શશિ થરૂરના વિવાદિત નિવેદન પર ભાજપે કહ્યું- માફી માંગે રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નિવેદનો સતત વિવાદમાં રહેતા આવ્યાં છે. આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખુબ જ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

 શશિ થરૂરના વિવાદિત નિવેદન પર ભાજપે કહ્યું- માફી માંગે રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યા બાદ ભાજપ આક્રમક થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આ મામલા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રસાદે કહ્યું કે, એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમને શિવભક્ત ગણાવે છે. તો તેમની પાર્ટીના એક નેતા ભગવાન શિવ અને શિવલિંગની પવિત્રતાનું અપમાન કરી રહ્યાં છે. તે કોંગ્રેસ નેતા શિવલિંગ પર ચપ્પલથી આઘાત કરવાની વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ આ નિવેદન પર માફી માંગવી જોઈએ. 

મહત્વનું છે કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નિવેદનો સતત વિવાદમાં રહેતા આવ્યાં છે. આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખુબ જ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધવા માટે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જેને લખી પણ શકાય તેમ નથી. બેંગ્લુરુના એક કાર્યક્રમમાં શશિ થરૂરે એક અજ્ઞાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) અને પત્રકારો વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. અહીં તેમણે આરએસએસના કાર્યકર્તાના હવાલે જણાવ્યું કે તેઓ પીએમ મોદી માટે કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં હતાં. 

આ અગાઉ 15 ઓક્ટોબરના રોજ શશિ થરૂરે અયોધ્યાના રામ મંદિરને લઈને નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમને નીચ માણસ સુદ્ધા કહી દીધુ હતું. કોંગ્રેસના નેતા ધ હિન્દુ લિટ ફોર લાઈફ ડાયલોગ 2018માં કહ્યું હતું કે કોઈ પણ સારો હિંદુ વિવાદાસ્પદ સ્થાન પર રામ મંદિર ઈચ્છશે નહીં. હિંદુ અયોધ્યાને રામનું જન્મ સ્થાન માને છે. આથી સારો હિંદુ તોડી પાડવામાં આવેલા પૂજા સ્થળ પર રામ મંદિર નહીં ઈચ્છે. થરૂરના આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પલટવાર કર્યો હતો. તેમણે થરૂરને 'નીચ માણસ' સુદ્ધા કહી દીધા હતાં. 

— ANI (@ANI) October 28, 2018

થરૂરે ટ્વિટર પર લખ્યું હતું કે ભાજપના મંત્રીઓનો સાંપ્રદાયિક હિંસામાં કમી અંગેના દાવા તથ્યો પર ખરા કેમ નથી ઉતરતાં. એવું લાગે છે કે અનેક જગ્યાઓ પર મુસ્લિમોની સરખામણીમાં ગાયો સુરક્ષિત છે. તેમણે એક સમાચાર પોર્ટલ પર છપાયેલા પોતાના આલેખની લિંક પણ આપી હતી. જેમાં ગાય-મુસ્લિમ ટિપ્પણી હતી. તેમની ટિપ્પણી ગાય તસ્કરીની શંકામાં રાજસ્થાનના અલવર જિલ્લામાં એક ભીડ દ્વારા 28 વર્ષના અકબર ખાનની પીટાઈ કરીને કરાયેલી હત્યાના થોડા દિવસ બાદ સામે આવી હતી. 

આ અગાઉ શશિ થરૂરે ભાજપ પર હુમલો કરતા કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી જીતશે તો આ દેશ હિંદુ પાકિસ્તાન બની જશે. તિરુઅનંતપુરમમાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જો જીતશે તો તે નવું બંધારણ લખશે. જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાના રસ્તે જશે. જ્યાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન નથી થતું. તેમણે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતથી લોકતાંત્રિક મૂલ્યો જોખમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news