રાજ્યસભા: PM મોદીએ 'ગાલિબની ભૂલ'થી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો ભાષણની 10 મહત્વની વાતો

લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા.

રાજ્યસભા: PM મોદીએ 'ગાલિબની ભૂલ'થી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો ભાષણની 10 મહત્વની વાતો

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. વડાપ્રધાને પોતાના જાણીતા અંદાજમાં 'જનાદેશ પર સવાલ ઉઠાવનારાઓ'  હારનું ઠીકરું ઈવીએમ પર ફોડનારાઓ ઉપર આકરા પ્રહાર કર્યાં. ગાલિબના શેર 'તા ઉમ્ર ગાલિબ યહ ભૂલ કરતા રહા, ધૂલ ચહેરે પે થી, આઈના સાફ કરતા રહા' દ્વારા ઈવીએમની બહાનેબાજીને લઈને વિપક્ષ પર તીખો કટાક્ષ પણ કર્યો. કોંગ્રેસ પર દેશની જનતા અને મતદારોના અપમાનનો આરોપ લગાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આટલો અહંકાર સારો નથી કે કોંગ્રેસ જીતે તો દેશ જીત્યો અને કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો.

1. દાયકાઓ બાદ એક પૂર્ણ બહુમતવાળી સરકાર બની
પીએમ મોદીએ કહ્યું કે આ વખતની ચૂંટણી ખાસ રહી. અનેક દાયકાઓ બાદ ફરીથી એકવાર પૂર્ણ બહુમતવાળી સરકાર બનવી એ ભારતના મતદારોના મનમાં રાજનીતિક સ્થિરતાનું શું મહત્વ છે, એક પરિપકવ મતદારની તેમાંથી ખુશ્બુ મહેસૂસ થઈ રહી છે. આ ફક્ત આ ચૂંટણીના વાત નથી. હાલની અનેક ચૂંટણીઓમાં મતદારોએ સ્થિરતાને મહત્વ આપ્યું. 

2. આ વખતની ચૂંટણી જનતા પોતે લડી રહી હતી
પીએમ મોદીએ કહ્યું કે બહુ ઓછી એવી તક આવે છે કે જ્યાં ચૂંટણી જનતા-જનાર્દન સ્વંય પોતે લડે છે. 2019ની ચૂંટમી પક્ષોથી ઉપર જનતા લડી  રહી હતી. જનતા પોતે સરકારના કામની વાત લોકો સુધી પહોંચાડવા માંગતી હતી. જેને લાભ ન પહોંચ્યો તે પણ તે વિશ્વાસથી વાત કરતા હતા કે તેને મળ્યું છે અને મને હવે મળવાનું છે. 

3. 'તમે ચૂંટણી જીતી ગયા પરંતુ દેશ હારી ગયો' કહેવું એ જનતાનું અપમાન
મારું સૌભાગ્ય છે કે મને દેશના  ખૂણે ખૂણે જનતા જનાર્દનના દર્શનની તક મળી. પરંતુ ભારત એક પરિપકવ લોકતંત્ર છે, દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, ચૂંટણીમાં ગ્લોબલ વેલ્યુ હોય છે. તે સમયે પોતાની સોચની મર્યાદાના કારણે, વિચારોમાં રહેલી વિકૃતિઓના કારણે આટલા મોટા જનાદેશને પણ આપણે જો એમ કહી દઈએ કે તમે તો ચૂંટણી જીતી ગયા પરંતુ દેશ ચૂંટણી હારી ગયો. હું સમજુ છું કે તેનાથી મોટું ભારતના લોકતંત્રનું અપમાન હોઈ શકે નહીં. તેનાથી મોટું જનતા-જનાર્દનનું અપમાન હોઈ શકે નહીં. 

4. કોંગ્રેસ એટલે દેશ અને દેશ એટલે કોંગ્રેસ? આટલો અહંકાર સારો નથી
જ્યારે એમ કહેવાય છે કે લોકતંત્ર હારી ગયું, દેશ હારી ગયો તો હું જરૂર પૂછવા માંગીશ કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયુ? શું રાયબરેલી, તિરુવનંતપુરમમાં હિન્દુસ્તાન હારી ગયુ? આ વળી કયો તર્ક છે? કોંગ્રેસ હારી એટલે દેશ હારી ગયો? તેનો અર્થ એ કે કોંગ્રેસ એટલે દેશ અને દેશ એટલે કોંગ્રેસ? અહંકારની પણ કોઈ એક સીમા હોય છે. 55-6- વર્ષો સુધી દેશ પર રાજ કરનારો પક્ષ 17 રાજ્યોમાં એક પણ સીટ જીતી શક્યો નહીં. હું સમજુ છુ કે આ પ્રકારની ભાષા બોલીને મતદારોના વિવેકને ઠેસ પહોંચાડી છે. અમારી આલોચના હું સમજી શકું છું, પરંતુ દેશના મતદારોનું આવું અપમાન ખુબ પીડા આપે છે. બની શકે કે મારી વાણીમાં કોઈ આગ્રોશભર્યા શબ્દો હોય, પરંતુ તે મારા પક્ષ માટે નથી, આ દેશના પરિપકવ લોકતંત્ર માટે છે. બંધારણ નિર્માતાઓની સમજદારી માટે છે. 

5. દેશના ખેડૂતો બિકાઉ નથી
40-50 ડિગ્રી ટેમ્પ્રેચરમાં લોકો મત આપવા જઈ રહ્યાં હતાં. કેટ કેટલા લોકોની તપસ્યા બાદ ચૂંટણી થાય ચે. અને તમે મતદારોનું અપમાન કરી નાખ્યું. એવો તર્ક આપી દીધો કે આ દેશના ખેડૂતો બિકાઉ છે. 2-2 હજાર રૂપિયાની સ્કીમ પર વેચાઈ ગયાં. મારા દેશના ખેડૂતો એવા નથી. જે બધાના પેટ ભરે છે તેવા ખેડૂતો માટે આવા શબ્દોના ઉપયોગથી તેમને અપમાનિત કરાયા. 

મીડિયાને પણ ગાળો અપાઈ. મીડિયાના કારણે પણ ચૂંટણી જીતાય છે. મીડિયા બીકાઉ છે કે શું? મીડિયાને કોઈ ખરીદી લે છે? આપણે કઈ પણ બોલતા રહીએ છીએ. સદનમાં કહેવાતી વાતોનું મહત્વ હોય છે. 

આપણને ગર્વ હોવો જોઈએ કે ભારતની ચૂંટણી  પ્રક્રિયા વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારનારી તક હોય છે અને તેને  ખોવી જોઈએ નહીં. પહેલીવાર પુરુષોની સરખામણીમાં એટલી જ મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો. આ વખતે 78 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. દેશના તમામ ખુણામાંથી ભાજપ બહુમત જીતીને આવી છે, એનડીએ આવ્યું છે. જે લોકો હારી ગયા છે, જેમના સપના ચૂર ચૂર થઈ ગયા છે, જેમના અહંકાર તૂટી ચૂક્યો છે તેઓ જનતાનો આભાર નહીં મેળવે પરંતુ હું  જનતા જનાર્દનનું અભિવાદન કરુ છું. 

6. જેમને પોતાના પર વિશ્વાસ નથી, સામર્થ્ય નથી તેઓ EVM જેવા બહાના શોધે છે
અહીં ઈવીએમની પણ ઘણી ચર્ચાઓ થતી રહે છે. આ એક નવી બીમારી શરૂ થઈ છે. ઈવીએમને લઈને સવાલ ઉઠાવામાં આવે છે. બહાના બનાવાય છે. એક સમયે અમે સદનમાં 2 જ હતાં. અમારી પણ મજાક ઉડી હતી. પરંતુ અમને અમારી વિચારધારા અને અમારા કાર્યકરો પર ભરોસો હતો. અમે તે સમયે પોલિંગ બૂથ પર જે થયું તે થયું, એ પ્રકારના બહાના નહતા  કાઢ્યાં. પરંતુ જ્યારે સ્વયં પર ભરોસો ન હોય, સામર્થ્યનો અભાવ હોય ત્યારે બહાના શોધાય છે. આત્મચિંતન, દોષ સ્વીકારવાની જેમની તૈયારી નથી હોતી, તેઓ પછી હારના ઠીકરા ફોડવા માટે ઈવીએમને શોધે છે. જેથી કરીને  પોતાના સાથીઓને બતાવી શકે કે અમે તો ખુબ મહેનત કરી પરંતુ ઈવીએમના કારણે હારી ગયાં. 

ચૂંટણી પ્રક્રિયામાં સુધાર થતો ગયો છે. શરૂઆતમાં મહીના મહીના સુધી ચૂંટણી ચાલતી હતી. ચૂંટણી સુધાર એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ચૂંટણી બાદ અખબારોની હેડલાઈન હતી કે કેટલી હિંસા થઈ, કેટલા લોકો માર્યા ગયાં અને કેટલા બૂથ કેપ્ચર થયા. પરંતુ આજે ઈવીએમના જમાનામાં હેડલાઈન હોય છે કે પહેલાની સરખામણીમાં મતદાન કેટલું વધ્યું. જ્યારથી સાચા અર્થમાં લોકતંત્રની પ્રક્રિયા આવી છે, આવા લોકોના હારવાનો ક્રમ પણ ત્યારથી શરૂ થયો છે. આથી તેમણે પાછું તે જ જગ્યાએ જવાનું છે. દેશ લોકતંત્રને આ પ્રકારથી દબોચવાની પ્રક્રિયામાં મદદ કરી શકે નહીં. 

જુઓ LIVE TV

7.  ઈવીએમ પર ચૂંટણી પંચે ચેલેન્જ આપી તો આજે રોદણા રડનારા કોઈ જોવા નહતા મળ્યાં
ઈવીએમ પર સૌથી પહેલા 1977માં ચર્ચા શરૂ થઈ. 1982માં પહેલીવાર તેનો ઉપયોગ  થયો. 1988માં કાયદાકીય વ્યવસ્થાએ તેની સ્વીકૃતિ આપી. એટલું જ નહીં પરંતુ 1992માં કોંગ્રેસના નેતૃત્વમાં જ આ ઈવીએમને લઈને તમામ નિયમો બનાવવામાં આવ્યાં હતાં. હવે હારી ગયા તો તેના પર રોદણા રડી રહ્યાં છો. ઈવીએમથી અત્યાર સુધી 113 વિધાનસભા ચૂંટણી થઈ છે. અહીં  ઉપસ્થિત લગભગ તમામ પક્ષોને આ જ ઈવીએમથી ચૂંટણી જીતીને સત્તામાં આવવાનો અથવા તો ભાગીદાર બનવાની તક મળી. 4 લોકસભા ચૂંટણી યોજાઈ. તેમાં પણ પક્ષ બદલાયા છે. અલગ અલગ લોકો જીતીને આવ્યાં છે. 2001 બાદ વિભિન્ન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ઈવીએમને લઈને ફરિયાદો ગઈ પરંતુ તમામ મામલાઓમાં ન્યાયપાલિકાએ સકારાત્મક નિર્ણય આપ્યાં. ચૂંટણી પંચે ઈવીએમ સાથે છેડછાડની ચેલેન્જ પણ આપી હતી પરંતુ જે લોકો અત્યારે ઈવીએમ પર રોદણા રડી રહ્યાં છે તેમાંથી કોઈ પક્ષ ત્યાં ગયો નહતો. માત્ર બે જ પક્ષ સીપીઆઈ અને એનસીપી ત્યાં ગયા હતાં અને તે પણ પ્રક્રિયા સમજવા માટે. 

8. કોંગ્રેસ જીત પચાવી શકતી નથી, હાર સ્વીકારી શકતી નથી
પીએમ મોદીએ કહ્યું કે હું સ્તબ્ધ છું. કોંગ્રેસ પાર્ટી માટે કહેવા માંગુ છું કે આટલા વર્ષો સુધી તમે દેશ પર શાસન કર્યું. તમે વિજય પચાવી શકતા નથી અને 2014થી સતત જોઈ રહ્યો છું કે તમે હારને સ્વીકાર પણ શકતા નથી. 

9. એક દેશ એક ચૂંટણી પર ચર્ચા તો શરૂ થાય
તેમણે કહ્યું કે એક દેશ એક ચૂંટણી પર કમસે કમ ચર્ચા તો શરૂ કરો. જેટલા પણ મોટા નેતાઓને હું મળ્યો છું તે બધાએ વ્યક્તિગત રીતે કહ્યું છે કે આનામાંથી મુક્તિ મળવી જોઈએ. એક મતદાર સૂચિ હોય તે સમયની માગણી નથી? રાજ્ય અને કેન્દ્ર મળીને કરે. ચૂંટણી રિફોર્મ જરૂરી છે અને તે થતા રહેવા જોઈએ. 

10. મોબ લિંચિંગ માટે કોઈ એક રાજ્યને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી
તેમણે કહ્યું કે ઝારખંડ મોબ લિંચિંગનો અડ્ડો બની ગયું છે. શું ઝારખંડ રાજ્યને દોષી ગણાવવું યોગ્ય છે? જે થયું તે ખોટું થયું છે તેને અલગ રાખો. પરંતુ બધાને ઘેરામાં લઈને રાજનીતિ તો કરી લેશો. આથી આખા ઝારખંડને બદનામ કરવાનો હક આપણને નથી. ત્યાં પણ ઘણા સજ્જનો છે. ન્યાય થવો જોઈએ... તેના માટે કાનૂની વ્યવસ્થા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news