સંકલ્પ પત્રઃ ભાજપનું વચન, હવે તમામ ખેડૂતોને મળશે પીએમ કિસાન સન્માન નિધિમાંથી પેન્શન
ઉલ્લેખનીય છે કે, એનડીએ સરકારે વચગાળાના કેન્દ્રીય બજેટમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને વર્ષમાં રૂ.6000 રોકડ સહાય આપવાનું વચન આપ્યું હતું
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2019 માટે બહાર પાડેલા સંકલ્પ પત્રમાં જો તેમની સરકાર આવશે તો દેશના તમામ ખેડૂતોને 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ'માંથી પેન્શન આપવાનું વચન આપ્યું છે. સંકલ્પ પત્ર બહાર પાડતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, સંકલ્પ પત્રમાં નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શન યોજનાનો ઉલ્લેખ કર્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા વધારવા માટે રૂ.25 લાખ કરોડનું રોકાણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગ, ખેડૂતો અને મજૂરો માટે અનેક લાભદાયી જાહેરાતો કરી હતી. સરકારે તેમાં 2 હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂતોને રૂ.6000નું વાર્ષિક પેન્શન આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાંથી પ્રથમ હપ્તો ખેડૂતોને આપી પણ દેવાયો છે. હવે, મોદી સરકારે ચૂંટણી પહેલાના પોતાના સંકલ્પ પત્રમાં તમામ ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાનું વચન આપ્યું છે. ભાજપનો દાવો છે કે જો 2019માં તેમની સરકાર ફરીથી બનશે તો તમામ ખેડૂતોને વર્ષમાં રૂ.6000 બે-બે હજારના હપ્તામાં મળશે.
આ ઉપરાંત રાજનાથ સિંહે જણાવ્યું કે, "સંકલ્પ પત્રમાં નાના અને ખેતિ આધારિત ખેડૂતોની સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શનની યોજનાનો ઉલ્લેખ કર્યો છે." તેમણે સાથે જ તેમાં નાના દુકાનદારોને પણ 60 વર્ષની વય પછી પેન્શન યોજનાનો ઉલ્લેખ કર્યો છે.
રાજનાથે વધુમાં જણાવ્યું કે, ભારત વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડોલર અને 2032 સુધીમાં 10 લાખ કરોડનું અર્થતંત્ર બની જશે.
આ ઉપરાંત પાર્ટીના સંકલ્પ પત્રમાં રૂ.100 લાખ કરોડના મૂડી રોકાણ અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે રૂ.1 લાખ કરોડની ક્રેડિટ ગેરન્ટી યોજનાનો પણ ઉલ્લેખ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે