EXCLUSIVE- સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો લીક થવો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ: યશવંત સિંહા

દેશના પૂર્વ નાણામંત્રી અને વિદેશ મંત્રી હોવાની સાથે સાથે હાલની કેન્દ્રની મોદી સરકારના પ્રખર આલોચક યશવંત સિંહાએ દેશના આર્થિક અને વિદેશ મામલાઓ પર ઝી ન્યૂઝ ડિજિટલ ના ઓપીનિયન એડિટર પીયૂષ બબલે સાથે લાંબી વાતચીત કરી.

EXCLUSIVE- સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો લીક થવો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ: યશવંત સિંહા

નવી દિલ્હી: દેશના પૂર્વ નાણામંત્રી અને વિદેશ મંત્રી હોવાની સાથે સાથે હાલની કેન્દ્રની મોદી સરકારના પ્રખર આલોચક યશવંત સિંહાએ દેશના આર્થિક અને વિદેશ મામલાઓ પર ઝી ન્યૂઝ ડિજિટલ ના ઓપીનિયન એડિટર પીયૂષ બબલે સાથે લાંબી વાતચીત કરી. આ દરમિયાન વર્ષ 2019ના ચૂંટણી સંગ્રામ ઉપર પણ વાત થઈ. અહીં વાતચીતના ખાસ અંશ રજુ કરાયા છે.

સવાલ: આજે તમે સક્રિય રાજકારણ છોડી ચૂક્યા છો પરંતુ આજથી 34 વર્ષ પહેલા આ રાજકારણમાં આવવા માટે તમે પ્રશાસનિક સેવા છોડી હતી. ક્યારે કઈ ચીજે તમને પ્રેરિત કરી હતી અને હવે કઈ વસ્તુના કારણે તમે રાજકારણ છોડ્યું છે.
જવાબ: તે સમયે સૌથી મોટુ કારણ હતું જયપ્રકાશજીના આદર્શ. તેમનાથી પ્રેરિત થઈને હું રાજકારણમાં તો નહીં પરંતુ સોશિયલ વર્કમાં આવવા માંગતો હતો. પરંતુ તે સમયે ખુબ મોડુ થયું. જ્યારે 1984માં નોકરી છોડી ત્યારે 12 વર્ષની નોકરી મારી બાકી હતી. પરંતુ જ્યારે મેં નોકરી છોડી ત્યારે જેપી જઈ ચૂક્યા હતાં. ત્યારબાદ ચંદ્રશેખરજી સાથે મુલાકાત થઈ અને તેઓ મને રાજકારણમાં લાવ્યાં.

સવાલ: અને હવે...
જવાબ: હું હંમેશા એ કહેવા માંગતો હતો કે મેં કઈ જીવનભર રાજકારણમાં રહેવાનો ઠેકો લીધો નથી. જ્યારે મને લાગશે કે રાજકારણમાં રહેવાનો કોઈ લાભ નથી ત્યારે રાજકારણ છોડી દઈશ. ચાર વર્ષ પહેલા મેં ચૂંટણી રાજકારણ છોડ્યું અને હવે પાર્ટીનું રાજકારણ છોડ્યું છે.

સવાલ: પરંતુ જ્યારથી તમે રાજકારણ છોડ્યું છે ત્યારથી વધુ બોલતા રાજનેતા બન્યાં છે. હવે ભારતીય રાજકારણમાં સૌથી વધુ છવાયેલા રહેતા નેતાઓમાં સામેલ થયા છો.
જવાબ: મેં નક્કી કર્યું કે પક્ષવાળા રાજકારણથી ઉપર ઉઠીને દેશના મુદ્દાઓ પર  ખુલીને મારા વિચારો રજુ કરું. પક્ષમાં રહેવાથી અનેક બંધનોનો સામનો કરવો પડત.

yashwant sinha

સવાલ: તમને તમારા પક્ષથી સમસ્યા હતી કે પક્ષના નેતાઓથી.
જવાબ: 2014 બાદથી જે આખી વ્યવસ્થા કાયમ થઈ તેનાથી હું બહુ સંતુષ્ટ નહતો. છેલ્લા ચાર વર્ષમાં મને એવું લાગ્યું કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. તેના વિરોધમાં અવાજ ઉઠાવવાનો છે. પહેલા તો મેં પાર્ટીમાં રહીને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો પરંતુ ત્યારબાદ સ્વતંત્ર થઈને કામ શરૂ કર્યું.

સવાલ: પહેલા અર્થનીતિની ચર્ચા કરીએ. રૂપિયાની કિંમત સૌથી નીચલા સ્તર પર જતી રહી. આ દરમિયાન અનેક મોટા આર્થિક નિર્ણયો જેમ કે જીએસટી અને નોટબંધી પણ લેવામાં આવ્યાં. તે દેશને કઈ તરફ લઈ જઈ રહ્યાં છે.
જવાબ: રૂપિયાનો મામલો તાત્કાલિક છે. હું ન કહી શકું કે સરકારમાં બેઠેલા લોકો તેને કેટલો સમજી શકે છે. હું એ સમજુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં અર્થવ્યવસ્થાને સમજનારા લોકો નથી. પહેલા પણ નહતા. રૂપિયો શું છે, આપણી કરન્સી છે. તેનો બજારમાં વેપાર થઈ રહ્યો છે. તેની કિંમત ડિમાન્ડ-સપ્લાય પર નિર્ભર રહે છે. અત્યારે કેટલીક તાત્કાલિક પરિસ્થિતિ છે, ટ્રેડ વોર છે, ક્રુડ ઓઈલનો ભાવ વધ્યો છે, આવામાં રૂપિયા પર પ્રેશર બને છે. આરબીઆઈ પાસે ફોરેન કરન્સીનો સ્ટોક છે. આરબીઆઈ માર્કેટની હલચલ રોકે છે. રૂપિયાની કિંમત નક્કી કરવી આરબીઆઈનું કામ નથી. આજની સરકારમાં લોકો એ વાત સમજતા નથી, પહેલા પણ નહતા સમજતા. આજના વડાપ્રધાન મહોદયે 2013માં એક નિવેદન આપ્યું હતું, તે ખુબ અટપટું હતું. સુષમા સ્વરાજજીએ જે નિવેદન આપ્યું હતું તે પણ ખુબ અટપટુ હતું. ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત પડવાથી દેશ નબળો પડતો નથી.

સવાલ: દેશની સમગ્ર અર્થવ્યવસ્થાની હાલાત શું છે.
જવાબ: ભારતની અર્થવ્યવસ્થા શું છે. ભારતે આઠથી 10 ટકા પ્રતિવર્ષના હિસાબે આગળ વધવું જોઈએ. ત્યારે જ આપણે દેશની ગરીબી અને મુફલિસીની સમસ્યા દૂર કરી શકીશું. પરંતુ 2014 બાદથી આપણે સાતથી આઠ ટકા વચ્ચે છીએ. એ પણ ત્યારે જ્યારે 2015માં આપણે ગ્રોથ રેટ કાઢીને ફોર્મ્યુલા બદલી નાખ્યો. જૂના ફોર્મ્યુલાથી તો આ ગ્રોથ રેટ 5 ટકા જ રહેશે. એમાં પણ અસંગઠિત ક્ષેત્રના આંકડા સામેલ નથી. આ સેક્ટરને નોટબંધીથી ખુબ નુકસાન પહોંચ્યું છે. આ આંકડા પણ સામે આવે તો ભારતનો અસલ વિકાસ દર 3.5 ટકા જ નિકળશે. તેનું કારણ એ છે કે આપણે બીજા સંકેતક ગ્રોથ રેટને મેચ કરી શકતા નથી. નિર્યાત અને રોજગારના આંકડા વિકાસ દરના આંકડાઓ સાથે મેળ ખાતા નથી.

સવાલ: શું તમે એ કહેવા માંગો છો કે ડેટા કુકિંગ થઈ રહ્યું છે.
જવાબ: હું એમ નથી કહેતો કે ડેટા કુકિંગ થઈ રહ્યું છે પરંતુ આંકડા ભેગા કરવાની આપણી પદ્ધતિ દોષપૂર્ણ છે.

સવાલ: તમારા સમયમાં તો પદ્ધતિઓ યોગ્ય રહી હશે.
જવાબ: પદ્ધતિઓ પહેલા પણ આ જ હતી. પરંતુ સામાન્ય પરિસ્થિતિઓ નથી. જેમ કે એક સેક્ટરના આંકડા બીજા સેક્ટરથી મેચ કરી રહ્યા નથી. નોટબંધીથી અસંગઠિત ક્ષેત્ર પર અસર પડી છે. આથી તેના આંકડા હવે સામાન્ય નહીં હોય. આ બધાની મિક્સ અસર છે. આજે આપણને કોર્પોરેટ ઘરાનાઓના કારોબારના આંકડાથી આપણો વિકાસ દર 7.7 ટકા દેખાઈ રહ્યો છે.

સવાલ: તેનું કારણ આંતરરાષ્ટ્રીય છે કે ઘરેલુ.
જવાબ: ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈલની કિંમત 105 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 26 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઈ હતી. સરકાર પાસે બહુ રૂપિયા બચ્યાં. આપણા કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ, આપણી રાજકોષિય ખાદ્ય ઓછી થઈ ગઈ. સરકારના બજેટથી સબસિડિમાં જે રૂપિયા જતા હતાં, તે બચી ગયાં. સરકારે નવ વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી, જે રૂપિયા લોકોને મળવા જોઈતા હતાં તે સરકાર પાસે આવી ગયાં.

સવાલ: પરંતુ સરકાર તો એમ કહે છે કે જો રૂપિયા સરકારના ખજાનામાં આવ્યાં તો પણ દેશના વિકાસ માટે જ આવ્યાં છે, તેનાથી દેશના વિકાસ કાર્ય થશે.
જવાબ: વિકાસની વાત કરી રહ્યાં છો તો એ જણાવો કે આ સરકારની કઈ મોટી યોજના છે. અટલજીની સરકારમાં અમે રાજમાર્ગ યોજના બનાવી, ગ્રામીણ સડક બનાવી, ટેલિકોમમાં મોટા ફેરફાર કર્યાં, એવી કોઈ યોજના મોદી સરકારમાં હોય તો બતાવો.

સવાલ: પરંતુ તમારા સમયની આ બધી યોજનાઓ હજુ ચાલી જ રહી છે. તે ઉપરાંત વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના, સ્માર્ટ સિટી, રરબન મિશન, ગ્રામીણ વિદ્યુતીકરણ, ખેડૂતો માટે પાક વિમા યોજના, અનેક યોજનાઓ છે. હવે તે કેટલું કામ કરી રહી છે તે તમે જણાવો.
જવાબ: હાલ દેશના વડાપ્રધાનના નામે 97 યોજનાઓ ચાલી રહી છે. જ્યારે નક્કી થયું હતું કે રાજ્ય વધુ યોજનાઓ બનાવશે અને કેન્દ્ર તેને સહયોગ  કરશે.

સવાલ: આપણે 2018ની મધ્યમાં બેઠા છીએ અને 2019માં ચૂંટણી છે. આવામાં શું સરકારના ખજાનામાં એટલા રૂપિયા છે કે તે દેવામાફી કે ખેડૂતોને મોટી રાહત આપવા માટેની કોઈ યોજના શરૂ કરી શકે.
જવાબ: દેવામાફી હોવી જોઈએ. પરંતુ એકલા દેવામાફીથી ખેડૂતોની સમસ્યાઓની સમાધાન થશે નહીં. છેલ્લા ચાર વર્ષમાં સરકારે ખેડૂતો માટે કશું કર્યુ નથી. ખેડૂતોના લાગત મૂલ્ય....

સવાલ: પરંતુ સરકાર તો કહે છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી નાખશે.
જવાબ: 2022 કોણે જોયું.

yashwant sinha

સવાલ: પરંતુ સરકાર તો કહે છે કે એમએસપી હજુ દોઢ ગણુ કરી નાખીશું.
જવાબ: સરકારનો સૌથી મોટો વાયદો હતો કે સ્વામીનાથન આયોગ મુજબ ખેડૂતોને પાકનું દોઢ ગણું મૂલ્ય આપવું. સરકારે આ ફેંસલો પોતાના અંતિમ બજેટમાં લીધો છે જ્યારે આ કામ પહેલા બજેટમાં થવું જોઈતું હતું. હજુ પાકની વાવણી થવાની છે અને સરકારે હજુ સુધી નક્કી નથી કર્યું કે એમએસપી શું હશે. પાકની વાવણી પહેલા તે નક્કી થવું જોઈએ.

સવાલ: પરંતુ સરકાર તો પાક વીમા યોજના પણ ખેડૂતોને આપી રહી છે.
જવાબ: જરા પાક વીમા યોજના અંગે માલુમ કરો. ખેડૂતો જેટલા રૂપિયા વીમા પ્રિમિયમ તરીકે આપી રહ્યાં છે તેના 15-20 ટકા રૂપિયા જ ખેડૂતોને વીમા તરીકે મળી રહ્યાં છે. બાકીના બધા રૂપિયા કંપનીઓના ખાતામાં જતા રહ્યાં.

સવાલ: ખેડૂતોના મુદ્દે સરકારને કેટલા પોઈન્ટ આપશો.
જવાબ: પોઈન્ટ આપવાનું કામ હું કરતો નથી. આજે આખા દેશની મંડીઓમાં જુઓ, પાકની કિંમત ક્રેશ થઈ ગઈ છે. ગત વર્ષ મંદસૌરમાં ખેડૂતો ડુંગળીને લઈને પરેશાન હતાં, આ વખતે લસણને લઈને પરેશાન છે. સમગ્ર દેશમાં આ જ હાલ છે. ખેડૂતોનો લાભ છોડો, લાગત મૂલ્ય પણ મળતું નથી. આથી ખેડૂતો પરેશાન છે અને તેઓ સરકારથી નારાજ છે.

સવાલ: પરંતુ દેશના ખેડૂતો મત ક્યાં આપે છે. ખેડૂતો જ્યારે મત આપવા જાય છે ત્યારે તેઓ પણ જાતિ અને ધર્મના નામે જ મત આપે છે. આ જ રીતે દેશમાં ચૂંટણી લડાય છે.
જવાબ: સામાન્ય પરિસ્થિતિ હોય તો જાતિ, ધર્મ, ક્ષેત્ર આ બધી ચીજોની ચૂંટણી પર અસર થાય છે. પરંતુ વિષમ પરિસ્થિતિ છે. ખેડૂતો ખુબ પરેશાન છે. હવે તેઓ પોતાનું દર્દ જોશે, જાતિ,ધર્મ નહીં જુએ.

સવાલ: અત્યાર સુધી આર્થિક નીતિની વાત થતી રહી છે, જરા વિદેશ નીતિની વાત કરીએ. નહેરુજીના જમાનાથી આપણે ગુટનિરપેક્ષ રહ્યાં છીએ અને આપણી પોતાની સ્વાયત્તતા છે. હવે અમેરિકા જે કરી રહ્યું છે, ખાસ કરીને ઈરાન મામલે, શું તે સ્વાયત્તતાને પડકાર નથી?
જવાબ: બિલકુલ છે. અમેરિકા આપણને એમ કેવી રીતે કહી શકે કે ઈરાનથી ક્રુડ ઓઈલ ખરીદીએ કે નહીં. શું આપણે અમેરિકાને આદેશ આપીએ છીએ. તે આપણા અધિકારક્ષેક્ષમાં છે અને આપણે તે નક્કી કરીશું. ઈરાન આપણો મહત્વપૂર્ણ પાડોશી છે. અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયામાં જવાનો રસ્તો આપણી પાસે ઈરાન થઈને છે. ઈરાન આપણા માટે વ્યુહાત્મક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે. પરંતુ સરકાર આજે આ કહેવાથી બચી રહી છે જે સારી વાત નથી.

સવાલ: શું અમેરિકા સામે આપણું આ પ્રકારનું વલણ રાષ્ટ્રહિતની વિરુદ્ધમાં નથી.
જવાબ: બિલકુલ વિરુદ્ધ છે.

સવાલ: જો તમને યાદ હોય તો થોડા મહિના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ હાર્લી ડેવિડસન મોટરસાઈકલ પર એક્સાઈઝ ડ્યૂટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ આપણા વડાપ્રધાને પોતાના તરફથી ડ્યૂટી હટાવી દીધી હતી. શું આ સંકેત નથી કે આપણે શરૂઆતથી જ સબમિસિવ પદ્ધતિ અપનાવી રહ્યા છીએ.
જવાબ: બિલકુલ અપનાવી રહ્યાં છીએ. વર્તમાન વડાપ્રધાને શરૂઆતથી જ એવું વાતાવરણ બનાવી દીધુ છે કે આપણી વિદેશનીતિ ખુબ મજબુત છે. જો તમે દેશમાં પૂછશો     લોકો એમ જ કહેશે કે વિદેશ નીતિમાં સરકારે ખુબ સારું કામ કર્યું. પરંતુ હકીકત ઉલટી છે. આપણે શરૂઆતથી જ અમેરિકાની ચાપલૂસીમાં લાગી રહ્યાં. ટ્રમ્પના આવ્યાં બાદથી અમેરિકા પોતાના હિતોને સાધવામાં લાગ્યું છે, જરૂર પડશે તો અમેરિકા ભારતના હિતોને ચગદી નાખવા તૈયાર છે. આ મામલે આપણે નબળા પડી રહ્યાં છીએ. આ જ હાલ ચીન સાથે થયું. ચીન જે કરે છે તેને આપણે સ્વીકાર કરતા જઈ રહ્યાં છીએ.

સવાલ: માલદીવમાં જ્યારે 1980ના દાયકામાં સંકટ આવ્યું હતું ત્યારે આપણી સેના મોકલીને ચીજોને સામાન્ય કરી નાખી હતી, શું હવે તે પ્રકારે હસ્તક્ષેપ કરી શકાય નહીં.
જવાબ: મિલેટ્રી હસ્તક્ષેપની જરૂર નથી. પરંતુ આપણો પ્રભાવ એટલો હોવો જોઈએ કે આપણા પાડોશી આપણી વાત માને. આ જ રીતે આપણા સંબંધો માલદીવ સાથે ખરાબ થયા છે.

સવાલ: અને શ્રીલંકાના હમ્મનટોટા પોર્ટને ચીન પાસે જવાને કેવી રીતે જુઓ છો.
જવાબ: ચીનને લીઝ પર મળી ગયું છે. મોટુ જોખમ છે.

સવાલ: પરંતુ ચીનના રાષ્ટ્રપતિ આપણા ત્યાં આવી ચૂક્યા છે, અમેરિકાના ગત રાષ્ટ્રપતિ આવ્યાં હતાં, સંબંધ એટલા મધુર દેખાય છે તો પછી આ બધુ કેમ.
જવાબ: બાયેસ્કોપ દેખાડવાથી કામ નથી ચાલતુ. વ્યક્તિગત મિત્રતાનો કોઈ અર્થ હોતો નથી. ઓબામા આવ્યાં હતાં, હવે તે ક્યાં છે. રાષ્ટ્રોના સંબંધોમાં રાષ્ટ્રહિત સૌથી ઉપર છે. ફક્ત ગળે મળવાથી ફોરેન પોલીસી સફળ થતી નથી. વિદેશ નીતિ ઈવેન્ટ મેનેજમેન્ટથી ચાલતી નથી.

સવાલ: આપણો એક પાડોશી બચી ગયો, પાકિસ્તાન. તેના પર તો આપણે સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી. ત્યાં તો વિદેશ નીતિને સફળ ગણશો. તમને સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોઈ શક નથી.
જવાબ: મને સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોઈ શક નથી. એટલા માટે નથી કારણ કે તેની જાહેરાત સેનાના અધિકારીઓએ કરી હતી. પરંતુ સર્જિકલ સ્ટ્રાઈકના નામ પર દેશને વહેંચવો એ મારા સમજમાં આવતું નથી. જે સર્જિકલ સ્ટ્રાઈકનું સમર્થન કરે તે દેશભક્ત અને જે તેના અંગે સવાલ કરે તે દેશદ્રોહી. મને એ સમજમાં નથી આવતું કે સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ બાદ તેના વીડિયો જારી કરવામાં આવ્યાં અને જારી નથી કરાયા પરંતુ લીક કરાયા.

સવાલ: શું આટલા મહત્વપૂર્ણ સુરક્ષા વીડિયોનું લીક થવું એ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ નથી.
જવાબ: બિલકુલ જોખમ છે. તેનાથી વધુને કોઈ બીજો કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ હોઈ શકે નહી. આ કેવી રીતે લીક થયો. તેની તપાસ થવી જોઈએ.

સવાલ: 2019માં મોદીની સામે કોણ.
જવાબ: આ કોઈ સવાલ નથી. દેશમાં સંસદીય લોકતંત્ર છે. રાષ્ટ્રપતિ પ્રણાલી નથી. તેમાં નેતા જાહેર કરવામાં કોઈ બાધ્યતા નથી. પાર્ટીઓ પોતાના હિતના હિસાબથી નેતા જાહેર કરે છે કે કરતી નથી. ભાજપને જ જોઈ લો તો 2014માં મોદીને જાહેર કરવા એ તેમના ફાયદામાં હતું. પરંતુ ત્યારબાદ થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે મુખ્યમંત્રી ઉમેદવારો  ક્યાં જાહેર કર્યાં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથ ક્યા સીએમ ફેસ હતાં, તેઓ ચૂંટણી જીત્યા બાદ બન્યાં. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર, ઝારખંડમાં રઘુવર દાસ, મહારાષ્ટ્ર અને બાકીના રાજ્યોમાં ચૂંટણી બાદ સીએમ નક્કી કરાયા. હકીકતમાં તો આ એક જાળ બીછાવવામાં આવી રહી છે ભાજપ તરફથી કે 2019માં અમારી તરફથી મોદી તો તમારી તરફથી કોણ.

સવાલ: અચ્છા એ જણાવો કે 2019માં ભાજપને કેટલી સીટો મળશે.
જવાબ: તેના ઉપર હું કશું કહેવા માંગતો નથી.

સવાલ: હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે 2014માં અડવાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દસ અંકોમાં આવી જશે. તમે પણ બધું નજીકથી જોઈ રહ્યાં છો તો કઈંક તો આકલન કર્યું હશે.
જવાબ: દેશના ચાર રાજ્યોથી દેશની 182 લોકસભા બેઠકો આવે છે. આ ચાર રાજ્યો છે યૂપી, બિહાર, મહારાષ્ટ્ર અને ઝારખંડ. આ ચાર રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ ગઠબંધન બની ચૂક્યા છે. વિપક્ષી એક્તા થઈ ચૂકી છે.

સવાલ: 2019માં તમારી શું ભૂમિકા હશે, કૃષ્ણની જેમ મેદાનમાં રહેશો કે પછી બલરામની જેમ દૂરથી જોશો.
જવાબ: હું દેશના મુદ્દાઓ સાથે ઊભો છું.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news