પુલવામા હુમલોઃ કેન્દ્રનો BCCIને વર્લ્ડ કપમાં પાક. સામે મેચ ન રમવા નિર્દેશ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારત સરકાર પાકિસ્તાન પર વિવિધ પ્રકારે દબાણ પેદા કરી રહી છે, જેને અનુલક્ષીને આ વધુ એક નિર્ણય લેવાયો છે
Trending Photos
નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન સામેની મેચ ન રમવા માટે નિર્દેશ આપ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સરકારે બીસીસીઆઈને જણાવ્યું છે કે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 16 જૂનના રોજ રમાનાર છે.
કેન્દ્ર સરકારે બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ને સંદેશો આપ્યો છે કે, 'પાકિસ્તાન સામે ન રમો.' ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારત સરકાર પાકિસ્તાન પર વિવિધ પ્રકારે દબાણ પેદા કરી રહી છે, જેને અનુલક્ષીને આ વધુ એક નિર્ણય લેવાયો છે.
ભારત દ્વારા આ રાઉન્ડ રોબિન મેચનો બહિષ્કાર કરવાની સ્થિતિમાં આઈસીસી અને જાહેરાતની કંપનીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. સૂત્રો અનુસાર, સરકારની ઈચ્છા છે કે બંને ટીમ (ભારત અને પાકિસ્તાન) નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી જાય તો પણ ભારતે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ. આટલું જ નહીં, આઈસીસી સમક્ષ આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના ફોર્મેટમાં ફેરફાર અંગેનુ સુચન કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જેથી, નોકઆઉટ રાઉન્ડ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની સ્થિતિ ન આવે.
ભારત દ્વારા પાકિસ્તાન સામે આ મેચનો બહિષ્કાર કરવાની સ્થિતિમાં પાકિસ્તાનને મેચમાં વિજેતા જાહેર કરાશે અને તેને બે પોઈન્ટ મળી જશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, ઓફ સ્પિનર હરભજન સિંહ સહિતના અનેક ક્રિકેટરો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ ન રમવી જોઈએ એવું જણાવી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે