મુકેશ અંબાણીએ ચૂકવ્યું ભાઈનું 550 કરોડનું દેવું, અનિલે કહ્યું - "થેન્ક્યુ ભાઈ-ભાભી"

રિલાયન્સ કમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર માન્યો અને જણાવ્યું કે, અમારો પરિવાર એક તાંતણે બંધાયેલો છે 

મુકેશ અંબાણીએ ચૂકવ્યું ભાઈનું 550 કરોડનું દેવું, અનિલે કહ્યું - "થેન્ક્યુ ભાઈ-ભાભી"

નવી દિલ્હીઃ રિલાયન્સ કમ્યુનિકેશનના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એરિક્સન કંપનીને વ્યાજ સહિત રૂ.550 કરોડની રકમ ચૂકવી દેવાઈ છે. એરિક્સનના રૂ.550 કરોડનું દેવું ચૂકવી દેવાયા બાદ દેવા હેઠળ દબાયેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર માન્યો હતો. 

અનીલ અંબાણીએ ખુલાસો કર્યો કે, તેમના આ દેવાની ચુકવણી તેમના મોટાભાઈ મુકેશ અંબાણી કરી છે. અનિલની રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા સ્વીડનની સંદેશાવ્યવહાર ઉપકરણ બનાવતી કંપની એરિક્સનના રૂ.458.77 કરોડ ચૂકવી દેવાયા છે. 

મોટાભાઈ-ભાભીનો આભાર માન્યો
અનીલ અંબાણીએ લખ્યું કે, 'મારા કપરા સમયમાં મારી સાથે ઊભા રહેવા માટે મોટાભાઈ મુકેશ અને ભાભી નીતાનો હું આભાર માનું છું. આ સંકટની ઘડીમાં મદદ કરીને તેમણે એ દેખાડ્યું છે કે પોતાના પારિવારિક મૂલ્યો પ્રત્યે સચ્ચાઈની સાથે ઊભા રહેવું કેટલું જરૂરી છે. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે જૂની વાતો ભુલી જઈને આગળ આવી ગયા છીએ અને મોટાભાઈના આ પગલા માટે આભારી છીએ.'

19 માર્ચના રોજ પુરી થાય છે સમયમર્યાદા
એરિક્સનના બાકીના લેણા ચૂકવવા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પુરી થાય તેના થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય કંપની વિધિ અપીલીય ન્યાયાધિકરણ (NCALT)એ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ને રૂ.259 કરોડનો આવકવેરા રિફન્ડ ચૂકવવાના નિર્દેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. એનસીએએલટીએ જણાવ્યું હતું કે, આ બાબત તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. કંપની આ રકમ દ્વારા એરિક્સનને ચૂકવણી કરવા માગે છે. આથી સુપ્રીમ કોર્ટે આરકોમ સમૂહને એરિક્સનને 4 સપ્તાહમાં એટલે કે 19 માર્ચ સુધીમાં રૂ.453 કરોડ ચૂકવી દેવા આદેશ આપ્યો હતો. 

દેવું ન ચુકવતા અનિલને જવું પડતું જેલમાં 
ટોચની અદાલતે જણાવ્યું હતું કે, જો આરકોમ સમૂહ સમયમર્યાદામાં દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો અનિલ અંબાણીએ જેલમાં જવું પડશે. NCALTના ચેરમેન ન્યાયમૂર્તી એસ.જે. મુખોપાધ્યાય અને સભ્ય (કાયદો) ન્યાયમૂર્તિ બંસીલાલ ભટ્ટની બેન્ચે જણાવ્યું હતું કે, 'દેવાળુ ફૂંકવું અને વ્યાજ ચૂકવવાની અક્ષમતાની સંહિતાની ધારા-61 અંતર્ગત દાખલ કરવામાં આવેલી આ અપીલમાં કોઈ પણ પક્ષને ચૂકવણી અંગે આદેશ આપી શકાય નહીં. ખાસ કરીને ત્રીજા પક્ષને આમ કરવાનું કહી શકાય નહીં, જેનાથી અન્ય પક્ષો વચ્ચે ચૂકવણી થઈ શકે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news