INDvsAUS: બોલરોનો કમાલ, નાગપુરમાં ભારત 8 રને જીત્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ નાગપુરમાં રમાઈ રહી છે. 

INDvsAUS: બોલરોનો કમાલ, નાગપુરમાં ભારત 8 રને જીત્યું

નાગપુરઃ ભારતે અહીં જામથા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં 8 રને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 48.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જયારે ભારતને જીતવા માટે 2 વિકેટની જરૂર હતી. વિજય શંકરે ત્રણ બોલમાં બે વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. 
 

ફિન્ચ-ખ્વાજા વચ્ચે 83 રનની ભાગીદારી
251 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને બંન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ફિન્ચ અને ખ્વાજાએ 14 ઓવરમાં 83 રન જોડી દીધા હતા. ઈનિંગની 15મી ઓવરમાં એરોન ફિન્ચ (37) કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. તેણે 53 બોલમાં 5 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. તેની આગામી ઓવરમાં કેદાર જાધવે ઉસ્માન ખ્વાજા (38)ને વિરાટના હાથે કેચઆઉટ કરવાની ભારતને બીજી સફળતા અપાવી હતી. બંન્ને ઓપનરો સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ટીમનો સ્કોર 122 રન હતો ત્યારે શોન માર્શ (16) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. 

શોન માર્શ અને મેક્સવેલ ફીરકીમાં ફસાયા
પ્રથમ વિકેટ બાદ ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ ભારતીય સ્પિનરોનો સામનો  કરવામાં અસફળ રહ્યાં હતા. શોન માર્શ (16) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મેક્સવેલ (4)ને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. પોતાના કરિયરમાં કુલદીપે પ્રથમવાર મેક્સવેલને આઉટ કર્યો હતો. 

ભારતની ઓપનિંગ જોડી ફેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ ઓવરના છેલ્લા બોલે રોહિત શર્મા (0)ને પેટ કમિન્સે બાઉન્ડ્રી પર એડમ ઝમ્પાના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે પાવરપ્લેમાં ગ્લેન મેક્સવેલને બોલિંગ આપી હતી. તેનો ફાયદો ઉઠાવતા ઈનિંગની નવમી ઓવરમાં મેક્સવેલે શિખર ધવન (21)ને LBW આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી હતી. ભારતે પ્રથમ પાવરપ્લેના અંતે 2 વિકેટ ગુમાવી 39 રન બનાવ્યા હતા. 

રાયડૂ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
હૈદરાબાદમાં પોતાની બેટિંગથી નિરાશ કરેલા અંબાતી રાયડૂએ ફરી એકવખત નિરાશ કર્યા હતા. તેણે સેટ થવા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. રાયડૂ (18) નાથન લાયનનો શિકાર બન્યો હતો. તે LBW આઉટ થયો હતો. રાયડૂએ 32 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી ફટકારી હતી. 

કોહલીની કરિયરની 40મી સદી
એક તરફ વિકેટનું પતન થતું હતું બીજી તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળતા પોતાના વનડે કરિયરની 50મી અડધી સદી ફટકારી હતી. તેણે 55 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે જાડેજા સાથે સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. કોહલીએ 107 બોલમાં પોતાના વનડે કરિયરની 40મી સદી પૂરી કરી હતી. કોહલી 116 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 120 બોલમાં 10 બાઉન્ડ્રી ફટકારી હતી. 

શંકર દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ
વિજય શંકર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે કોહલી સાથે મળીને ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી પણ કરી હતી. તે એડમ ઝમ્પાની બોલિંગમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ થયો હતો. ઝમ્પાની બોલિંગમાં વિરાટ કોહલીએ સ્ટેટ ડ્રાઇવ મારી બોલ ઝમ્પાના હાથમાં ટચ થઈને સ્ટમ્પમાં લાગ્યો હતો આ સમયે વિજય શંકર ક્રિઝની બહાર રહેતા તે રન આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા. 

ગત મેચના હીરો બન્યા ઝીરો
પ્રથમ વનડેમાં ભારતને જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા એમએસ ધોની અને કેદાર જાધવ બીજી વનડેમાં ફ્લોપ રહ્યાં હતા. એડમ ઝમ્પાએ એક ઓવરમાં ધોની અને જાધવને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ઈનિંગની 33મી ઓવરમાં કેદાર જાધવ (11) કેચઆઉટ થયો હતો. તેના પછીના બોલે ધોનીને (0) ગોલ્ડન ડક મળી હતી. 

કોહલી-જાડેજા વચ્ચે મહત્વની ભાગીદારી
ભારતે 171 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ સાતમી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. જાડેજા (21) પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 40 બોલનો સામનો કર્યો હતો. 

ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, ઝમ્પાએ બે તથા મેક્સવેલ, નાથન કુલ્ટર નાઇલ અને લાયને એક-એક વિકેટ ઝડપી હતી. 
 

ટીમ
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, એમએસ ધોની, કેદાર જાધવ, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાઃ ઉસ્માન ખ્વાજા, એરોન ફિન્ચ, શોન માર્શ, માર્કસ સ્ટોઇનિસ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, નાથન લાયન, એડમ ઝમ્પા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news