PM Modi Europe Visit: PM મોદી 3 દેશના પ્રવાસે... 8 વૈશ્વિક નેતાઓને મળશે, 7 પોઈન્ટમાં સમજો પ્રવાસનું મહત્વ

PM Narendra Modi Europe Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રણ દિવસના યુરોપ પ્રવાસે છે. જે અંતર્ગત આજે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. જર્મની બાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની પણ મુલાકાત લેશે. 

PM Modi Europe Visit: PM મોદી 3 દેશના પ્રવાસે... 8 વૈશ્વિક નેતાઓને મળશે, 7 પોઈન્ટમાં સમજો પ્રવાસનું મહત્વ

PM Narendra Modi Europe Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રણ દિવસના યુરોપ પ્રવાસે છે. જે અંતર્ગત આજે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. જર્મની બાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની પણ મુલાકાત લેશે. યુરોપના આ ત્રણ દેશોનો પ્રવાસ હાલ ચાલી રહેલા યુદ્ધના સમયમાં ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન કુલ 65 કલાકમાં 25 બેઠકમાં સામેલ થશે તથા 8 વૈશ્વિક નેતાઓને પણ મળશે. પીએમ મોદીના આ પ્રવાસથી અનેક  ફાયદા થશે જે આ તમારે જાણવા જરૂરી છે. 

જર્મનીના પ્રવાસનું શું હશે ફળશ્રુતિ
પ્રવાસના પહેલા તબક્કામાં પીએમ મોદી બર્લિનમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે બેઠક યોજશે. બંને નેતાઓ  India-Germany inter-governmental consultation બેઠકની પણ સહ અધ્યક્ષતા કરશે. આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત પણ થશે. બંને દેશોના સંબંધોને મજબૂત કરવા અંગેની ચર્ચા પણ થશે.  પીએમ મોદી જેવા બર્લિન પહોંચ્યા કે તેમણે ટ્વીટ કરીને સંદેશો આપ્યો. કહ્યું કે હું બર્લિન પહોંચી ગયો. આજે ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત  કરીશ અને કારોબારી દિગ્ગજો સાથે મુલાકાત કરીશ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પ્રવાસથી ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા ગાઢ થશે. ઊદ્યોગપતિઓ સાથેની આ મુલાકાત બાદ ભારતમાં જર્મન કંપનીઓનું રોકાણ વધે તેવી પૂરી શક્યતા છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે કે જર્મની ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ કરનારો 7મો મોટો દેશ છે. હાલ 1700થી વધુ જર્મન કંપનીઓનો ભારતમાં વેપલો ચાલે છે. 2021-22ના ત્રિમાસિકમાં જર્મનીનું ભારતમાં 4326 કરોડ રૂપિયા રોકાણ રહ્યું. 

ડેનમાર્ક સાથેના સંબંધો નવી ઊંચાઈને આંબશે
ભારતના ડેનમાર્ક સાથેનવા સંબંધ ખુબ સારા રહ્યા છે અને પીએમ મોદીના આ પ્રવાસ બાદ તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સને ભારત પ્રવાસ દરમિયાન પીએમ મોદીને બીજા નાર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ડેનમાર્કમાં તેઓ મેટે ફ્રેડરિક્સન સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધ તથા અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરશે. 

પીએમ મોદીની ત્યાંના ઊદ્યોગપતિઓ સાથે મુલાકાત બાદ ભારતમાં રોકાણ વધવાની શક્યતા છે. પીએમએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ ભારત ડેનમાર્ક કારોબારી બેઠકમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ સંવાદ કરશે. અત્રે જણાવવાનું કે વર્ષ 2021-22માં ભારત અને ડેનમાર્ક વચ્ચે 11428 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે. જ્યારે જ્યારે એપ્રિલ 2000થી ડિસેમ્બર 2021 સુધીમાં ડેનમાર્કે ભારતમાં 5318 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 

પીએમ મોદીનો આ પ્રવાસ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યોજાયો છે. આથી આ પ્રવાસ પર માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર છે. હાલ પીએમ મોદી વિશ્વફલક પર વિદેશનીતિ અને કૂટનીતિ માટે ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રવાસથી હાલની સ્થિતિ પર શું ફરક પડશે. મોટાભાગના પશ્ચિમી દેશો રશિયા વિરુદ્ધ એકજૂથ છે. જ્યારે ભારતનું વલણ અત્યારે પણ કોઈના પણ પક્ષમાં નહીં એટલે કે તટસ્થ છે. 

બે દેશો વચ્ચેના સંબંધ નવી ઊંચાઈ પર
પીએમ મોદી અને જર્મન ચાન્સેલર એક બિઝનેસ ઈવેન્ટને પણ સંબોધિત કરવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભારત અને જર્મની વચ્ચેના વેપારી સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. ભારત જર્મનીથી કેમિકલ, ઓટો કોમ્પોનન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેપર અને પ્રિન્ટિંગ મટીરિયલ આયાત કરે છે. જ્યારે જર્મનીને ફૂડ અને બેવરેજ, મશીનરી, દવાઓ, ટેક્સટાઈલ, ચામડું, રત્નો આભૂષણો અને રબર પ્રોડક્ટ્સ નિકાસ કરે છે. 

ફ્રાન્સ પ્રવાસથી આ અપેક્ષા
ફ્રાન્સ પ્રવાસ દરમિયાન મુખ્ય જોર રક્ષા સહયોગ અને વેપાર ઉપર કેન્દ્રિત રહેશે. ફ્રાન્સમાં પીએમ મોદી નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે અને રક્ષા તથા સુરક્ષા મામલે વાતચીત કરશે. રક્ષા ક્ષેત્રે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંબંધ ઘણા જૂના છે. ફ્રાન્સના જગુઆર અને મિરાજ-2000 ફાઈટર વિમાનો ભારત વાપરે છે. આ ઉપરાંત રાફેલ પણ  હવે સામેલ થયા છે. ભારત અને ફ્રાન્સના સંબંધો પણ નવી ઊંચાઈ પર પહોંચશે. ફ્રાન્સ સાથે ભારતના રણનીતિક અને વેપારી સંબંધો સારા રહ્યા છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે બોન્ડિંગ પણ ખુબ સારું છે. 

ભારતને ફ્રાન્સથી થશે આ ફાયદો
ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપારી સંબંધો ઘણા જૂના છે. પીએમ મોદીના આ પ્રવાસથી હવે રોકાણ તીવ્ર ગતિએ વધવાનો પણ અંદાજ છે. વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચે 80320 કરોડ રૂપિયાનો વેપાર થયો. જ્યારે એપ્રિલ 2000થી ડિસેમ્બર 2021 સુધીમાં ફ્રાન્સે ભારતમાં અત્યાર સુધીમાં લગભઘ 62 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. 

8 વૈશ્વિક નેતાઓને મળશે
પીએમ મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝને મળશે, ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ ઉપરાંત ડેનમાર્કમાં ક્વીન માર્ગ્રેટ દ્વિતિય સાથે વાતચીત કરશે. ભારત-નોર્ડિક સમિટમાં આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સડોટિર, નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પીએમ મેગ્ડેલેના એન્ડરસન અને ફિનલેન્ડના પીએમ સના મારિન સાથે બેઠક કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news