ગુમ થઈ ગયેલા AN-32 વિમાનની આખરે ભાળ મળી, કાટમાળની પહેલી તસવીર આવી સામે

 દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈ પર અને ગાઢ જંગલો વચ્ચે છે. આવા સંજોગોમાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું એ પડકારભર્યુ કામ છે. આ બધા વચ્ચે વાયુસેનાએ રાહત કાર્યની એક રૂપરેખા પણ તૈયાર કરી છે. વિમાનના કાટમાળની પહેલી તસવીર પણ સામે આવી છે.  

ગુમ થઈ ગયેલા AN-32 વિમાનની આખરે ભાળ મળી, કાટમાળની પહેલી તસવીર આવી સામે

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32ની આખરે ભાળ મળી. ભારતીય વાયુસેનાએ મંગળવારે અરુણાચલ પ્રદેશના લીપોથી ઉત્તરમાં 16 કિમી દૂર 12 હજાર ફૂટની ઊંચાઈએ AN-32 વિમાનના ટુકડાં જોયાની ખરાઈ કરી છે. વાયુસેનાના જણાવ્યાં અનુસાર આ ટુકડાં સર્ચ ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા જોવામાં આવ્યાં. વાયુસેનાનું ધ્યાન હવે વિમાનમાં દુર્ઘટના સમયે જે 13 લોકો હાજર હતાં તેમની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવવા પર છે. દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈ પર અને ગાઢ જંગલો વચ્ચે છે. આવા સંજોગોમાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું એ પડકારભર્યુ કામ છે. આ બધા વચ્ચે વાયુસેનાએ રાહત કાર્યની એક રૂપરેખા પણ તૈયાર કરી છે. વાયુસેનાના કાટમાળની જગ્યાએ પાસે એક ખાસ જગ્યા સિલેક્ટ કરી છે જ્યાં આવતી કાલે એટલે કે બુધવારે સવારે સેનાના હેલિકોપ્ટર્સ લેન્ડ કરશે અને કાટમાળવાળી જગ્યાએ વિમાનમાં રહેલા લોકોની શોધ માટે નીકળશે. વિમાનના કાટમાળની પહેલી તસવીર પણ સામે આવી છે.  

— ANI (@ANI) June 11, 2019

વાયુસેનાએ મંગળવાર સાંજે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે એમઆઈ 17 હેલિકોપ્ટર્સ દ્વારા AN-32 વિમાનના કાટમાળની શોધ બાદ વાયુસેનાના ચીતા હેલિકોપ્ટર અને સેનાના એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરોએ દુર્ઘટનાસ્થળની સમીક્ષા કરી. જો કે ઊંચાઈ અને ગાઢ જંગલોના કારણે હેલિકોપ્ટરો ત્યાં લેન્ડ થઈ શક્યા નહીં. વાયુસેનાએ વધુમાં કહ્યું કે જો કે અમે નજીકની એક લેન્ડિંગ સાઈટની ઓળખ  કરી લીધી છે અને બુધવારે સવારે હેલિકોપ્ટરો દ્વારા બચાવ અભિયાન શરૂ કરાશે. આ બધા વચ્ચે આજે રાતે ગ્રાઉન્ડ ફોર્સ ત્યાં પહોંચવાની કોશિશ કરશે. 

વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે કાટમાળવાળી જગ્યાએ પર વાયુસેના ગરૂડ કમાન્ડોઝની એક ટીમ ઉતારશે. આ ઉપરાંત વાયુસેનાની પર્વતારોહકોની એક ટુકડી તથા અન્ય ગ્રાઉન્ડ ફોર્સિસને પણ બુધવારે સવારે કાટમાળવાળી જગ્યા પર ઉતારવામાં આવશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ઈસ્ટ અરુણાચલ પ્રદેશની પહાડીઓ ખુબ જ રહસ્યમય ગણાય છે અને અહીં અગાઉ પણ અનેકવાર એવા વિમાનોનો કાટમાળ મળી આવ્યો છે જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગુમ થયા હતાં. અલગ અલગ રિસર્ચમાં એક વાત સ્પષ્ટ થઈ કે અહીંના આકાશમાં ખુબ વધારે ટર્બુલેન્સ અને 100 મીલ પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો પવન અહીંની ઘાટીઓના સંપર્કમાં આવતા એવી સ્થિતિઓ પેદા થાય છે કે ત્યાં ઉડાણ ખુબ મુશ્કેલ બની જાય છે. તદ ઉપરાંત ત્યાંની ઘાટીઓ અને ગાઢ જંગલોમાં ક્રેશ થતા  કોઈ પણ વિમાનનો કાટમાળ શોધવો એક મિશન જેવું બની જાય છે. જેના  પૂરા થવામાં કેટલીકવાર અનેક દાયકા વીતી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news