સ્વામી તદ્રૂપાનંદજીએ આપ્યો બુધ્ધિને ધારદાર બનાવવાનો મંત્ર
Trending Photos
અમદાવાદઃ શાસ્ત્રો જ આપણી બુધ્ધિને ધારદાર બનાવે છે, એક જમાનામાં રેડિયોને ટ્યૂનિંગ કરવા જે રીતે નોઝલને વારંવાર ફેરવવી પડતી હતી એજ રીતે બુધ્ધિને દારદાર બનાવવા વારંવાર શાસ્ત્રોની મદદ લેવી પડે છે, એમ પૂ. સ્વામી તદ્રૂપાનંદજીએ આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કેડીલા ફાર્માસ્યુટીકલ્સ દ્વારા ઈન્દ્રવદન મોદી તથા શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા અષ્ટાવક્ર ગીતા ચિંતન સત્રના ત્રીજા દિવસે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
દિવસના પ્રવચનના પ્રારંભે સ્વામીજીએ ઈશ્વર કારણ છે અને જગત કાર્ય છે, ઈશ્વર જગત રૂપે દેખાય છે, ઈશ્વર આપણી ભીતર જ છે એ વાતને સુંદર ઉદાહરણો સાથે સમજાવી હતી. કોઈ પણ વસ્તુના સર્જન માટે બે કારણોની જરૂર હોય છે. જેમ દાગીના બનાવવા માટે સોનાની જરૂર હોય એ જ રીતે દાગીના ઘડવા માટે સોનીની પણ જરૂર પડે છે. બે કારણો હોય તો જ વસ્તુની ઉત્પત્તિ થાય છે.
તેમણે કહ્યું કે ક્યારેય કોઈએ જે તે વસ્તુઓના નિર્માતાને જોયો નથી એ જ પ્રકારે જગતના સર્જનહાર ઈશ્વરને કોઈએ જોયો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સર્જન હોય તો સર્જનહાર હોય જ. કારણ કાર્ય બની જાય તો કારણ દેખાય નહિ. એ વાત જણાવી તેમણે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કેરીની ગોટલી આંબો બન્યા બાદ દેખાતી નથી
એજ રીતે ઈશ્વર દેખાતો નથી. સર્જન માટેના બે કારણોમાં ઉપાદાન એટલે કે વસ્તુ અને નિમિત્ત એટલે કે જ્ઞાનનો સમાવેશ થાય છે.
સ્વામીજીએ કહ્યું કે ઈશ્વર જગતનું બીજ છે. આ વાતને સમજાવતા તેમણે કરોડિયાનું ઉદાહરણ આપીને કહ્યું કે જે રીતે કરોડિયો તેની લાળમાંથી જ જાળું રચે છે એ જ રીતે ઈશ્વરે તેમની માયાશક્તિમાંથી જ જગતનું સર્જન કર્યું છે. જ્યાં નામ અને આકાર છે ત્યાં ઈશ્વર છે. વ્યક્તિ દ્રષ્ટીના અભાવે ભેદ જુએ છે. જેમ કોઈ કહે કે તેને તેના બાપ કે માતા સાથે નથી બનતું પણ હકીકતમાં તેને ઈશ્વર સાથે જ નથી બનતું. આ બાબત તેને જ્ઞાનના અભાવે સમજાતી નથી.
સ્વામીજીએ કહ્યું કે નામ અને આકારને બાદ કરીને જોઈશું તો ઈશ્વર બધે દેખાશે. જો આપણે ઈશ્વરને મંદિરોમાં શોધીશું તો નહિ દેખાય. આપ સૌ મોબાઈલ ટેમ્પલ છો, આપ સૌમાં ઈશ્વર છે, ઈશ્વર જગત રૂપે જ દેખાય છે. આ પ્રવચન સત્ર 31 માર્ચ સુધી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં રોજ સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે