KXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે મહત્વના મુકાબલામાં હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

KXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર

અબુધાબીઃ ચેન્નઈ સુપર કિંગ્સે (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની પોતાની અંતિમ લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને 9 વિકેટે પરાજય આપી વિજય સાથે પોતાના અભિયાનનો અંત કર્યો છે. તો આ પરાજય સાથે કિંગ્સ ઇલેવન પંજાબનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ સમાપ્ત થઈ ગયું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 18.5 ઓવરમાં 1 વિકેટે 154 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ટૂર્નામેન્ટમાંથી આઉટ થનારી બીજી ટીમ બની પંજાબ
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ તો પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકી હતી. પરંતુ હવે તેણે પંજાબને હરાવી તેના પણ સમીકરણ પર પાણી ફેરવી દીધું છે. ચેન્નઈની ટીમે આ સીઝનમાં 14 મેચાં 6 જીત મેળવી જ્યારે તેનો 8 મેચમાં પરાજય થયો છે. તો પંજાબની પણ આજ સ્ટોરી રહી છે. બંન્ને ટીમોએ 12-12 પોઈન્ટ સાથે પોતાના અભિયાનનો અંત કર્યો છે.  

ઓપનરોએ ચેન્નઈને અપાવી મજબૂત શરૂઆત
પંજાબે આપેલા 154 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 57 રન બનાવી લીધા હતા. ચેન્નઈને પ્રથમ ઝટકો 82 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો હતો. ફાફ 34 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 48 રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. 

યુવા રુતુરાજની ત્રીજી અડધી સદી
ચેન્નઈ માટે આ સીઝનમાં સૌથી સારી વાત યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડની બેટિંગ રહી છે. ગાયકવાડે આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ટૂર્નામેન્ટમાં ગાયકવાડની સતત ત્રીજી અડધી સદી છે. આ પહેલા તેણે આરસીબી અને કેકેઆર વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. ગાયકવાડ 49 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 62 અને અંબાતી રાયડૂ 30 બોલમાં 30 રન બનાવી અણનમ રહ્યો હતો. 

આઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ  

પંજાબના ટોપ ઓર્ડરનો ધબડકો
કિંગ્સ ઇલેવન પંજાબ માટે આજે કેપ્ટન કેએલ રાહુલ અને ઈજા બાદ વાપસી કરી રહેલા મયંક અગ્રવાલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્ને ખેલાડીઓએ સારી શરૂઆત કરી હતી પરંતુ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પંજાબને 48 રનના સ્કોર પર મયંક અગ્રવાલ (26)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મયંકે 15 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. તે લુંગી એન્ગિડીનો શિકાર બન્યો હતો. પંજાબે પાવરપ્લેમાં 1 વિકેટે 53 રન બનાવ્યા હતા. 

પાવરપ્લે બાદ પંજાબની ઈનિંગ ધીમી પડી અને ટીમે વિકેટ ગુમાવવાની પણ શરૂઆત કરી હતી. ટીમને 62 રનના સ્કોર પર કેએલ રાહુલ (29)ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. તેને પણ એન્ગિડીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. નિકોલસ પૂરન (2)ને ઠાકુરે આઉટ કરી ચેન્નઈને ત્રીજી સફળતા અપાવી હતી. ક્રિસ ગેલ (12)ને તાહિરે LBW આઉટ કર્યો હતો. મનદીપ સિંહ પણ માત્ર 14 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. આમ પંજાબે 108 રન પર પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી.

દીપક હુડ્ડાની શાનદાર બેટિંગ
પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દીપક હુડ્ડાએ ટીમની જવાબદારી સંભાળી હતી. તેણે 2015 બાદ ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારી હતી. હુડ્ડા 30 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 62 રન બનાવી અણનમ રહ્યો હતો. તેની અડધી સદીની મદદથી પંજાબની ટીમ 150નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ચેન્નઈ તરફથી લુંગી એન્ગિડીએ 3, જાડેજા, તાહિર અને ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news