IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખનારા TMC સાંસદ આખા સત્ર માટે સસ્પેન્ડ કરાયા
સંસદના ચોમાસા સત્રનો આજે ચોથો દિવસ છે. IT અને સંચાર મંત્રીના હાથમાંથી પેપર ફાડીને ફેંકનારા શાંતનુ સેનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે.
Trending Photos
નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્રનો આજે ચોથો દિવસ છે. IT અને સંચાર મંત્રીના હાથમાંથી પેપર ફાડીને ફેંકનારા શાંતનુ સેન (Santanu Sen) ને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. સંસદના ચોમાસુ સત્રમાં પેગાસસ જાસૂસી કાંડ, ખેડૂત આંદોલન, બીજી લહેરમાં કોરોનાથી થયેલા મોતના મુદ્દાના કારણે અત્યાર સુધી બંને સદન સુચારુ ઢબે ચાલી શક્યા નથી. ગુરુવારે તો એવી સ્થિતિ ઊભી થઈ કે રાજ્યસભામાં જ્યારે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પેગાસસ જાસૂસી કાંડ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી સ્ટેટમેન્ટનું પેપર લઈને ટીએમસી સાંસદ શાંતનુ સેને ફાડી ઉપસભાપતિ સામે ઉછાળ્યું હતું.
રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ
તૃણમૂલ કોંગ્રેસના સભ્ય શાંતનુ સેનને એક દિવસ પહેલાના અશોભનીય વર્તન બદલ રાજ્યસભાના હાલના સત્રમાં બાકીના સમય માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. સેને ગુરુવારે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન આઈટી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવી લીધો તો અને ત્યારબાદ ટુકડા કરી હવામાં ઉછાળ્યો હતો. શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકી સત્ર દરમિયાન સદનની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહ્યું.
રાજ્યસભામાં સરકારે આજે શાંતનુ સેનને સદનની બાકીની કાર્યવાહીથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી.
TMC MP Santanu Sen suspended from Rajya Sabha for this entire session, a day after he snatched papers from IT Minister Ashwini Vaishnaw and tore them in the House.
(File photo) pic.twitter.com/d3bgZ2y9Bu
— ANI (@ANI) July 23, 2021
પેગાસસ મામલે આપી રહ્યા હતા નિવેદન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તે સમયે ઉપલા ગૃહમાં પેગાસસ સોફ્ટવેર દ્વારા ભારતીયોની જાસૂસી કરવા સંબંધિત રિપોર્ટ્સ અને તે મામલે વિપક્ષના આરોપો પર નિવેદન આપી રહ્યા હતા. આ અગાઉ સરકાર કેન્દ્રીય મંત્રીના હાથમાંથી કાગળ છીનવવાના મામલે ટીએમસી સાંસદ શાંતનુ સેન વિરુદ્ધ સસ્પેન્શન પ્રસ્તાવ લાવવા પર વિચારી રહી હતી.
કોણ છે શાંતનુ સેન
ગઈ કાલથી ચર્ચામાં આવેલા ટીએમસી સાંસદ શાંતનુ સેન વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટર શાંતનુ સેન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. નોર્થ કોલકાતાના રહીશ શાંતનુ એક સમયે કોલકાતામાં ટીએમસી કાઉન્સિલર રહી ચૂક્યા છે.
2016માં લડી હતી વિધાનસભા ચૂંટણી
તૃણમૂલ કોંગ્રેસે 2016માં શાતનુ સેનને મુર્શિદાબાદની કાંદી બેઠકથી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા. પરંતુ શાંતનુ સેન ચૂંટણી જીતીશક્યા નહીં અને કોંગ્રેસના હાથે હાર્યા. ત્યારબાદ કાઉન્સિલરથી ટીએમસીએ શાંતનુને રાજ્યસભા ટીકિટ આપી અને તેઓ રાજ્યસભા સાંસદ બન્યા.
વિવાદોથી દૂર રહ્યા છે શાંતનું, પરંતુ લાગ્યો હતો કટમનીનો આરોપ
શાંતનુ સેન ટીએમસીમાં એક ભણેલા ગણેલા અને વિવાદોથી દૂર રહેનારા નેતા તરીકે જાણીતા છે. અત્યાર સુધી તેમના વિરુદ્ધ કોઈ પણ ક્રિમિનલ કેસ નથી. પરંતુ 2019માં ઉત્તર કોલકાતાના એક પ્રમોટરે આરોપ લગાવ્યો હતો કે શાંતનુ સેન તેમની પાસેથી કટમની લેતા રહ્યા છે.
આરોપ મુજબ શાંતનુ સેન જ્યારે કાઉન્સિલર હતા ત્યારથી વિસ્તારમાં કટમની વસૂલતા હતા. અત્રે જણાવવાનું કે 2019માં મમતા બેનર્જીએ જાહેરમાં અપીલ કરી હતી કે જે લોકો કટમની લેતા રહ્યા છે તેવા ટીએમસી નેતા કટમની પાછા આપે. આ અપીલ બાદ પ્રમોટર સુમંત્ર ચૌધરીએ આરોપ લગાવ્યો હતો જે તે સમયે ખુબ ચર્ચામાં હતો.
જો કે શાંતનુ સેને પ્રમોટરના તમામ આરોપો ફગાવ્યા હતા અને કોર્ટમાં પ્રમોટર વિરુદ્ધ માનહાનિનો કેસ પણ કરવાની વાત કરી હતી. આ મામલા સિવાય શાંતનુ સેન વધુ વિવાદ કે ચર્ચામાં ક્યારેય આવ્યા નથી.જો કે ટીએમસી તરફથી સતત મેડિકલ મુદ્દા પર સલાહ આપવી કે પત્ર લખવાનું કામ તેઓ કરતા રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે