અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ

Abu Dhabi Hindu Mandir : BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે વિશ્વ સંવાદિતા યજ્ઞમાં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા 

અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ

Abu Dhabi Hindu Mandir : UAEમાં બીએપીએસનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.  ત્યારે મહંત સ્વામી પણ અબુધાબી પહોંચી ગયા છે. મંદિરનો અદભૂત નજારો પણ જોવા મળ્યો છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. મંદિરના ઉદઘાટન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદી ઉપસ્થિત રહેશે. તેના બાદ 18 ફેબ્રુઆરીથી મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે જે ખૂબ જ સુંદર છે. મંદિરની ઉંચાઈની વાત કરીએ તો 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.

11 ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. BAPS હિંદુ મંદિર, અબુ ધાબીના 14 ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુએઈ અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.

ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને  અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું.  પૂજારીઓની સાથે સાથે ૨૦૦ જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા. 

મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે. આજે પ્રાતઃ કાળે યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે."

યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી, ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું, " વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું, વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news