સોમનાથ-અંબાજીની જેમ ભવ્ય બનાવાશે ગુજરાતનું આ મંદિર, સરકારનો મોટો નિર્ણય

Bahucharaji Temple : રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે
 

સોમનાથ-અંબાજીની જેમ ભવ્ય બનાવાશે ગુજરાતનું આ મંદિર, સરકારનો મોટો નિર્ણય

Gujarat Temples : ગુજરાત ધાર્મિક તીર્થસ્થાનોથી ભરેલું રાજ્ય છે. તેથી અહી સરકાર પણ ધાર્મિક સ્થાનોના વિકાસ પર વિશેષ ધ્યાન આપે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજની કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, ઉત્તર ગુજરાતમા આવેલ બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ છે. ૮૬ મીટરથી વધુ ઊંચાઈ સાથેનું ભવ્ય મંદિર બંસીપહાડપુર પથ્થરમાંથી નિર્માણ પામશે. 

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે. 

તેમણે  વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઇન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા(SBC) અંગેના  ટેસ્ટીંગ રીપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી ૮૬'૧"ની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૭૦ કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે. 

આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતિને ધ્યાને રાખી વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય બંસીપહાડપુર સ્ટોનમાં મંદિર નિર્માણ પામશે. 

ઉલ્લેખનીય છે કે, હાલનું બહુચરાજી મંદિર ૧૮મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થરનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news