Asian Games 2018 : ભારતીય મહિલા હોકી ટીમે 20 વર્ષ બાદ જીત્યો સિલ્વર

આ પરાજયની સાથે જ ભારતીય મહિલા ટીમ એશિયન રમતોત્સવમાં 36 વર્ષ બાદ બીજો ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ 

Asian Games 2018 : ભારતીય મહિલા હોકી ટીમે 20 વર્ષ બાદ જીત્યો સિલ્વર

જકાર્તાઃ ભારતીય મહિલા હોકી ટીમને 18મી એશિયન ગેમ્સમાં ફાઈનલમાં શુક્રવારે જાપાનના હાથે 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો. આ સાથે જ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. જાપાનની શિહોરી ઓઈકાવાએ 11મી અને મોતોમી કાવામુરાએ 44મી મિનિટમાં ગોલ કર્યો હતો. ભારત તરફથી નેહલ ગોયલે 25મી મિનિટમાં એકમાત્ર ગોલ કર્યો હતો. 

આ પરાજયની સાથે જ ભારતીય મહિલા ટીમ એશિયન રમતોત્સવમાં 36 વર્ષ બાદ બીજો ગોલ્ડ મેડલ જીતતાં રહી ગઈ. ભારતે 1982માં નવી દિલ્હીમાં રમાયેલી નવમી એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ગોલ્ડ ચુકવાને કારણે ભારતીય મહિલા ટીમને ટોકિયો ઓલિમ્પિક-2020ની ટિકિટ પણ ગુમાવવી પડી છે. ટોકિયો ઓલિમ્પિકમાં રમવા માટે ભારતીય ટીમે હવે ક્વોલિફાઈંગ મેચો રમવી પડશે. 

— Hockey India (@TheHockeyIndia) August 31, 2018

ભારતને મેચમાં 10મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેમાં ખેલાડી ગોલ કરી શકી નહીં. જાપાને 11મી મિનિટમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરીને 1-0ની લીડ મેળવી લીધી હતી. 

પ્રથમ ક્વાર્ટરમાં 0-1થી પાછળ રહ્યા બાદ ભારતીય મહિલાઓએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરીને બોલને પોતાના કબ્જામાં રાખ્યો હતો. ભારતીય ટીમને તેનો ફાયદો એ સમયે મળ્યો જ્યારે નેહાએ 25મી મિનિટમાં નવનીતના રિવર્સ શોર્ટ પર બોલને નેટના અંદર મોકલીને સ્કોર 1-1 કરી નાખ્યો. 

હાફ ટાઈમ બાદ 1-1થી બરાબર રહેલી ભારતીય ટીમ ત્રીજા ક્વાર્ટરમાં અલગ રણનીતિ સાથે ઉતરી. મેચની 35મી મિનિટમાં નવજોત અને વંદનાએ સારા મૂવ બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ વંદના નવજોતના પાસને ટ્રેપ કરી શકી નહીં અને જાપાનના ગોલકીપરે સારો બચાવ કર્યો. 

જાપાનને 44મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો, જેમાં મોતોમી કાવામુરાએ ગોલ કરીને ટીમને 2-1થી મહત્ત્વપૂર્ણ લીડ અપાવી દીધી. મેચમાં 1-2થી પાછળ રહ્યા બાદ ટીમ માટે ચોથો ક્વાર્ટર કરો યા મરોવાળો થઈ ગયો હતો. કેમ કે, મેચમાં રહેવા માટે સ્કોર બરાબર કરવો જરૂરી હતો. 

ચોથા ક્વાર્ટરમાં ભારતને અંતિમ મિનિટમાં ગોલ કરવાની સુંદર તક મળી પરંતુ તેઓ સપળ થયા નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news