વર્લ્ડ કપ 2019 AUSvsWI: બોલરોનું શાનદાર પ્રદર્શન, ઓસ્ટ્રેલિયા જીત્યું

આઈસીસી વિશ્વ કપ 2019ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ આમને સામને છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો છે. 
 

વર્લ્ડ કપ 2019 AUSvsWI: બોલરોનું શાનદાર પ્રદર્શન, ઓસ્ટ્રેલિયા જીત્યું

નોટિંઘમઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મી 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન બનાવી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે આ વિશ્વકપમાં બીજી મેચ રમી છે જેમાં એકમાં વિજય અને એકમાં તેનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપ (68) અને જેસન હોલ્ડર (51)એ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કૂલ્ટર નાઇલે 92 અને સ્મિથે 73 રન ફટકાર્યા હતા. 

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 38 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એરોન ફિન્ચ છ વિકેટ ગુમાવી આઉટ થયો હતો. તે ઓસાને થોમસના બોલ પર વિકેટકીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. ડેવિડ વોર્નર 3 રન બનાવી શક્યો હતો. શેલ્ડન કોટરેલના બોલ પર કેચઆઉટ થયો હતો. 7મી ઓવરમાં ઉસ્માન ખ્વાજા 13 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. 

મેક્સવેલ શૂન્ય પર આઉટ
કોટરેલ ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો હતો. તે શૂન્ય રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. વિકેટની પાછળ હોપે તેનો કેચ કર્યો હતો. માર્કસ સ્ટોઇનિસ (19)ન જેસન હોલ્ડરે નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે સ્મિથની સાથે પાંચમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. 

એલેક્સ-સ્મિથ વચ્ચે 50+ની ભાગીદારી
એલેક્સ કેરી 45 રન બનાવી આઉટ થયો હતો. તે પાંચ રનથી વનડેમાં પોતાની બીજી અડધી સદી ચૂકી ગયો હતો. રસેલના બોલ પર શાઈ હોપે તેનો કેચ ઝડપ્યો હતો. તેણે આઉટ થતાં પહેલા સ્ટીવ સ્મિથ સાથે છઠ્ઠી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. 

સ્મિથ-કૂલ્ટર નાઇલે જોડ્યા 102 રન
સ્મિથે 5 ચોગાની મદદથી 77 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ વિશ્વકપમાં 5મી અને ઓવરઓલ 50મી અડધી સદી છે. તેણે કૂલ્ટર નાઇલ સાથે સાતમી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને 250ને પાર પહોંચાડ્યું હતું. સ્મિથ 107 બોલમાં 7 ચોગ્ગા સાથે 73 રન બનાવી આઉટ થયો હતો. કોટરેલે બાઉન્ડ્રી પર અદ્ભૂત કેચ કરીને સ્મિથને આઉટ કર્યો હતો. ઓસાને થોમસને આ સફળતા મળી હતી. તો નાથન કુલ્ટર નાઇલ 60 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 92 રન બનાવી આઉટ થયો હતો. આ તેના કરિયરની પ્રથમ અડધી સદી છે. આ સાથે તે વિશ્વકપમાં 8માં ક્રમે બેટિંગ કરીને સર્વોચ્ચ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. 

પ્લેઇંગ ઇલેવનઃ 
ઓસ્ટ્રેલિયા- એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, નાથન કૂલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા. 

વેસ્ટ ઈન્ડિઝઃ ક્રિસ ગેલ, ઇવિન લુઇસ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, આંદ્રે રસેલ, જેસન હોલ્ડર, કાર્સોલ બ્રેથવેટ, એશ્લે નર્સ, શેલડોન કોટરેલ, ઓશાને થોમસ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news