ભ્રષ્ટાચારીઓ પર 'સુપ્રીમ' ચુકાદો! નહીં બચે ધારાસભ્ય અને સાંસદો, વિશેષાધિકાર ખતમ... કેસ તો ચાલશે જ
સુપ્રીમ કોર્ટે 26 વર્ષ જૂના પોતાના જ ચુકાદાને ફેરવીને આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે ધારાસભ્ય કે સાંસદ સંસદમાં ભ્રષ્ટાચાર કરવાના કેસમાં છટકી નહીં શકે. હવે તેમના ઉપર પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કેસ ચાલશે. કોઈ પણ પ્રકારના વિશેષાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં..
- 26 વર્ષ બાદ બદલાયો સુપ્રીમનો નિર્ણય
- 7 જજોની બેંચે પલટ્યો જૂનો ચુકાદો
- ભ્રષ્ટાચારી સાંસદ-ધારાસભ્યની ખેર નથી
- રૂપિયા લઈને ભાષણ-સવાલ નહીં ચાલે
- વિશેષાધિકાર ખતમ.. કેસ તો ચાલશે જ
Trending Photos
સુપ્રીમ કોર્ટની 7 જજોની બેંચે આજે પોતાના જ 26 વર્ષ જૂના ચુકાદાને રદ કરીને મહત્વનો નિર્ણય લીધો છે.. જે મુજબ હવે ભ્રષ્ટાચારના કેસમાં ધારાસભ્ય અને સાંસદોને કોઈ છૂટ નહીં મળે. 'નોટ ફોર વોટ' કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ધારાસભ્ય અને સાંસદોને કાયદાકીય છૂટ આપવાથી ઈનકાર કરી દીધો છે. એટલે કે, રૂપિયા લઈને સંસદમાં ભાષણ કે મત આપ્યો તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે..
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રષ્ટાચાર કે લાંચખોરી સાર્વજનિક જીવનમાં ઈમાનદારીને ખતમ કરી નાખે છે.
સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપીને 1998ના નરસિમ્હા રાવ સરકાર સમયના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. જેમાં 5 જજોની બેંચે નિર્ણય કર્યો હતો. તે સમયે 3 જજની બહુમતીથી ચુકાદો આવ્યો હતો કે, ભ્રષ્ટાચાર મુદ્દે જનપ્રતિનિધિઓ પર કેસ ન ચલાવી શકાય... જોકે હવે સુપ્રીમ કોર્ટમાં 7 જજોની બેંચે સર્વસંમતિથી જૂના નિર્ણયને રદ કર્યો છે. જેને દેશભરમાં આવકાર મળી રહ્યો છે. જોકે ક્યાંક નેતાઓ દ્વારા ખોટા કેસ થવાનો પણ ભય વ્યક્ત કરાયો છે.
હવે આ સમગ્ર કેસ કોની સાથે જોડાયેલો છે તે સમજીએ તો 1991ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરી છે. તે સમયે નરસિમ્હા રાવની સરકાર બની હતી. પરંતુ 1993માં રાવની સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમા શિબુ સોરેન અને તેમની પાર્ટીના સાંસદો પર આરોપ લાગ્યો કે, તેમણે લાંચ લઈને અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ત્યારબાદ CBIએ સાંસદ વિરુદ્ધ તપાસ શરૂ કરી.. જોકે શિબુ સોરેને કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને એક સાંસદ તરીકે પોતાની પાસે વિશેષાધિકારની વાત કરી હતી. આ કેસમાં 1998માં ચુકાદો આવ્યો હતો. જેમા 3:2ની બહુમતીથી ચુકાદો અપાયો કે, સાંસદ રૂપિયા લઈને સંસદમાં વોટ કે ભાષણ કરે તો તેમને અપરાધિક કેસથી છૂટ મળશે. જે મુજબ સોરેન સહિતના સાંસદો સામે કેસ રદ કરી દેવાયો. જોકે આ મુદ્દો ફરી ત્યારે ઉઠ્યો જ્યારે 2012માં ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણી થઈ. તેમાં પૂર્વ સીએમ હેમંત સોરેનના ભાભી સીતા સોરેન પર લાંચ લઈને મત આપવાનો આરોપ લાગ્યો.. જે મુદ્દે કેસ પણ દાખલ થયો છે. જોકે સીતા સોરેન હાઈકોર્ટના શરણે ગયા અને કેસને રદ કરવાની માગ કરી હતી.. જોકે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી.. જેથી સીતા સોરેને સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. જેમાં 1998ના ચુકાદાનો હવાલો આપીને કાયદાકીય કાર્યવાહીથી છૂટની માગણી કરી હતી. ત્યારેબાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણય પર ફરથી વિચાર કરવાની વાત કરી અને હવે 7 જજોની બેંચે 1998ના ચુકાદાને પલટી દીધો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને સૌકોઈ ઐતિહાસીક ગણાવી રહ્યા છે. ત્યારે આ જજમેન્ટથી અનેક ધારાસભ્યો અને સાંસદોની મુસિબત પણ વધી શકે છે, જેમના પર રૂપિયા લઈને સંસદમાં સવાલ પૂછવાનો કે મત આપવાનો આરોપ લાગ્યો છે. તો પક્ષપલટો કરતા ધારાસભ્યો કે સાંસદોની પણ મુસિબત ભવિષ્યમાં વધી શકે છે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે