Rajya Sabha માં થયેલા હંગામાનો Video સામે આવ્યો, લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ
સંસદનું ચોમાસુ સત્ર હંગામાને ભેટ ચડી ગયું. બુધવારે આ સત્ર બે દિવસ જલદી પૂરું થયું. પરંતુ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં જે થયું તેને લઈને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર હંગામાને ભેટ ચડી ગયું. બુધવારે આ સત્ર બે દિવસ જલદી પૂરું થયું. પરંતુ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભા (Rajya Sabha) માં જે થયું તેને લઈને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. વિપક્ષનો આરોપ છે કે બહારથી માર્શલ બોલાવીને વિપક્ષી સાંસદો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. પરંતુ હવે ગૃહનો વીડિયો સામે આવી ગયો છે જેનાથી સચ્ચાઈ ઉજાગર થઈ છે.
લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ
રાજ્યસભાના વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે વિપક્ષના સાંસદ રાજ્યસભાના વેલમાં જઈને પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ માર્શલોએ સાંસદોને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સાંસદો સભાપતિની સીટ તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાંસદ લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરી રહ્યા હતા.
આ બાજુ સરકારી સૂત્રો તરફથી રાજ્યસભાની કાર્યવાહીની ડિટેલ પણ બહાર પાડવામાં આવી છે જેમાં રાજ્યસભામાં થયેલી બબાલની જાણકારી અપાઈ છે. એટલે કે ક્યારે શું થયું.
6.02 PM - ટીએમસી સાંસદ ડોલા સેન, શાંતા છેત્રીએ સદનના વેલમાં નારેબાજી કરી.
6.22 PM- ડોલા સેને પિયુષ ગોયલ, પ્રહ્રલાદ જોશીનો રસ્તો રોકવાની કોશિશ કરી.
6.26 PM- નાસિર હુસેન, પ્રિયંકા ચતુર્વેદી, અર્પિતા ઘોષે વેલમાં દસ્તાવેજો ફાડ્યા.
6.31 PM- ફૂલો દેવી નેતામ, છાયા વર્માએ લેડી માર્શલને ખેંચ્યા અને તેમના માથા પર માર્યું.
6.33 PM- રિપુન બોરાએ માર્શલની ઉપર ચડીને સદનની ચેર સુધી પહોંચવાની કોશિશ કરી.
6.40 PM- ડેરેક ઓ બ્રાયને સદનમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું.
7.04 PM- સદનના નેતા દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો, વિપક્ષે વોક આઉટ કર્યું.
7.05 PM- અર્પિતા ઘોષ, એમ.નૂર અને ડોલા સેન પહેલી બેન્ચ પર જ ઊભા થઈ ગયા.
અત્રે જણાવવાનું કે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જ્યારે જબરદસ્તીથી વીમા બિલ પાસ કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે બહારથી કેટલાક માર્શલો આવ્યા અને તેમણે સાંસદો સાથે ગેરવર્તણૂંક કરી. આ દરમિયાન મહિલા સાંસદોને પણ નિશાન બનાવવામાં આવ્યા.
જુઓ એક્સક્લુઝિવ Video ફૂટેજ
શું છે વિપક્ષના આરોપ
આ બાજુ રાજ્યસભાના 3 મહિલા સાંસદો દ્વારા માર્શલ પર પીટાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ફૂલો દેવી નેતામ, અમી યાજ્ઞિક અને છાયા વર્મા સામેલ છે.
ગુરુવારે લગભગ દોઢ ડઝન જેટલી વિપક્ષી પાર્ટીઓએ સંસદથી લઈને વિજય ચોક સુધી જોઈન્ટ કૂચ કરી. ત્યારબાદ રાજ્યસભા ચેરમેન વેકૈયા નાયડુની મુલાકાત કરી સમગ્ર ઘટનાની તપાસની અપીલ કરી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં પહેલીવાર સાંસદોની પીટાઈ થઈ છે. વિપક્ષના હુમલા બાદ સરકારના આઠ મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને પલટવાર કર્યો.
વિપક્ષના આરોપો પર આઠ મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો પલટવાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ. આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે.
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે સંસદ ચાલવા ન દેવાનો નિર્ણય પૂર્વ નિયોજીત હતો. તેમણે કહ્યું કે, જે ક્રમમાં ઘટનાઓ થઈ તેને જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે. વિપક્ષી સભ્યોએ કાચ તોડીને અંદર આપવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે લેખિતમાં ફરિયાદ આપી કે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ટેબલની ઉપર ચઢીને હંગામો કરવામાં આવ્યો હતો. કોઈ બિલ પાસ થયું નહીં, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી છતાં તેઓ માન્યા નહીં.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, રાજ્યસભામાં વિપક્ષે જે વ્યવહાર કર્યો, તેનાથી ગૃહની ગરિમા ઘટી છે. ચેરમેન ઉપર ગમે તે આરોપ લગાવી પદની ગરિમાને ઓછી કરવામાં આવી છે. શરજમનક વ્યવહારનું પ્રદર્શન વિપક્ષે કર્યુ છે. વિપક્ષનો ઈરાદો શરૂઆતથી સ્પષ્ટ હતો. રાહુલ ગાંધીનો આરોપ છે કે સંસદમાં અમને બોલવા દેવામાં આવ્યા નહીં તેના પર કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યુ કે, પછી ગૃહ કઈ રીતે ચાલ્યું? કોવિડ પર ચર્ચા કઈ રીતે થઈ? હંગામો તે કરે, ખુરશીઓ ઉછાળે, પેપર ફાડે અને આરોપ અમારા પર લગાવે.
વિપક્ષને ટેક્યપેયર્સના પૈસાની કોઈ ચિંતા નથી
આ પહેલા અનુરાગ ઠાકુરે કહ્યુ કે, સામાન્ય લોકો સંસદમાં પોતાના મુદ્દા પર વાત થાય તેની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ સંસદમાં અરાજકતા ચાલુ રહી. તેમને સામાન્ય લોકો અને કરદાતાઓના પૈસાની કોઈ ચિંતા નથી. જે પણ થયું તે નિંદાજનક છે. તેણે મગરની જેમ આંસુ વહાવવાની જગ્યાએ દેશની માફી માંગવી જોઈએ.
દેશને બદનામ કરી રહ્યો છે વિપક્ષઃ સરકાર
વિપક્ષના પ્રદર્શનને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી અને કેટલાક વિપક્ષના લોકો તો શરૂઆતથી કહી રહ્યાં હતા કે અમે સંસદના સત્રને વોશઆઉટ કરવા માટે વોશિંગ મશીન લાવ્યા છીએ. તમે માત્ર સંસદને બદનામ કરી રહ્યાં નથી પરંતુ દેશને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છો.
દેશ અને લોકતંત્ર શર્મસાર થયુંઃ BJP
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ- જે પ્રકારનો વ્યવહાર આજે કોંગ્રેસ પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓએ રસ્તા પર ઉતરીને કર્યો છે. જે પ્રકાર અરાજકતા સંસદની અંદર વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાડી છે, તેનાથી દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે. તેમણે કહ્યું- એક સુરક્ષાકર્મીને પણ ઈજા થઈ છે. તે પણ હોસ્પિટલમાં છે. આ તે વિપક્ષ છે જે કહી રહ્યાં હતા કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ, પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, કોરોના પર એક દિવસ પણ ચર્ચા થવા દીધી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે