ભારત-ચીન વચ્ચે ખુબ તણાવ છતાં રાહુલ ગાંધીએ કરી આવી ટ્વિટ,જાણો શું કહ્યું?

ભારત-ચીન (India-China) વચ્ચે લદાખ (Ladakh)  સરહદે ખુબ તણાવ  હોવા છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો મારવાની એક પણ તક છોડતા નથી. તેમણે લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયાની પૃષ્ઠભૂમિમાં બુધવારે સવાલ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ અંગે કેમ ચૂપ છે?
ભારત-ચીન વચ્ચે ખુબ તણાવ છતાં રાહુલ ગાંધીએ કરી આવી ટ્વિટ,જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ભારત-ચીન (India-China) વચ્ચે લદાખ (Ladakh)  સરહદે ખુબ તણાવ  હોવા છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો મારવાની એક પણ તક છોડતા નથી. તેમણે લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયાની પૃષ્ઠભૂમિમાં બુધવારે સવાલ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ અંગે કેમ ચૂપ છે?

કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'પ્રધાનમંત્રી કેમ ચૂપ છે? તેઓ છૂપાયેલા કેમ છે? હવે બહુ થઈ ગયું, આપણે એ જાણવાની જરૂર છે કે શું થયું છે.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'આપણા સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? આપણી જમીન પર કબજો જમાવવાની તેમની હિંમત કેવી રીતે થઈ?' નોંધનીય છે કે લદાખની ગલવાન ખીણમાં સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા. સેનાએ આ જાણકારી મંગળવારે આપી. 

Enough is enough. We need to know what has happened.

How dare China kill our soldiers?
How dare they take our land?

— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020

પૂરી તૈયારી સાથે આવ્યા હતાં ચીની સૈનિકો
ભારત અને ચીન (India and China)  એશિયાના બે મોટા અને જવાબદાર દેશ છે. બંને દેશો વચ્ચે સરહદ (Border Dispute) ને લઈને વિવાદ છે પરંતુ આ વિવાદ ક્યારેય એટલો ચરમસીમાએ નથી પહોંચ્યો કે ગોળીઓ  છૂટે. 15મી જૂનની રાતે પણ એવું નથી બન્યું. આમ છતાં ભારતીય સેના (Indian Army) ના 20 જવાનોએ શહાદત વ્હોરી અને ચીનને પણ મોટા પાયે નુકસાન થયું. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીન (China) ના પણ 43 જેટલા સૈનિકોમાંથી ઘણા માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગલવાન ખીણમાં રાતના અંધારામાં થયેલી ઝડપોમાં અનેક સૈનિકો નદી કે ખીણમાં પડતા શહીદ થયાં. ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતાં અને પૂરી તૈયારી સાથે આવ્યાં હતાં. 

અનિર્ણિત સરહદ ફરી બની તકરારનું કારણ
ભારત અને ચીન વચ્ચે સરહદ (India-China Border Dispute) ને લઈને વિવાદ છે. ભારત અંગ્રેજોના જમાનાની મેકમોહન લાઈનને સરહદ રેખા ગણે છે. પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે સરહદ રેખા અનેક જગ્યાએ અનિર્ણિત છે. બંને દેશોની સેનાઓ સરહદે પોતાની જમીન હોવાના દાવા કરે છે. જો કે આ વિવાદ સ્થાયી રહેતો નથી. આ જ રીતે પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનની સેના આગળ વધીને કેમ્પ લગાવીને બેસી ગઈ હતી. ત્યારબાદ ભારત ચીન વચ્ચે અધિકારી સ્તરે વાતચીત શરૂ થઈ. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બને દેશની સેનાઓ એપ્રિલમાં જ્યાં હતી તે પોઝિશન પર પાછી ફરે. 

કેવી રીતે શરૂઆત થઈ હિંસક ઝડપની?
15મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના 20 સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતાં. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા ક્યારે ફરી રહ્યાં છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતાં.  ચીનની જે સૈન્ય ટુકડી સાથે સંતોષ બાબુ વાત કરવા ગયા હતાં તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો. જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગહ 300થી 325 જેટલા ચીની સૈનિકો હાજર હતાં. 

સંતોષ બાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી કે ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયાં. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર 20 જ છે અને તેઓ 300 છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે. પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી. 

શરૂ થઈ ગઈ હાથાપાઈ અને મારપીટ
ચીનના 300 સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના 20 સૈનિકોને ઘેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોના હાથમાં ખિલ્લાવાળા મોજા પહેર્યા હતાં. તેમના ઈરાદા ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાના હતાં. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂક્યા હતાં આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ 20 સૈનિકો પર ઉતારવા માંગતા હતાં. પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ. 

20 ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના 35 બીજા સૈનિકો હાજર હતાં. તેઓએ વાયરલેસ પર આ ઝડપનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયાં. ત્યારબાદ 300 ચીની અને 55 ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝડપ શરૂ થઈ. 

જુઓ LIVE TV

ધસી પડ્યો હતો ટેકરો
બને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ ચાલી રહી હતી પરંતુ આ જંગનું મેદાન બની બેઠેલી જગ્યા એટલે કે કાચી પહાડી આટલો બધો ભાર સહન કરી શકી નહીં. જ્યાં ચીની પોસ્ટ બની હતી તે ટેકરા જેવી જગ્યા ધસી પડી અને ત્યારબાદ ભારતીય અને ચીની સૈનિકો પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાં કે ખાઈમાં પડ્યાં. અત્રે જણાવવાનું કે લદાખમાં હવામાન ખુબ ઠંડુ છે અને તાપમાન ઝીરોની આસપાસ છે. અચાનક જમીન ધસી પડતા બંને પક્ષના સૈનિકોને ખુબ ગંભીર ઈજાઓ થઈ. જે મોટી સંખ્યામાં કેઝ્યુઅલ્ટીનું કારણ બની. ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હતાં આથી પહાડી ધસી પડતા 20 સૈનિકો શહીદ થયાં. જ્યારે ચીનની સેનાની ટુકડીમાં 300થી વધુ સૈનિકો હતાં. આથી તેમને ભારે નુકસાન પહોંચ્યું. હાલ તો ચીનને 43 સૈનિકોનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. પરંતુ બની શકે કે મૃતક ચીની સૈનિકોની સંખ્યા 50 ઉપર પહોંચી શકે. કારણ કે અનેક ચીની સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આજ ઘાયલ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ચીની સેનાના હેલિકોપ્ટર વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news