Viral Video : યુવતીઓને ટૂંકા વસ્ત્રોમાં જોઈ મહિલા બોલી, "આમનો તો બળાત્કાર થવો જોઈએ...!"
દિલ્હીના એક સ્ટોરની આ ઘટના છે. આધેડ વયની મહિલા દ્વારા આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરાયા પછી ત્યાં હાજર અન્ય યુવતીઓ ગુસ્સે થઈ જાય છે અને એ મહિલાની પાછળ-પાછળ ફરીને તેનો વીડિયો ઉતારે છે અને મહિલાને ખરું-ખોટું સંભળાવે છે, મોલમાં હાજર એક અન્ય મહિલા પણ યુવતીઓના સમર્થનમાં મહિલાને ધમકાવે છે
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આજકાલ એક મહિલાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. એક આધેડ વયની મહિલાએ એક મોલમાં યુવતીઓને ટૂંકા વસ્ત્રોમાં જોઈને એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે ત્યાં હાજર અન્ય યુવતીઓ તેના પર ગુસ્સે ભરાઈ ગઈ. પછી મહિલા અને યુવતીઓ વચ્ચે જામી પડી. વાયરલ વીડિયોમાં મહિલા કેટલીક યુવતીઓ સાથે લડાઈ કરતા જણાવે છે કે, "આ યુવતીઓ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાણી જોઈને ટૂંકા વસ્ત્રો પહેરે છે, નિર્વસ્ત્ર થઈને રસ્તા પર ફરે છે અને જ્યારે કોઈ તેમના પર ટિપ્પણી કરે છે તો તેને લાફો મારી દે છે. આવી યુવતીઓનો તો બળાત્કાર થવો જોઈએ."
અન્ય મહિલા આવી યુવતીઓના સમર્થનમાં
આધેડ વયની મહિલા જ્યારે ટૂંકા વસ્ત્રો પહેરવા અંગે યુવતી પર આવી ટિપ્પણી કરે છે ત્યારે મોલમાં હાજર અન્ય યુવતીઓ વીડિયો ઉતારતી-ઉતારતી એ મહિલાની પાછળ-પાછળ જાય છે. સાથે જ એ મહિલા પર માફી માગવા માટે દબાણ બનાવે છે અને ટૂંકા વસ્ત્રો બાબતે તેની સાથે ચર્ચામાં ઉતરી જાય છે. આ દરમિયાન મોલમાં રહેલી એક અન્ય મહિલા પણ યુવતીઓના સમર્થનમાં આવી જાય છે અને મહિલાને બરાબરનું સંભળાવીને યુવતીની માફી માગવા જણાવે છે.
આ મહિલા આધેડ વયની મહિલાને કહે છે કે, "એક મહિલા થઈને તે અન્ય મહિલાઓ માટે આવા શબ્દોનો પ્રયોગ કેવી રીતે કરી શકે છે. દરેક યુવતીનો એ અધિકાર છે કે તે તેની મરજીમાં આવે તેવા કપડા પહેરે. જો તે ટૂંકા વસ્ત્રો પહેરવા માગે છે તો પહેરી શકે છે અને બિકીની પહેરીને બહાર જવા માગે છે તો તેમાં પણ જઈ શકે છે. કેવા વસ્ત્રો પહેરવા એ યુવતીની મરજીની બાબત છે."
આ સાથે જ મહિલા આધેડ વયની મહિલાને વધુમાં કહે છે કે, "તમે પણ એક દિકરીની માતા હશો. શું કોઈ તમારી દીકરી માટે એવા શબ્દો વાપરે કે તેનો રેપ થવો જોઈએ તો તમને કેવું લાગશે?".
અન્ય યુવતીઓ પણ થઈ ગઈ ગુસ્સે
મોલમાં હાજર અન્ય યુવતી અને મોલની કર્મચારી યુવતીઓ પણ યુવતીના સમર્થનમાં આવી જાય છે. મોલની કર્મચારી યુવતીઓ કહે છે કે, અહીં સીસીટીવીમાં તમામ બાબતે કેદ થઈ ગઈ છે. તમારે યુવતીની માફી માગવી જ જોઈએ. અન્ય યુવતીઓ પણ મહિલા પર પોતાનો ગુસ્સો ઉતારે છે અને કહે છે કે, તો પછી નાની બાળકીઓ અને 80 વર્ષની સાડી પહેરેલી વૃદ્ધાઓ પર બળાત્કાર કેમ થાય છે? તેમણે તો ટૂંકા વસ્ત્રો પહેર્યા હોતા નથી.
આધેડ મહિલા પર કોઈ અસર નહીં
જોકે, આટલા તમામ લોકોની વાતોની આધેડ વયની મહિલા પર કોઈ અસર થતી નથી. યુવતીઓને વીડિયો ઉતારતી જોઈને તે વધુ ગુસ્સે થાય છે અને કહે છે કે, "શું તમે રેકોર્ડિંગ કરી રહી છો? હેલો દોસ્તો, આ યુવતીઓ ટૂંકા-ટૂંકા વસ્ત્રો પહેરીને યુવકોને રેપ માટે પ્રોત્સાહિત કરવા માગે છે. તેમની ડ્રેસ જોઈને એ સમજાતું નથી કે તેમણે કપડા પહેર્યા છે કે પોતાનો રેપ કરાવા માટે નેકેડ થઈને બહાર નિકળી છે."
દિલ્હીનો વીડિયો
દિલ્હીની આ ઘટનાનો વીડિયો શિવાની ગુપ્તા નામની યુવતીએ ફેસબૂક પર શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, "દોસ્તો, આજે મારી કેટલીક ફ્રેન્ડ્સને એક મહિલાએ ટૂંકા વસ્ત્રો પહેરવા અંગે ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે મહિલા યુવકોને અમારો રેપ કરવાનું કહે છે, કેમ કે અમે ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા. મહિલાની વાત સાંભળીને મને લાગ્યું કે તેની ગંદી માનસિક્તા સામે અમારે કંઈક બોલવું જોઈએ. આથી અમે આ વીડિયો બનાવ્યો છે. આ દરમિયાન અમે મહિલાને માફી માગવાની તક પણ આપી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં."
આ વીડિયો સોશિયલ મીડિયા પર હજારો વખત જોવાઈ ચૂક્યો છે, જેને જોઈને લોકો મહિલાની માનસિક્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે