ગુજરાતની આઇટીઆઈમાં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ દિકરીના એડમિશન માટે મુકશો દોટ

Women Industrial Training Institutes: ‘આઇટીઆઈની અંદર જ પ્લેસમેન્ટ ઑફિસરો માટેના વિશિષ્ટ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું અમલીકરણ થવાથી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેનો સંબંધ સુધર્યો છે, જેના પરિણામે સાલ-દર-સાલ પ્લેસમેન્ટનો દર સતત સુધર્યો છે.

ગુજરાતની આઇટીઆઈમાં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ દિકરીના એડમિશન માટે મુકશો દોટ

Gujarats ITI: ગુજરાતમાં વર્ષ 2023માં મહિલાઓ માટેની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (આઇટીઆઈ)માં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના ડિરેક્ટોરેટ ઑફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ (ડીઇટી) દ્વારા પૂરાં પાડવામાં આવેલા આંકડાંઓ મુજબ, વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે મુજબ રાજ્યમાં આવેલી 19 મહિલા આઇટીઆઈમાં 5049 મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો. 

વર્ષ 2022માં કુલ 4048 મહિલાઓએ આ આઇટીઆઈમાં પ્રવેશ મેળવ્યો હોવાથી એમ કહી શકાય કે તેની સરખામણીએ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં મહિલા આઇટીઆઈમાં મહિલાઓની ટકાવારીમાં 24 ટકાનો વધારો નોંધાયો છે, ત્યારે રાજ્યમાં આવેલી તમામ 288 સરકારી આઇટીઆઈમાં મહિલાઓની ટકાવારી 9 ટકા વધી છે. તેમાં મોટાભાગે કૉ-એડ આઇટીઆઈનો સમાવેશ થાય છે.

કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન આ સંસ્થાઓમાં પ્રવેશ મેળનારી મહિલાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી પરંતુ ડીઇટી દ્વારા ઘરે-ઘરે જઇને અભિયાન હાથ ધરવામાં આવતાં છેલ્લાં બે વર્ષમાં તેમાં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્વેસ્ટ એલાયેન્સના યૂથ પ્રોગ્રામ (ઓપરેશન્સ)ના ડિરેક્ટર સેન્થિલ કુમાર એમ. કે.એ જણાવ્યું હતું કે, ‘આ આંકડાંઓ સૂચવે છે કે, જીવનમાં કંઈક શીખવા માંગતી મહિલાઓ ફક્ત તેમના માટેની આઇટીઆઈમાં પ્રવેશવા માટે ઇચ્છુક છે. આ સંસ્થામાંથી કૉર્સ પૂરો કર્યા બાદ તેમને ઘણી બધી નોકરીઓ અને સ્વ-રોજગારીની તકો મળી રહેતી હોવાથી તેઓ આઇટીઆઈમાં પ્રવેશ મેળવી રહી છે. આઇટીઆઈમાં મહિલાઓની ભરતી અને સહભાગિતામાં વધારો થવા પાછળનું વઘુ એક મહત્ત્વનું કારણ આ સંસ્થામાંથી અગાઉ તાલીમ મેળવી ચૂકેલી સ્ત્રીઓનો પ્રભાવ છે.’

આઇટીઆઈમાં શીખવાના માહોલને સુધારવામાં ફ્યુચર રાઇટ સ્કિલ્સ નેટવર્ક (એફઆરએસએન)ની ભૂમિકા પર પ્રકાશ પાડતાં સેન્થિલ કુમારએ જણાવ્યું હતું કે, ‘આઇટીઆઈની અંદર જ પ્લેસમેન્ટ ઑફિસરો માટેના વિશિષ્ટ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું અમલીકરણ થવાથી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેનો સંબંધ સુધર્યો છે, જેના પરિણામે સાલ-દર-સાલ પ્લેસમેન્ટનો દર સતત સુધર્યો છે. આથી વિશેષ, અમે પ્રિન્સિપલ લીડરશિપ પ્રોગ્રામ પણ હાથ ધરીએ છીએ, જેના લીધે સંસ્થાના અગ્રણીઓ તેમની સંસ્થા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ વિકસાવી શક્યાં છે અને ખૂબ મોટા પાયે પરિવર્તન લાવવા માટે વ્યૂહાત્મક ક્ષેત્રોની સાથે અસરકારક રીતે સંકળાઈ શક્યાં છે, જેના પગલે આઇટીઆઈમાં એકંદર ગુણવત્તા ઘણી સુધરી છે.’

ગાંધીનગરમાં યોજાવા જઈ રહેલી એફઆરએસએન આઇટીઆઈ ઇકોસિસ્ટમ સમિટમાં આઇટીઆઈમાં મહિલાઓની ભરતી અંગેના આ તમામ પાસાંઓ, કાર્યબળમાં તેમની સહભાગિતા અને આઇટીઆઈને કેવી રીતે વધુ મહત્ત્વકાંક્ષી બનાવી શકાય અને 21મી સદી માટે તૈયાર કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. એસેન્ચર, સિસ્કો, જે. પી. મોર્ગન, એસએપી લેબ્સ ઇન્ડિયા અને ક્વેસ્ટ એલાયેન્સ તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા બાબતોના મંત્રાલય (એમએસડીઈ) અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા સમર્થિત સહયોગાત્મક પહેલ એફઆરએસએનનો આંતરિક હિસ્સો એવું ગુજરાત સરકારી આઇટીઆઈમાં ભણતા યુવાનોનું સશક્તિકરણ કરવામાં મોખરે છે.

ડીઇટીના ડિરેક્ટર ગાર્ગી જૈન (આઇએએસ)એ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની આઇટીઆઈમાં મહિલાઓની ભરતીમાં ઉછાળો જોઇને હું ખૂબ જ રોમાંચિત છું, જે ટેકનિકલ શિક્ષણમાં રસ વધી રહ્યો હોવાનું અને તેના મારફતે ઉપલબ્ધ તકોને માન્યતા પ્રાપ્ત થઈ રહી હોવાનું સૂચવે છે. આ હકારાત્મક વલણ અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાવેશી અને સક્ષમ માહોલની રચના કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. ગાંધીનગરમાં યોજાવા જઈ રહેલી આઇટીઆઈ ઇકોસિસ્ટમ સમિટ આઇટીઆઈની ઇકોસિસ્ટમને ઉન્નત સ્તરે લઈ જવા અને 21મી સદીના અર્થતંત્રમાં સફળતા મેળવવા અમારા યુવાનોનું સશક્તિકરણ કરવા માટેની વ્યૂહરચના ઘડવા માટેનું એક મહત્ત્વનું પ્લેટફૉર્મ પૂરું પાડશે.’

આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપાલ્સ, પ્લેસમેન્ટ ઑફિસરો અને એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેનરોને પુરસ્કૃત કરવામાં આવશે. આ સમિટ યોજવા પાછળનો હેતુ ડીઇટી ગુજરાત અને એફઆરએસએન વચ્ચેના સફળ સહયોગનો સારાંશ રજૂ કરવાનો છે. આ કાર્યક્રમમાં આઇટીઆઈ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવેલા અનુકૂળ માહોલ પર પ્રકાશ પાડવામાં આવશે. એક જ પ્લેટફૉર્મ પર વિવિધ હિતધારકોને એકઠાં કરવાથી પ્રસ્તાવો રજૂ કરવા અને એકબીજામાંથી શીખ મેળવવા માટે સંવાદ અને સહયોગ સાધવાનો માર્ગ મોકળો થઈ જશે.

ક્વેસ્ટ એલાયેન્સ જાન્યુઆરી 2019થી ગુજરાતમાં આવેલી 100 જેટલી આઇટીઆઈમાં કામ કરી રહ્યું છે, જેનો પ્રારંભિક ઉદ્દેશ્ય ફેસિલિટેટરોને પ્રત્યક્ષ સુવિધા અને માર્ગદર્શન પૂરાં પાડવા મારફતે રોજગારી પૂરી પાડી શકે તેવા કૌશલ્યોને વધારવાનો છે. ડીઇટી ગુજરાતની સાથેના સહયોગમાં વિકસેલો આ સહયોગ વર્ષ 2019માં એક વ્યાપક અભિગમમાં પરિણમ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news