INDvsAUS: દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાનો ધમાકેદાર વિજય, ભારતે શ્રેણી ગુમાવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા છે. જેના જવાબમાં ભારતીય ટીમ 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 
 

 INDvsAUS: દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાનો ધમાકેદાર વિજય, ભારતે શ્રેણી ગુમાવી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની યુવા ટીમે ફિરોઝશાહ કોટલા મેદાન પર સિરીઝના અંતિમ અને નિર્ણાયક વનડેમાં ભારતને 35 રને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બે વનડે ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને સતત ત્રણ વનડે મેચોમાં હરાવીને આ સિરીઝ પોતાના નામે કરી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજા (100) અને પીટર હૈંડ્સકોમ્બ (52) તથા ઝાય રિચર્ડસનના ઉપયોગી (29) રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 272 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી એકમાત્ર રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.  

ભારતની ખરાબ શરૂઆત
મોહાલીમાં શાનદાર સદી ફટકારનાર શિખર ધવન (12) પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 15 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતે 15 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (20)ને સ્ટોઇનિસે વિકેટકીપરના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ભારતે 68 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. 

રોહિત શર્માએ ફટકારી અડધી સદી
ભારતીય ટીમ એકતરફ વિકેટ ગુમાવી રહી હતી, બીજીતરફ ઓપનર રોહિત શર્મા એક છેડો સાચવીને બેટિંગ કરી રહ્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 41મી અડધી સદી પૂરી કરી હતી. આ સાથે રોહિત શર્માએ વનડેમાં 8000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. તે વનડેમાં સૌથી ઝડપી 8000 રન પૂરા કરનારો વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા (56)ને એડમ ઝમ્પાએ આઉટ કર્યો હતો. તેણે 89 બોલમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. 

રિષભ પંતે તક ગુમાવી
ભારતીય ટીમે યુવા વિકેટકીપર રિષભ પંતને આજે ચોથા ક્રમે બેટિંગમાં તક આપી હતી. પંત કેપ્ટન કોહલી આઉટ થયા બાદ ક્રિઝ પર આવ્યો હતો. આ સમયે ભારતને એક મોટી ભાગીદારીની જરૂર હતી. જેથી પંતે લાંબા સમય સુધી બેટિંગ કરવાની જરૂર હતી. તેણે શરૂઆતમાં જ એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. પરંતુ 16 બોલમાં 16 રન બનાવીને તે નાથન લાયનનો શિકાર બન્યો હતો. આમ તેણે ચોથા ક્રમે મળેલી તક ગુમાવી દીધી હતી. 

તો વિજય શંકર (16) રન બનાવી એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. સિક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર ખ્વાજાને કેચ આપી બેઠો હતો. રવિન્દ્ર જાડેજા (0)ને પણ એડમ ઝમ્પાએ આઉટ કરીને ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. 
 
ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત
ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનર ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યાં હતા. ખાસ કરીને ઉસ્માન ખ્વાજાએ આ સિરીઝમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે એરોન ફિન્ચ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. ભારતને પ્રથમ સફળતા ઈનિંગની 15મી ઓવરમાં મળી હતી. એરોન ફિન્ચ (27)ને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કર્યો હતો. તેણે 43 બોલનો સામનો કરતા 4 બાઉન્ડ્રી ફટકારી હતી. તેના આઉટ થયા બાદ ખ્વાજાએ એક છેડો સાચવી રાખતા 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિરીઝમાં ખ્વાજાનો ચોથો 50+નો સ્કોર છે. આ તેના વનડે કરિયરની 8મી અડધી સદી છે. 

ઉસ્માન ખ્વાજાની બીજી સદી
ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ફિરોઝશાહ કોટલામાં સદી ફટકારી હતી. આ સિરીઝમાં તેની બીજી સદી છે. તેણે આ સિરીઝમાં બે અડધી સદી પણ ફટકારી છે. ખ્વાજાએ ભારતીય બોલરોનો શાનદાર સામનો કરતા પહેલા ફિસ્ચ સાથે 76 રનની અને પછી પીટર હૈંડ્સકોમ્બ સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. 

હૈંડ્સકોમ્બની અડધી સદી મેક્સવેલ ફેલ
ઓસ્ટ્રેલિયાએ 175 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ 182 રન પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. પીટર હૈંડ્સકોમ્બે કોટલામાં અડધી સદી ફટકારી હતી. તે (52) શમીનો શિકાર બન્યો હતો. વિકેટની પાછળ રિષભ પંતે તેનો કેચ ઝડપ્યો હતો. તેણે 60 બોલનો સામનો કરતા 4 બાઉન્ડ્રી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (1)ને જાડેજાએ પેવેલિયન પરત મોકલીને ભારતને મોટી સફળતા અપાવી હતી. 

સારી શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાનો ધબડકો
ઓસ્ટ્રેલિયાએ એક સમયે 33 ઓવરમાં બે વિકેટે 175 રન બનાવી લીધા હતા. ત્યારે લાગતુ હતું કે, ટીમ મોટો સ્કોર 300ને પાર પહોંચી શકે છે. પરંતુ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરતા ઓસ્ટ્રેલિયાને મોટા સ્કોર સુધી પહોંચતા રોક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 175 રનના સ્કોર પર ઉસ્માન ખ્વાજા (100)ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ (1), માર્કસ સ્ટોઇનિસ (20), એસ્ટોન ટર્નર (20) અને એલેક્સ કેરી (3) રન બનાવી આઉટ થઈ ગયા હતા. અંતમાં રિચર્ડસન (29) અને કમિન્સ (15) રન બનાવીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 270ને પાર કરાવ્યો હતો. 

કુલદીપે આપ્યા 74 રન, ભુવીની ત્રણ વિકેટ
ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ફરી આ મેચમાં મોંઘો સાબિત થયો હતો. તેણે 10 ઓવરમાં 74 રન આપ્યા હતા. તેને એકમાત્ર સફળતા મળી હતી. આ સિવાય જાડેજાએ 10 ઓવરમાં 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શમીને બે સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news