દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય : ભક્તો માટે બદલાયો વર્ષો જુનો રિવાજ, આજથી 5 ને બદલે 6 ધજા ચઢશે

Dwarkadhish Temple : જગત મંદિર દ્વારકા મંદિરમાં 5 ને બદલે 6 ધજા ચઢાવવાનો નિર્ણય ઐતિહાસિક બની રહેશે... ધજા ચઢાવવાનું બુકિંગ હાઉસફુલ થઈ ગયુ હોવાથી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો 
 

દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય : ભક્તો માટે બદલાયો વર્ષો જુનો રિવાજ, આજથી 5 ને બદલે 6 ધજા ચઢશે

Gujarat Temples જયદીપ લાખાણી/દ્વારકા : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે, જે અબોટી બ્રાહ્મણો દ્વારા ચઢાવાય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે દ્વારકાના જગત મંદિરમાં ધજા ચડાવવાના નિયમોમાં અનેક ફેરફાર થયા હતા. ત્યારે હવે દ્વારકાધીશ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર ધજા ચઢાવવાનો નિયમ બદલાયો છે. હવેથી જગત મંદિરમાં 5 નહિ, રોજની 6 ધજા ચઢાવવામાં આવશે. યાત્રાધામ દ્વારકાનાં પ્રસિદ્ધ જગત મંદિર પર હવેથી પ્રતિદિન 6 વખત ધજારોહણ થશે. આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે, જે ગઈકાલે મીટિંગ બાદ નિર્ણય લેવાયો છે. 

દ્વારકા મંદિરનો ઐતિહાસિક નિર્ણય
દેવસ્થાન સમિતિ તથા ગૂગળી જ્ઞાતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે, આજથી 12 જુલાઈથી જગત મંદિર દ્વારકામાં દરરોજ 6 ધજા ચઢશે. જેથી હજારો ભક્તો હવેથી 6 ધજાનો લાભ મળશે. જેથી હવે યાત્રિકોને મંદિરમાં ધજા ચડાવવા માટે વિલંબ નહિ પડે. દ્વારકામાં ભક્તો ભારે શ્રદ્ધાથી ધજા ચઢાવવામાં આવે છે. આવામાં જે વધુ ધજા ચઢે તો વધુ ભક્તોને લાભ મળી શકે છે. આમ, મંદિરના આ નિર્ણયથી ભક્તોમાં ખુશી છવાઈ છે. માત્ર બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં કેટલીક ધજા ચઢી ન હતી, જેથી બાકીની ધજા ચઢાવવા માટે 5 ને બદલે 6 ધજા ચઢાવવાનો નિર્ણય કરાયો હતો. જે હવે કાયમી રાખવામાં આવ્યો છે. 

ધજા ચઢાવવાનું બુકિંગ ફુલ થઈ ગયું 
ગઈકાલે ખંભાળીયામાં કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોકકુમાર શર્માની અધ્યક્ષતામાં તથા સમિતિના ઉપાધ્યક્ષ તેમજ રીલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણીની સંભવતઃ ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી. જેમાં મંદિર શિખર પર છઠ્ઠી ધ્વજાજીના કાયમી ધોરણે આરોહણનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને હતો. જેમાં રજૂઆત કરાઈ હતી કે, ગુગળી જ્ઞાતિ પાસે વર્ષ 2024 સુધી ધ્વજાજીનું બુકિંગ ઘણાં વર્ષો પહેલાં હાઉસફુલ થયુ છે. ભાવિકોમાં ધ્વજાજીના મનોરથી બની જગતમંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાની માંગ પણ ઉત્તરોત્તર વધી છે. જેને લઈને દેવસ્થાન સમિતિ પાસે છઠ્ઠી ધ્વજાજીની મંજૂરીનો પ્રશ્ન અવાર નવાર ચર્ચામાં રહે છે. આ માંગને પહોંચી વળવા માટે દરરોજ પાંચ ધ્વજાજીના બદલે છ ધ્વજાજીનું આરોહણ થાય તે જરૂરી છે. 

રોજ 5 ધજા ચઢે છે 
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે. 

અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂક નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે. 

આ વિશે દ્વારકા મંદિરના પૂજારી દીપકભાઈ રમણીકભાઈ પૂજારી કહે છે કે, દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ ધજા વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત. પરંતુ દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 

તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે તેવુ કહેતા તેઓ જણાવે છે કે, દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news