ભારત-રશિયા વચ્ચે આજે S-400 ડિફેન્સ સિસ્ટમ પર કરારની શક્યતા, અમેરિકા છે લાલઘૂમ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક કરશે. તેમના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત અંતરિક્ષ અને ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં અનેક કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. કહેવાય છે કે એસ-400 ડિફેન્સ સિસ્ટમ પર બંને દેશો વચ્ચે શુક્રવારે કરાર થઈ શકે છે.
ગુરુવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પુતિન ભારત પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પુતિન સીધા લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નિવાસ ગયા અને ત્યાં બંને નેતાઓએ આમને સામને બેઠક કરી. ત્યારબાદ પીએમ મોદીએ તેમના માટે ડીનરનું આયોજન કર્યું હતું.
આજે 19મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન થવાનું છે. સંમેલનમાં બંને નેતાઓ વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. તેમાં મોસ્કો વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધ અને આતંકવાદ વિરોધી સહયોગ સામેલ છે. રશિયન રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વ્યાપાર તથા ઉદ્યોગમંત્રી ડેનિસ મંતુરોવ સામેલ છે.
બેઠક પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં તમારું સ્વાગત છે. વાતચીતને લઈને હું ઉત્સુક છું. તેનાથી ભારત-રશિયાના સંબંધો ગાઢ બનશે. તેમની ટ્વિટ રશિયન ભાષામાં પણ પોસ્ટ કરવામાં આવી. પુતિન ભારત પહોંચતાની સાથે જ રશિયન સમાચાર એજન્સી તાસે અહેવાલ આપ્યો કે શુક્રવારે અનેક દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં ભારતને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો પાંચ અબજ ડોલરનો કરાર પણ સામેલ છે.
હસ્તાક્ષર થનારા કરારથી રક્ષા, અંતરિક્ષ, વ્યાપાર, ઉર્જા અને પર્યટન જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન મળશે. પરંતુ મુખ્ય ધ્યાન એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર રહેશે કારણ કે જો આ કરાર પર હસ્તાક્ષર થયા તો તેનાથી રશિયા પાસેથી હથિયારોની ખરીદી પર અમેરિકી પ્રતિબંધોનો ભંગ થઈ શકે છે.
ભારતે સંકેત આપ્યા છે કે અમેરિકી પ્રતિબંધો છતાં તે આ કરારની દિશામાં આગળ વધશે. ભારત પોતાના વાયુરક્ષા તંત્રને મજબુત કરવા માટે લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ ખરીદવા માંગે છે. ખાસ કરીને લગભગ 4000 કિલોમીટર લાંબી ચીન ભારત સીમા માટે. રશિયા ભારતના પ્રમુખ હથિયાર આપૂર્તિકર્તામાંથી એક રહ્યો છે.
સૂત્રોએ પહેલા કહ્યું હતું કે મોદી અને પુતિન ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત પર અમેરિકી પ્રતિબંધના પ્રભાવ ઉપર પણ વિચાર કરશે. મોદી સાથે વાતચીત ઉપરાંત રશિયન નેતા પુતિન શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ બેઠક કરશે. તેઓ પ્રતિભાશાળી બાળકોના એક સમૂહ સાથે વાતચીત પણ કરશે અને ભારત-રશિયા વ્યાપાર બેઠકને પણ સંબોધિત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે