ગુજરાતના આ ગામોમાં કેમ ગાયો દોડાવીને કરાય છે નવા વર્ષની ઉજવણી? જાણવા જેવી છે પરંપરા

બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓને ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળને પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરાય છે.

ગુજરાતના આ ગામોમાં કેમ ગાયો દોડાવીને કરાય છે નવા વર્ષની ઉજવણી? જાણવા જેવી છે પરંપરા

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે દીપ પ્રગટાવીને ઉજાસ કરીને ફટાકડા ફોડીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાતમાં કેટલી જ જગ્યાઓ એવી પણ છે જ્યાં આના કરતા કંઈક અલગ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ ગામમાં જે પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તેવી પરંપરા લગભગ બીજે ક્યાંય નથી જોવા મળતી...

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થાય છે. ગુજરાતીઓના નવા વર્ષના વધામણઆં કરવાનો પણ અનેરો આનંદ હોય છે. ગુજરાતમાં અનેક ગામ એવા પણ છે, જ્યાં દાયકાઓ જુની પરંપરા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આવું જ એક ગામ રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. જે ગામનું નામ છે પાટડી તાલુકાનું વડગામ. જ્યાં વર્ષોથી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવાની પરંપરા છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલાં વડગામ ખાતે નવા વર્ષમાં ગાયો દોડાવાની વર્ષો જૂની પરંપરા છે. ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોની આ દોડ શરૂ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ભગવાનના આશીવાર્દ છે. વડગામ ઉપરાંત પણ આસપાસના અનેક ગામોમાં ગાયો દોડાવવાની પરંપરા આજે પણ યથાવત છે. વડગામ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના આદરીયાણા, પાટડી, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ગાયો દોડાવવાની અનોખી પરંપરા ચાલતી આવી છે. કહેવાય છે કે ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી જેને ગ્રામજનો ભગવાનના આશીર્વાદ માને છે.

નવા વર્ષની સવારે કેમ દોડાવાય છે ગાયો?
આ ગામના લોકોની એવી માન્યતા છેકે, નવા વર્ષે વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાય છે. કહેવાય છે કે નવા વર્ષે જ આખા ગામમાં ગાયો દોડવાથી ગામનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. ગામ લોકોનું એવું પણ માનવું છેકે, નવા વર્ષે ગામમાં ગાયો દોડાવવાથી આવનારા વર્ષ દરમિયાન ગામ પર કોઈ ઉપાધી નથી આવતી. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના જુદા-જુદા ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. 

પ્રથમ આવનાર ગાય અને ગોવાળનું થાય છે સન્માનઃ
બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓને ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળને પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news