Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારતને લાગ્યો આ મોટો ઝટકો!
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારત સરકાર પર આર્થિક બોજો વધી ગયો છે. આ યુદ્ધના કારણે પેદા થયેલા સંકટે વૈશ્વિક સ્તરે નુકસાન પહોંચાડ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારત સરકાર પર આર્થિક બોજો વધી ગયો છે. આ યુદ્ધના કારણે પેદા થયેલા સંકટે વૈશ્વિક સ્તરે નુકસાન પહોંચાડ્યું છે. આ બધા વચ્ચે વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં ખુબ વધારો થયો છે. જેની સીધી અસર ભારતીય ખેડૂતો પર પડશે.
ખેડૂતો પર વધશે આર્થિક બોજો
રશિયા તરફથી કરાયેલા ખાતરોમાં ભાવ વધારાના કારણે ખેડૂતો પર આર્થિક બોજો વધી જશે. જો કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આ વધેલા ભાવના બોજથી બચાવવા માટે ખાતર પર મળનારી સબસિડીને બમણી કરી શકે છે. એવું કહેવાય છે કે કેન્દ્ર સરકાર આ વખતે ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપવા પર વિચારણા કરી રહી છે. એટલે કે સરકાર તેના પર એક લાખ કરોડ રૂપિયાનો વધારાનો સબસિડી ખર્ચ કરશે.
આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2022-23 રજૂ કરતા ચાલુ નાણાકીય વર્ષ માટે ખાતર પર એક લાખ કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. પરંતુ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ. હવે ભારત જે ખાતરોની આયાત કરે છે તેમની કિંમત વૈશ્વિક બજારમાં ખુબ વધી ગઈ છે. આવામાં ખેડૂતો માટે આ ભાવ ચૂકવવો સરળ નથી આથી સરકાર ખાતર સબસિડી પર એક લાખ કરોડ રૂપિયાનો વધારો કરી શકે છે.
આ અગાઉ સરકારે 31 માર્ચના રોજ ખાતર પર સબસિડીનો અંદાજો વધારીને 1.40 લાખ કરોડ રૂપિયા કરી હતી પરંતુ આટલી સબસિડી ખેડૂતો માટે પૂરતી નહીં રહે. આવામાં સરકારે તેમાં 60 હજાર કરોડનો વધારો કર્યો અને હવે 2 લાખ કરોડ રૂપિયાની સબસિડી પર ચર્ચા થઈ રહી છે.
ડીએપી અને યુરિયા પર સૌથી મોટું સંકટ
નોંધનીય છે કે ભારત સરકાર ડાઈ અમીનો ફોસ્ફેટ (DAP) યુરિયા જેવા ખાતર બનાવવાનો કાચો માલ મોટા પાયે આયાત કરે છે. જેમાં રશિયા અને યુક્રેનની મોટી ભાગીદારી છે. વર્તમાન સ્થિતિમાં બંને દેશોથી માલ સપ્લાયમાં વિધ્ન આવવાના કારણે વૈશ્વિક બજારમાં તેના ભાવ લગભગ 40 ટકા સુધી વધી ચૂક્યા છે. એટલે કે ખેડૂતો પર આર્થિક બોજો વધી ગયો છે.
હકીકતમાં યુરિયા બનાવવામાં સૌથી વધુ ખર્ચ ગેસ પર થાય છે. હાલના સમયમાં વૈશ્વિક સ્તર પર ગેસના ભાવ વધી રહ્યા છે. યુરિયાના નિર્માણમાં 70 ટકા ખર્ચ ગેસનો રહે છે. એટલે કે ખાતરની કિંમત વધવાનું સૌથી મોટું કારણ ગેસના ભાવમાં વધારો છે. આવનારા સમયમાં ખેડૂતો પર તેનો બોજો ન પડે તે માટે સરકારે સબસિડીનો ખર્ચ વધારવો પડશે.
સરકારની તૈયારી
આ મામલે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ સરકારે આ સમસ્યાને પહોંચી વળવા માટે તૈયારી કરી લીધી છે. સરકારે રવિ અને ખરીફ પાક માટે ખાતરનો મોટો સ્ટોક ભેગો કરી લીધો છે. જે હેઠળ અત્યાર સુધીમાં 30 લાખ ટન ડીએપી અને 70 લાખ ટન યુરિયાની ખરીદી થઈ ચૂકી છે. આ સિવાય સરકાર આ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાના પણ સતત પ્રયત્નો કરી રહી છે. દેશમાં આવનારા સમયમાં તેના અનેક યુનિટ શરૂ થશે જે તેનું ઉત્પાદન કરવા લાગશે. ત્યારબાદ આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે