"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" વિશ્વને વિકાસનો મંત્ર આપનારા સ્વામી વિવેકાનંદની વિરલ ગાથા
વિશ્વ ફલક પર હિન્દુ સનાતન ધર્મનો ફેલાવો કરનાર અને ભારતીયોનું જેને ગૌરવ વધાર્યુ છે તેવા મહાન ધર્મગુરુ સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતિ છે. 39 વર્ષની નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહેનાર સ્વામી વિવેકાનંદે દુનિયાને સંદેશો આપ્યો કે- જીંદગી લાંબી નહીં પરંતું મોટી હોવી જોઈએ.સ્વામી વિવેકાનંદના મહાન કાર્યો થકી આજે પણ દુનિયા ન માત્ર તેમેને યાદ કરે છે પરંતું તેમને આપેલા જીવન જીવનના સૂત્રોને અપનાવવાનો પણ પણ પ્રયાસ કરે છે. નરેન્દ્રથી સ્વામી વિવેકાનંદ સુધીની સફર આજે 157 વર્ષો બાદ પણ ન માત્ર ભારત પરંતું વિદેશમાં રહેતા લોકો માટે પ્રેરણાદાયી રહી છે.
Trending Photos
વિરલ પટેલ, અમદાવાદઃ સ્વામી વિવેકાનંદે 39 વર્ષની નાની વયે દુનિયાને કહ્યું હતું અલવિદા, છતાં આજે 157 વર્ષો બાદ પણ લોકોના હ્રદયમાં તેઓ જીવંત છે. વિદેશી ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરીને વિશ્વ ફલક પર હિન્દુત્ત્વનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતિ છે. નરેન્દ્રમાંથી મહાન સંત બનવા સુધીની ગાથા દરેકે જાણવા જેવી છે. યુવાઓને સાચી રીતે જીવવાનો માર્ગ ચીંધનારા સ્વામી વિવેકાનંદ કરોડો લોકો માટે પ્રેરણામૂર્તિ સમાન છે.
નરેન્દ્રનાથ દત્તનું સંઘર્ષમય જીવન
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકત્તામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. નરેન્દ્ર જ્યારે નાના હતા ત્યારે કોઈ પણ વાતનો બૌદ્ધિક પુરાવા કે વ્યવારિક ચકાસણી વગર સ્વીકાર કરતા નહોંતા. નરેન્દ્રના બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થઈ ગયુ હતું. નરેન્દ્રના પરિવારમાં તેમની માતા અને બહેનને એક પરિવારને બે ટંકનું ભોજન મેળવવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી. નરેન્દ્ર જેમ જેમ મોટા થયા તેમ તેમનો અભ્યાસ વધુને વધુ ઉત્તમ થતો ગયો... તેમના અભ્યાસે શિક્ષકોને દંગ કરી દીધા. નરેન્દ્રએ વર્ષ 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ નરેન્દ્રનું જીવન બદલાઈ ગયું. નરેન્દ્રને વર્ષોથી ઈશ્વરની શોધમાં હતા જે શોધ તેમની રામકૃષ્ણ પરમહંસને મળ્યા બાદ પૂર્ણ થઈ. નરેન્દ્રનાથ દત્તે રામકૃષ્ણ પરમહંસ પાસે 5 વર્ષ સુધી તાલીમ મેળવી. પાંચ વર્ષની તાલીમમાં બેચેન, મૂંઝાયેલા, અધીર નરેન્દ્રનું પરિપકવ યુવાનમાં પરિવર્તન થયું. નરેન્દ્રનાથ દત્તે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. માત્ર 25 વર્ષની ઉમરે ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસેથી તમામ સવાલોના જવાબ મેળવનાર નરેન્દ્રએ સાંસરિક મોહ-માયાનો ત્યાગ કર્યો. ગુરુ રામકૃષ્મ પરમહંસના અવસાન બાદ તેઓ સન્યાસી બન્યા. ત્યારબાદ નરેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા.
સ્વામી વિવેકાનંદ ન જોઈ શક્યા દેશની ગરીબી
નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા બાદ તેઓએ સમગ્ર ભારતમાં ભ્રમણા કરી. સ્વામી વિવેકાનંદે ભારત ભ્રમણ દરમિયાન દેશમાં ગરીબી જોઈ અને તેનાથી તેમનું મન ઘણું વ્યથિત થતું હતું. સ્વામી વિવેકાનંદે ગરીબ પરિવારોને આગળ લાવવા માટે ઘણા ઉત્થાનના કાર્યો કર્યા.
11 મી સપ્ટેમ્બર 1893નો દિવસનો ઐતિહાસિક દિવસ
સ્વામી વિવેકાનંદને જ્યારે યાદ કરવામાં આવે ત્યારે શિકાગોના ધર્મ પરિષદને યાદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 1893ના દિવસે સ્વામી વિવેકાનંદે શિકાગોના ધર્મપરિષદમાં ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદે ધર્મ પરિષદમાં આપેલા પ્રવચનથી દુનિયા સામે ભારત મજબૂતીથી આગળ આવ્યુ હતું. સ્વામી વિવેકાનંદને જ્યારે યાદ કરવામાં આવે છે ત્યારે સ્વામી વિવેકાનંદના આ પ્રવચનને અવશ્યથી યાદ કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે તેમના સંબોધનની શરૂઆત 'અમેરિકન ભાઈઓ અને બહેનો' કહીને કરી હતી.
સ્વામી વિવેકાનંદે પ્રવચનમાં કહ્યું હતું કે - અમેરિકન ભાઈઓ અને બહેનો તમે જે સેન્હથી મારું સ્વાગત કર્યુ છે તેનાથી હું ગદગદિત થયો છું. હું દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને તમામ ધર્મોની જનેતા એવા ભારત તરફથી આપનો આભાર માનુ છું. મને એ વાતનો ગર્વ છે કે હું જે હિન્દુ ધર્મને અનુસરું છું તેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે. અમે તમામ ધર્મોની સત્યતાનો સ્વીકાર કરીએ છીએ.
સ્વામી વિવેકાનંદે પોતે પીડા સહન કરી માનવજાતની સેવા કરી
સ્વામી વિવેકાનંદે માનવસેવાના અનેક કાર્યો કર્યા હતા. સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ તેટલા જીવંત છે. તેમના સતત પ્રવાસો, વકતવ્યોના કારણે તેની સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી હતી. સ્વામી વિવેકાનંદને અસ્થમા, ડાયાબિટીસ અને બીજી ગણી બિમારીઓ થઈ ગઈ હતી. 4 જુલાઈ 1902ના દિવસે માત્ર 39 વર્ષની ઉમરે ધ્યાનઅવસ્થામાં જ સ્વામી વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓએ તેને સ્વામી વિવેકાનંદની મહાસમાધિ કહી હતી.
સ્વામી વિવેકાનંદના આ વિચારો જીવન જીવવાની શીખવે છે રીત:
1. ઉઠો, જાગ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
2.પોતાની જાતને કમજોર માનવી તે જ સૌથી મોટું પાપ છે
3. તમને કોઈ શીખવાડી શકતું નથી, કોઈ આધ્યાત્મિક બનાવતું નથી . તમારે સ્વયં પાસેથી જ શીખવું પડશે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી
4. જ્યા સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યા સુધી ભગવાન પણ તમારા પર ભરોસો નહીં કરે
5.સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ આપણી પાસે જ છે. આપણે જ એવા છીએ કે જે પોતાની આંખો પર હાથ મૂકી દઈએ છીએ અને ફરી રડીએ છીએ કે કેટલો અંધકાર છે.
6. જ્યા સુધી જીવો ત્યા સુધ શીખતા રહો. અનુભવ જ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે
7. દિલ અને દિમાગ વચ્ચેની લડાઈમાં દિલની વાત પહેલા સાંભળો
8.જીવનમાં કોઈ દિવસ તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તો સમજો તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો
9. એક સમય પર ફકત એક જ કામ કરો અને તે કરતા વખતે તમારું સંપૂર્ણ મન તેમા જ પરોવો અને બાકી બધુ ભૂલી જાઓ
10. જે આગ આપણને ગરમી આપે છે તે આપણો નાશ પણ કરી શકે છે, તેમા આગનો કોઈ વાંક નથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે