મિત્રને આપેલું વચન પૂરુ કરવા ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચ્યા ક્રિકેટર સુનીલ ગાવસ્કર

Cricketer Sunil Gavaskar : મિત્રતા નિભાવવા ભારતીય ક્રિકેટના દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કપ્તાન સુનીલ ગવાસ્કર પહોંચ્યા નવસારી... ક્રિકેટ વિશ્વ કપમાં વ્યસ્ત હોવાથી ગાવસ્કરે મિત્ર સૂલી પાસે માંગ્યો હતો પોતાને અનુકૂળ સમય... વિશ્વ કપની વ્યસ્તતા દરમિયાન કરેલ વાયદો ગાવસ્કરે નવસારી આવી પૂરો કર્યો

મિત્રને આપેલું વચન પૂરુ કરવા ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચ્યા ક્રિકેટર સુનીલ ગાવસ્કર

Navsari News ધવલ પારેખ/નવસારી : મિત્રને આપેલા વાયદાને ભારતીય ક્રિકેટ જગતના દિગજ્જ ખેલાડી સુનીલ ગાવસ્કરે નવસારીના નાનકડા સીમલક ગામે આવીને પુરો કર્યો હતો. મુળ સીમલકના યુકેમાં સ્થાયી થયેલા સોલી આદમના નવનિર્મિત ઘરમાં રીબન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નાનકડા એવા સીમલક ગામના મુળ નિવાસી અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા સુલેમાન ઉર્ફે સોલી સઈદ આદમ ક્રિકેટ પ્રત્યેના લગાવ કારણે વર્ષોથી વિશ્વના ક્રિકેટરોના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સોલી આદમ સાથે વર્ષોથી ઘરોબો ધરાવે છે. જેમાં 1971 થી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દીગજ્જ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથે સંપર્ક થયો અને ત્યારથી બંધાયેલી મિત્રતા આજે પણ અકબંધ રહી છે. 

ગાવસ્કર સાથે સોલી આદમની મિત્રતા 52 વર્ષે આજે ભાઈ - ભાઈ સરીખી થઈ છે. ત્યારે હાલમાં સોલીએ સીમલક ગામનું તેમનું પૈતૃક મકાન તોડીને નવું બનાવડાવ્યું છે. જેમાં ગૃહ પ્રવેશ કરવા પૂર્વે તેમણે ભારતના પ્રથમ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. પરંતુ વિશ્વ કપ ચાલતો હોય સુનીલ ગાવસ્કર અતિ વ્યસ્ત હોવાને કારણે આવી શક્યા ન હતા. જોકે વિશ્વ કપ બાદ આવવાનો મિત્ર સોલીને વાયદો આપ્યો હતો. જેને ગત રોજ ગાવસ્કરે પુરો કર્યો હતો. બેંગ્લોરથી ફ્લાઇટ લઇને સુરત અને ત્યાંથી સીમલક પહોંચતા જ સોલી આદમના નવા ઘરમાં રિબન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. 

ગામમાં સુનીલ ગાવસ્કર આવ્યા હોવાનું જાણતા જ ગામ આગેવાનોએ એક સન્માન સમારોહ યોજી ગાવસ્કરને ઉત્સાહ સાથે સન્માનિત કર્યા હતા. જ્યાં ગામના લોકો વચ્ચે સુનીલ ગાવસ્કરે તેમને ગુજરાતી આવડતી હોવાની વાત કરી તેમનો ભાષાપ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યારે એક રાત રોકાઈ આજે સવારે ગાવસ્કરે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. જેમાં કઢી ખીચડી, રીંગણ બટાકાનું શાક, રોટલી, રાયતુ અને મીઠો ભાતનું સાદુ ભોજન જમ્યા હતા અને ત્યારબાદ મુંબઈ માટે રવાના થયા હતા. પરંતુ તે પૂર્વે તમેના ક્રિકેટ ચાહકોને નાની મુલાકાત આપી હતી, જેમાં નાના બાળકોએ તેમની બેટ ઉપર સુનીલ ગાવસ્કરના ઓટોગ્રાફ મેળવી જીવન ભરની યાદો બનાવી હતી.  

મુળ નવસારીના ક્રિકેટર અને યુકેમાં ક્રિકેટમાં મોટુ નામ ધરાવતા સોલી આદમના ઘરે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રહ્યા પણ છે અને તેમની સાથે સોલીનો પારિવારિક ઘરોબો પણ છે. સોલીને ત્યાં સચીન તેંડુલકર તેમના ક્રિકેટ કેરિયર શરૂઆતી વર્ષોમાં 4 મહિના રહ્યા હતા. જ્યાં ઇંગ્લેન્ડના યોકશાયર ક્લબમાં વિદેશી ક્રિકેટરોને એન્ટ્રી ન હતી, ત્યાં સોલીના પ્રયાસોથી પ્રથમ વખત  સચિન તેંડુલકરને ક્રિકેટ રમવા માટે સાઈન કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટના કપીલ દેવ, સુનીલ ગાવસ્કર, બ્રિજેશ પટેલ, સ્વ. બિશંસિંગ બેદી, અશોક માકંડ, વીવીએસ લક્ષ્મણ, વિનોદ કાંબલી તેમજ પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોના અનેક નામી ક્રિકેટરો સોલી આદમના ઘરે રહી ચૂક્યા છે અને તેમના પત્ની મરિયમ આદમના હાથની રસોઈ જમ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news