FIFA WC માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને મોટો ઝટકો, આ શાનદાર ખેલાડી વર્લ્ડકપમાંથી બહાર
FIFA World Cup 2022: આજથી દુનિયાની સૌથી રોમાંચક રમતના ખેલમહાકુંભના પ્રારંભ. ફૂટબોલ પ્રેમીઓ આગામી એક મહિના સુધી શાનદાર રમતના રંગે રંગાયેલાં જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ આજથી દુનિયાની સૌથી રોમાંચક રમત ગણાતા ફૂટબોલના વર્લ્ડ કપનો પ્રારંભ. જોકે, વર્લ્ડકપની શરૂઆત પહેલાં જ ગઈ વખતની ચેમ્પિયન ટીમ એક પ્રકારના ઘેરા આઘાતમાં આવી ગઈ છે. કારણકે, આ ટીમને મેચ શરૂ થતાં પહેલાં જ મોટો ઝટકો લાગ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને ફિફા વર્લ્ડકપ પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફોરવર્ડ કરીમ બેન્ઝેમા ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને રવિવારે કહ્યું કે બેન્ઝેમા જાંઘની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેને ટ્રેનિંગ દરમિયાન આ ઈજા થઈ હતી.
કોચ ડિડિયર ડેસ્ચેમ્પ્સે કહ્યું કે હું બેન્ઝેમા માટે ખૂબ જ દુઃખી છું. તેણે આ વર્લ્ડકપને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. જોકે, આ ઈજા છતાં મને મારી ટીમ પર પૂરો વિશ્વાસ છે. અમે અમારી સામેના પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. કરીમ બેન્ઝેમા છેલ્લા કેટલાક સમયથી હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. શનિવારે જ્યારે સમસ્યા વધી ત્યારે તેને ટ્રેનિંગ સેશનથી દૂર રહેવું પડ્યું હતું. 2018 ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ફ્રાન્સ માટે આ પાંચમો મોટો ઝટકો છે. અગાઉ, ટીમના સ્ટાર મિડફિલ્ડર એનગોલો કાન્ટે અને પોલ પોગ્બા, એનકુકુ અને ડિફેન્ડર કિમ્પેમ્બેને ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે.
ફિફા વર્લ્ડ કપ 2022 ગ્રુપ્સઃ
ગ્રુપ-એઃ ઇક્વાડોર, નેધરલેન્ડ્સ, સેનેગલ, કતાર
ગ્રુપ-બીઃ ઇગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઇરાન
ગ્રુપ-સીઃ પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
ગ્રુપ-ડીઃ ફ્રાન્સ, ટ્યૂનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક
ગ્રુપ-ઇઃ કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
ગ્રુપ-એફઃ ક્રોએશિયા, મોરક્કો, બેલ્જિયમ, કેનેડા
ગ્રુપ-જીઃ સર્બિયા, બ્રાઝીલ, કેમરૂન, સ્વિઝરલેન્ડ
ગ્રુપ-એચઃ ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ, ઘાના
બેન્ઝેમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. ગત સિઝનમાં તેણે તેની ક્લબ રિયલ મેડ્રિડ માટે 44 મેચમાં 46 ગોલ કર્યા હતા. આ જ કારણ હતું કે ટીમે લા લીગા ટાઇટલ અને ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું હતું. બેન્ઝેમા છેલ્લે 2014 ફિફા વર્લ્ડ કપમાં રમ્યો હતો અને તે ફ્રાન્સનો ટોપ ગોલ સ્કોરર હતો. જો કે, બેન્ઝેમા 2018 ફિફા વર્લ્ડકપમાં ટીમનો ભાગ નહોતો. 2016માં તેને ફ્રાન્સની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બેન્ઝેમા 2018 ફિફા વર્લ્ડ કપ પછી રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યા અને અત્યાર સુધીમાં ફ્રાન્સ માટે 16 મેચોમાં 10 ગોલ કર્યા છે. ફ્રાન્સને ગ્રુપ-ડીમાં રાખવામાં આવ્યું છે. ટીમની પ્રથમ મેચ મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે