PM મોદીની જાતિ પર હવે અશોક ગેહલોતે કર્યો આ દાવો, તેમણે શું કહ્યું અને બક્ષી કમિટી વિશે પણ જાણો

રાહુલ ગાંધીએ એ સાબિત કરવાની કોશિશ કરી કે પીએમ મોદી જબરદસ્તીથી ઓબીસી બનીને પોતાને પછાત અને ગરીબ જણાવીને સહાનુભૂતિ લે છે. આ વાતને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ દહોરાવી. તેમણે જૈન, મહેશ્વરી, અને અગ્રવાલને પણ તેમાં ઢસડી લીધા. જાણો આખરે આ મામલાનું સત્ય શું છે. 

PM મોદીની જાતિ પર હવે અશોક ગેહલોતે કર્યો આ દાવો, તેમણે શું કહ્યું અને બક્ષી કમિટી વિશે પણ જાણો

Narendra Modi Caste Truth: હાલમાં જ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મજાત OBC નથી, એ તો  ભાજપે પૂરા પ્લાનિંગ સાથે વર્ષ 2000માં પોતાની સરકાર બન્યા બાદ મોદી જાતિને OBC માં સામેલ કરાવી હતી. એટલે કે રાહુલ ગાંધીએ એ સાબિત કરવાની કોશિશ કરી કે પીએમ મોદી જબરદસ્તીથી ઓબીસી બનીને પોતાને પછાત અને ગરીબ જણાવીને સહાનુભૂતિ લે છે. આ વાતને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ દહોરાવી. તેમણે જૈન, મહેશ્વરી, અને અગ્રવાલને પણ તેમાં ઢસડી લીધા. જાણો આખરે આ મામલાનું સત્ય શું છે. 

ગેહલોતે પણ છેડ્યો જાતિ રાગ
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓબીસીમાં સામેલ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ સાચુ કહ્યું છે. કારણ કે ગુજરાતમાં પછાત વર્ગો માટે 1978માં બનેલા મંડલ આયોગ અને બક્ષી કમિટીની ભલામણોમાં મોદી/ઘાંચી ને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં નહતી આવી. મોદી જાતિ સમગ્ર દેશમાં એક બિઝનેસ કમ્યુનિટી છે. જૈન, માહેશ્વરી, અને અગ્રવાલ સમુદાયના લોકો પણ મોદી સરનેમનો ઉપયોગ કરે છે. જો નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી માનતા હોય અને ઓબીસી વર્ગના હિતોના સમર્થક છે તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની માંગણીને માનીને કેન્દ્ર સરકારે તરત જાતીય ગણતરી કરાવવાની જાહેરાત કરવી જોઈએ. 

— Ashok Gehlot (@ashokgehlot51) February 9, 2024

જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી
પૂર્વ સીએમ અશોક ગેહલોતે આગળ લખ્યું કે જેમ કે અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું છે કે એક બાજુ જાતિ આધારિત વસ્તી ગણતરીથી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે પછાત વર્ગો માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાજિક ન્યાય કરવો સરળ બનશે તો બીજી બાજુ કોઈને ભ્રમ ન હોવો જોઈએ કે આ પ્રકારની વસ્તી ગણતરી સામાન્ય વર્ગના લોકોના વિકાસમાં બાધા ઉત્પન્ન કરશે. અશોક ગેહલોતે એમ પણ લખ્યું કે અમારા નેતા રાહુલ ગાંધીનું માનવું છે કે સમાજના તમામ વર્ગોને વિકાસની સમાન તક મળે અને ન્યાય સુનિશ્ચિત થાય. આ જ ભારત જોડો ન્યાય યાત્રાનો હેતુ છે. 

મોઢ ઘાંચી જાતિ ક્યારે બની ઓબીસી? 
પરંતુ આ મામલે જે દસ્તાવેજો ઉપલબ્ધ છે તે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સાથ આપતા નથી. ઉલ્ટું ખોટા નિવેદનોમાં ફસાતા જોવા મળી રહ્યા છે. આ દસ્તાવેજ જણાવે છે કે મોદી જે મોઢ ઘાંચી જાતિના છે તે જાતિને ગુજરાત સરકારે 1994માં ઓબીસીમાં સામેલ કરી હતી. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. ભાજપ તો પછી સત્તામાં આવ્યો. મોદી તો તેના પણ પછી આવ્યા અને વર્ષ 2000માં  જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે મોઢ ઘાંચી જાતિને કેન્દ્રએ ઓબીસીના દાયરામાં સામેલ કરી હતી. તેને લઈને કેટલાક જૂના દસ્તાવેજો પણ છે. તે સમયે નરેન્દ્ર મોદી સત્તામાં પણ નહતા. 

કોંગ્રેસના જૂના દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ
હાલ ભાજપના સાંસદ અને અગાઉ પીઢ કોંગ્રેસી રહી ચૂકેલા નેતા નરહરિ અમીન કે જેઓ 1994માં ગુજરાતની કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ હતા તેમણે પણ પુષ્ટિ કરી છે કે મોદી જાતિને ઓબીસીમાં કોંગ્રેસે જ સામેલ કરી હતી. તેમણે માંગણી કરી છે કે રાહુલ ગાંધી એકવાર ફરીથી ખોટું બોલ્યા છે. આથી પ્રધાનમંત્રી મોદી પાસે માફી માંગે. 

— Narhari Amin (@narhari_amin) February 8, 2024

મોઢ- ઘાંચી જાતિ
અત્રે જણાવવાનું કે મોઢ ઘાંચી જાતિ તેલીની અનેક પેટા જાતિઓમાંથી એક છે. તે ખાદ્ય તેલના વેપાર સાથે જોડાયેલી જાતિ છે. ગુજરાતમાં મોઢ ઘાંચી જાતિની લગભગ 10 લાખ જેટલી વસ્તી છે. ગુજરાત બહાર પણ તેલી જાતિની હાજરી છે. પૂર્વ યુપીમાં મોઢ ઘાંચી જાતિ ગુપ્તા સરનેમથી પણ ઓળખાય છે. રાજસ્થાનમાં પણ આ જાતિ ઓબીસી લિસ્ટમાં સામેલ છે. જો કે બિહારમાં તે OBC ની યાદીમાં સામેલ નથી. 

બક્ષી કમિટીનો રિપોર્ટ
અત્રે જણાવવાનું કે ગુજરાત સરકારે 1972માં એ આર બક્ષી કમિટી બનાવી હતી. જેણે 1976માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. બક્ષી કમિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 82 એવી જાતિઓ છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે. બક્ષી કમિટીએ આ જાતિઓ માટે સરકારી નોકરીઓ અને વ્યવસાયિક સંસ્થાનોમાં 10 ટકા અનામતની  ભલામણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news