ઝાડના પાંદડા પર રહેતા વિશ્વના એકમાત્ર જીવિત શંખનું મોત
લોનસમ જ્યોર્જ નામના આ શંખનું 1 જાન્યુઆરી, 2019ના રોજ 14 વર્ષની વયે મોત થયું છે, તે એચાટિનેલા એપેક્સફૂલ્વા (Achatinella apexfulva) પ્રજાતિનો સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવિત શંખ હતો, તેના મૃત્યુથી હવાઈ પ્રજાતિના શંખ હવે પૃથ્વી પરથી નામશેષ થયા છે
Trending Photos
હવાઈઃ જ્યોર્જ નામના શંખનું 1 જાન્યુઆરી, 2019ના રોજ 14 વર્ષની વયે મોત થયું છે, તે એચાટિનેલા એપેક્સફૂલ્વા (Achatinella apexfulva) પ્રજાતિનો સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવિત શંખ હતો, તેના મૃત્યુથી હવાઈ પ્રજાતિના શંખ હવે પૃથ્વી પરથી નામશેષ થયા છે.
તેનો જન્મ થયા બાદ તેની પ્રજાતિનો તે એકમાત્ર શંખ હતો. તેનો જન્મ યુનિવર્સિટી ઓફ હવાઈ ખાતે આવેલી લેબોરેટરીમાં થયો હતો. જ્યોર્જ પ્રજાતિનો શંખ હોવાને કારણે લેબોરેટરી દ્વારા તેને 'Lonesome George' નામ અપાયું હતું. યુનિવર્સિટી ઓફ હવાઈના પ્રોફેસર એમિરટ્સ માઈકલ હેડફિલ્ડે જણાવ્યું કે, એચાટિનેલા એપેક્સફૂલ્વા છેલ્લા એક દાયકા દરમિયાન હવાઈ ટાપુઓ પરથી નામશેષ થયેલી શંખની વિવિધ પ્રજાતિમાં સામેલ થઈ ગયો છે.
માઈકલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "હવાઈ ટાપુ પર લગભગ 800 પ્રજાતિના શંખ જોવા મળતા હતા. તેમાંથી ત્રણ ચતુર્થાંશ જેટલી પ્રજાતિ આજે નામશેષ થઈ ગઈ છે. અત્યારે હવાઈ ટાપુ પર અન્ય 10 જેટલી પ્રજાતિના શંખ જીવતા છે, પરંતુ તે પણ આગામી 10 વર્ષમાં તે પણ નામશેષ થઈ જશે."
માઈકલ શંખોની પ્રજાતિને બચાવવા માટે એક લેબોરેટરી ચલાવે છે. તેમણે જ્યોર્જ પ્રજાતિના લગભગ 10 જેટલા શંખને ભેગા કર્યા હતા. તેમાંથી મૃત્યુ પામનારો જ્યોર્જ અંતિમ હતો.
માઈકલે શંખોની પ્રજાતિના નામશેષ થવા અંગેનું કારણ જણાવ્યું કે, હવાઈ ટાપુ ઉપર મોટા પ્રમાણમાં શંખોની પ્રજાતિ રહેતી હતી, પરંતુ ઉંદરો અને વસતી વધારાની સાથે-સાથે શંખોની પ્રજાતિ ધીમે-ધીમે નાશ પામવા લાગી. તેમણે જણાવ્યું કે, ટાપુ પર આવતા જહાજો સાથે મોટી સંખ્યામાં ઉંદરો પણ આવ્યા હતા. જેમણે મોટી સંખ્યામાં શંખોને ખાવાનું શરૂ કર્યું હતું. જેમ-જેમ ટાપુ પર વસતી વધવા લાગી તેમ-તેમ શંખોએ પર્વતો ઉપર ચઢવાનું શરૂ કર્યું હતું. અહીં ડૂક્કર, બકરી અને હરણોની જંગલમાં રહેલી વસતીને કારણે પણ તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે