ પણ આજે હું ધરા તમને જણાવું.. 1928ના ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને છેક 1960ના ઓલિમ્પિક સુધી ભારત અજેય રહ્યું હતું. આ રીતે ભારતે સળંગ છ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીત્યા હતા. જે ભારતીય હૉકીનો સુવર્ણયુગ મનાય છે. 

1928માં નેધરલેન્ડમાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે નેધરલેન્ડને 3-0થી પછાડી ગોલ્ડ જીત્યો હતો.

1932માં અમેરિકામાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે જાપાનને 11-1થી પછાડી ગોલ્ડ જીત્યો હતો.

1936માં જર્મનીમાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે જર્મનીને 8-1થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ ત્રણ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ બ્રિટિશ ઇન્ડિયન ટીમ તરીકે મેદાનમાં ઉતરી હતી. 

બીજા વિશ્વયુદ્ધને કારણે 1940 અને 1944ની ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ જ નહોતી.

ભારતની આઝાદી પછી 1948માં બ્રિટનમાં જ રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે બ્રિટનને જ 4-0થી શાનદાર રીતે પછાડીને ગોલ્ડ જીતી લીધો હતો. આ પહેલાં ક્યારેય ભારતીય ટીમ બ્રિટન સામે ટકરાઈ નહોતી.

1952માં ફિનલેન્ડમાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે નેધરલેન્ડને 6-1થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 

1956માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે પાકિસ્તાનને 1-0થી પછાડીને ગોલ્ડ જીત્યો હતો. 

1960માં ઇટલી ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ બાદ 1964માં જાપાનમાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવખત 1-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 

1964માં ગોલ્ડ જીત્યાના 16 વર્ષ બાદ 1980માં રશિયામાં રમાયેલા ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 4-3થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 

ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં હૉકી ગેમમાં 8 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અને જો ઓલિમ્પિકના હૉકી ઇતિહાસના કુલ મેડલની વાત કરીએ તો 11 મેડલ સાથે ભારત નેધરલેન્ડના 14 મેડલ બાદ બીજા સ્થાન પર છે.. જો કે ભારતના 8 ગોલ્ડમેડલની નજીક બીજી કોઈ ટીમ નથી.. જે ભારતને ઓલિમ્પિક હૉકીમાં ભારતને સૌથી સફળ ટીમ બનાવે છે.

1958થી શરૂ થયેલા હૉકી વર્લ્ડકપમાં ભારતીય હૉકી ટીમે 1975માં શાનદાર પ્રદર્શન કરી હૉકી વર્લ્ડકપ પણ પોતાના નામે કર્યો હતો.

1958થી શરૂ થયેલા એશિયન ગેમ્સમાં હૉકી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે 3 વખત ગોલ્ડ મેડલ, 9 વખત સિલ્વર મેડલ અને 3 વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

જ્યારે કે 1982થી શરૂ થયેલા હૉકીના એશિયા કપમાં ભારતીય ટીમે ભારતીય ટીમે 3 વખત ગોલ્ડ મેડલ, 5 વખત સિલ્વર મેડલ અને 1 વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

2011થી શરૂ થયેલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ભારતીય ટીમે 3 વખત ચેમ્પિયન, 3 વખત રનર અપ રહ્યું છે.

ભારતીય હોકીના ઉજજવળ ઇતિહાસના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જેમને હૉકીના જાદૂગર તરીકે દુનિયા ઓળખે છે.. 

ભારતીય પુરુષ હૉકી ટીમની સાથે ભારતીય મહિલા હૉકી ટીમે પણ ટોક્યોમાં ઇતિહાસ રચ્યો છે. ત્યારે આશા રાખીએ કે ભારતનો હૉકીનો સુવર્ણ યુગ ફરી એકવખત શરૂ થાય.

આવી જ બધી અપડેટ-ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો ઝી 24 કલાક અને ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો અને સબસ્ક્રાઈબ કરો..

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news