અમે વહેલામાં વહેલી તકે રામ મંદિર બનાવવા માગીએ છીએઃ અમિત શાહ

બે દિવસ સુધી ચાલનારા ભાજપના રાષ્ટ્રીય મહાધિવેશનને પક્ષના અધ્યક્ષ અમિત શાહે સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર અનેક પ્રહાર કર્યા હતા

અમે વહેલામાં વહેલી તકે રામ મંદિર બનાવવા માગીએ છીએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય મહાધિવેશનની શરૂઆત શુક્રવારે થઈ છે. કાર્યક્રમનો પ્રારંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંડો ફરકાવીને કરી હતી. બે દિવસ સુધી ચાલનારી આ પરિષદને પ્રારંભિક સંબોધન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 2019માં મોદી સરકાર બનાવીને વિજય ઉત્સવ મનાવીશું. 2019ની ચૂંટણી દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર અનેક પ્રહાર કર્યા હતા. 

ઉત્તર પ્રદેશમાં 73 બેઠક
અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, '2019માં મોદી સરકાર બનાવી દો. કેરળ સુધી ઝંડો લહેરાવીશું. ઉત્તર પ્રદેશમાં આ વખતે 73 બેઠકો પર વિજય મેળવીશું. ઉત્તર પ્રદેશમાં ભાજપ 50 ટકા વોટની લડાઈ લડશે. મહાગઠબંધન જાણે છે કે મોદી એકલા લડી શકતા નથી. 2019ની ચૂંટણી મોદી વિરુદ્ધ ઓલ પાર્ટી બની ચૂકી છે. આખી દુનિયામાં મોદી જેવા કોઈ લોકપ્રિય નેતા નથી.'

રામ મંદિર
શાહે રામ મંદિર અંગે જણાવ્યું કે, પાર્ટી રામ મંદિર વહેલામાં વહેલી તકે બનાવવા માગે છે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસની ઝડપી સુનાવણી થાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી ઝડપથી ચૂકાદો આવી જાય. કોંગ્રેસ તેમાં રોડા નાખી રહી છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ
અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, "જામીન પર છૂટેલા લોકોના આરોપોથી કોઈ ફરક પડતો નથી. રાહુલ ભલે આરોપ લગાવતા રહે, દેશની પ્રજા બધું જ જાણે છે. 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામ-સામે ઊભી છે." તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે 60-60 વર્ષ સુધી દેશ પર રાજ કર્યું છે, પરંતુ પ્રજા માટે કંઈ જ કામ કર્યું નથી. 

આસામ
આસામમાં સરબાનંદ સોનોવાલની સરકાર બની અને સરકાર બનતા જ અમે NRCની શરૂઆત કરી હતી. NRC દેશમાં ઘુસણખોરોની છટણી કરવા માટેની વ્યવસ્થા છે. માત્ર આસામમા્ં જ 40 લાખ જેટલા પ્રથમ દૃષ્ટિએ ઘુસણખોરો ચિન્હિત કરાયા છે. 

મહાગઠબંધન
શાહે જણાવ્યું કે, એ લોકો મહાગઠબંધનની વાતો કરી રહ્યા છે. શું છે મહાગઠબંધન? તેઓ એક બીજાની આંખમાં આખ મિલાવીને પણ જોઈ શક્તા નથી અને હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે જાણો છો શા માટે? તેઓ પીએમ મોદી દ્વારા કરવામાં આવતું સારું કામ સહન કરી શકતા નથી અને તેમને હરાવા માગે છે. તેમનો આ એકમાત્ર એજન્ડા છે. 

સરકારની સિદ્ધિઓ ગણાવી
અમિત શાહે પોતાના સંબોધનમાં મોદી સરકારે મેળવેલી સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે સરકાર દ્વારા બનાવાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સ્વચ્છતા અભિયાન, ગ્રામીણ વિસ્તારોમાં વિજળીકરણ અને ઘેર-ઘેસ ગેસ કનેક્શન આપવાની ઉજ્જવલા યોજનાની સફળતાના આંકડા રજૂ કર્યા હતા. યુપીએ સરકારમાં ભારતીય સેનાનું મોરલ ડાઉન કરી દેવાયું હતું. આ મનમોહન નહીં પરંતુ મોદી છે. અમે સેનાને સર્જિકલ સ્ટ્રાઈક માટે છૂટ આપી હતી. આ સાથે જ ભારતીય સેના અમેરિકા અને ઈઝરાયેલ પછી વિશ્વની ત્રીજી સેના બની ગઈ હતી, જેણે આવું કામ કર્યું હોય. 

અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મધ્યમ અને નાના વેપારીઓ માટે બહુ મોટો નિર્ણય લીધો છે. જે વેપારીઓ 1.5 કરોડના ટર્નઓવરનું કમ્પોઝિશન પ્લાન સ્વીકારે છે તેમણે હવે માત્ર 1 ટકા ટેક્સ જ ભરવાનો રહેશે. સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદી જેટલો પ્રખ્યાત નેતા કોઈ નથી. હું ઉત્તરપ્રદેશ યુનિટના સંપર્કમાં છું અને વિશ્વાસપૂર્વક કહી શકું છું કે પાર્ટી આ વખતે 74 બેઠક જીતશે અને 72 કરતા ઓછી તો નહીં જ થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news