PM મોદીને મળ્યા CM યોગી આદિત્યનાથ, હવે BJP અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા

સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. 

PM મોદીને મળ્યા CM યોગી આદિત્યનાથ, હવે BJP અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા

નવી દિલ્હી:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભઘ દોઢ કલાક સુધી વાતચીત થઈ. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળા માટે તેમના ઘરે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. 

કેબિનેટ વિસ્તારથી લઈને વિધાનસભા ચૂંટણી પર ચર્ચા?
યોગી આદિત્યનાથનું દિલ્હી પહોંચવું અને અમિત શાહ ઉપરાંત પીએમ મોદી અને જેપી નડ્ડાને મળવું...તેનાથી અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. જ્યાં એક બાજુ કહેવાય છે કે યુપી કેબિનેટમાં વિસ્તારને લઈને આ મુલાકાત થઈ રહી છે, ત્યાં બીજી બાજુ એવી પણ વાત સામે આવી રહી છે કે ભાજપે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે મહામંથન શરૂ કરી દીધુ છે. જો કે પાર્ટી તરફથી અધિકૃત રીતે કશું જણાવવામાં આવ્યું નથી. 

— ANI (@ANI) June 11, 2021

મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ
આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત બાદ એકવાર  ફરીથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ થઈ ગઈ છે. આ અટકળોને ત્યારે વધારે બળ મળ્યું જ્યારે સૂત્રોએ એવો દાવો કર્યો કે નડ્ડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને એક દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ, મુખ્યમંત્રી આદિત્યનાથને મળ્યા. નડ્ડા અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાતની કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી પરંતુ પ્રસાદે મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી. 

આ નેતાઓે મળી શકે છે મંત્રીમંડળમાં જગ્યા
હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ પ્રશાસનિક અધિકારી અને વિધાન પરિષદના સભ્ય એ કે શર્મા પણ દિલ્હીમાં છે. સૂત્રોનું કહેવું છે કે તેમણે પાર્ટીના કેટલાક કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી. એ કે શર્મા પ્રધાનમંત્રી મોદીની નજીકના ગણાય છે. મુલાકાતોના આ દોર અંગે ભાજપ નેતાઓ કે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓએ કોઈ અધિકૃત જાણકારી આપી નથી પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે આ કવાયત જિતિન પ્રસાદ અને એ કે શર્મા સહિત  કેટલાક અન્ય નેતાઓને યુપી સરકારમાં સામેલ કરવા અંગે છે. જિતિન પ્રસાદ રાજ્યના જાણીતા બ્રાહ્મણ પરિવારથી છે તો એ કે શર્મા ભૂમિહાર બિરાદરી સાથે સંબંધ ધરાવે છે. 

પ્રદેશ પ્રભારીએ કરી હતી ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા
હાલ થોડા દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી એલ સંતોષ અને પાર્ટીના પ્રદેશ પ્રભારી રાધામોહન સિંહે લખનઉની મુલાકાત કરી હતી અને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ આ દમરિયાન રાજ્ય સરકારના મંત્રીઓ અને સંગઠનના પ્રમુખ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. 

દોઢ કલાક ચાલી યોગી આદિત્યનાથ-અમિત શાહની મુલાકાત
અમિત શાહ સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું. ભેટ હેતુ તમારો કિમતી સમય આપવા બદલ ગૃહમંત્રીનો હાર્દિક આભાર. આ ટ્વીટ સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેઓ અમિત શાહને 'પ્રવાસી સંકટનું સમાધાન' રિપોર્ટની એક કોપી સોંપતા જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ દોઢ કલાક ચાલેલી આ મુલાકાત દરમિયાન આદિત્યનાથે રાજ્યમાં કોવિડ-19ની બીજી લહેર સહિત અન્ય રાજનીતિક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી. 

भेंट हेतु अपना बहुमूल्य समय प्रदान करने के लिए आदरणीय गृह मंत्री जी का हार्दिक आभार। pic.twitter.com/1q1qYnrYq7

— Yogi Adityanath (@myogiadityanath) June 10, 2021

સહયોગી પક્ષોને સાધવાનો પ્રયાસ?
જ્યારે અમિત શાહ અને આદિત્યનાથ વચ્ચે મુલાકાત થઈ રહી હતી ત્યારે તે સમયે અપના દળના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ શાહના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહે ટ્વીટ કરીને આદિત્યનાથ અને પટેલ સાથે મુલાકાતની જાણકારી આપી હતી અને તસવીરો પણ શેર કરી. યુપીના જ નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજયકુમાર નિષાદ અને સંત કબીરનગરથી સાંસદ પ્રવીણ નિષાદે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. અમિત શાહની પટેલ અને નિષાદ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાતને આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સહયોગી પક્ષોને સાધવાના ભાજપના પ્રયત્નો તરીકે જોવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news