કોંગ્રેસના નરમ વલણથી આતંકીઓનો જુસ્સો વધ્યો: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તાબડતોબ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં એક જનસભાને તેઓ સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. 

કોંગ્રેસના નરમ વલણથી આતંકીઓનો જુસ્સો વધ્યો: પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તાબડતોબ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં એક જનસભાને તેઓ સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અહીં ભાજપની લહેર સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના નરમ વલણના કારણે જ આજે આતંકીઓનો જુસ્સો વધ્યો છે. તેમણે કહ્યું કે મોદી આતંકને વોટ બેંકમાં તોલતો નથી, આતંકના તમામ મદદગારો આજે જેલોમાં બંધ પડ્યા છે. 

પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં કહ્યું કે 5 વર્ષોમાં તમે જે રીતે આ ચોકીદારનો સાથ આપ્યો છે. તેના માટે હું ખુબ જ વિનમ્રતાથી તમને શીશ ઝૂકાવીને નમન કરું છું. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મેં દેશના ચારે ખુણા અને દરેક દિશાની મુલાકાત લીધી છે. પૂર્ણ બહુમતવાળી સરકાર માટે તમારા વિકાસ માટે  કામ કરનારી સરકાર માટે દેશભરમાં જે લહેર ચાલી રહી છે તે આજે અમરોહામાં પણ જોવા મળી રહી છે. તેમણે સંયુક્ત આરબ અમીરાત દ્વારા તેમને અપાયેલા સર્વોચ્ચ સન્માન ઝાયેદ મેડલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તમારા આ સેવકને યુએઈએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે. આ સન્માન મારું નહીં પરંતુ તમારા બધાનું અને ખાડી દેશોમાં કામ કરતા કરોડો ભારતીયોનું છે. 

વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન કર્યું છે. પશ્ચિમી યુપીમાં અગાઉ ગુંડાગીરી, કાયદા વ્યવસ્થાની શું સ્થિતિ હતી? સમાજવાદી પાર્ટીની સરકારના સમયે અપરાધીઓને ખુલ્લી છૂટ મળી હતી. આજે ભાજપની સરકારમાં તેના પર નિયંત્રણ આવ્યું છે. તેમણે કહ્યું કે તમારા આ ચોકીદારે લાલ બત્તી ઉતરાવી અને ગરીબોના ઘરમાં બત્તી જલાવી. મોટા મોટા લોકોની લાલ  બત્તી જતી રહી અને ગરીબોના ઘરમાં વીજળી આવી ગઈ છે. 

કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું
પીએમ મોદીએ કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો ફોટો સંસદમાં લગાવવા દીધો નહીં. ફક્ત એક પરિવારની ઓળખ જાળવી રાખવા માટે, પ્રતિષ્ઠા માટે, એક પરિવારના સ્વાર્થની સિદ્ધિ માટે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું. 

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે તેમને ચૂંટણીમાં હરાવ્યાં હતાં. દેશ પ્રત્યે બાબાસાહેબને યોગદાનને ભૂલવાનું ષડયંત્ર રચ્યું હતું. બાબાસાહેબે તે પરિવારને પડકાર ફેંક્યો હતો, આથી ત્યારબાદની પેઢીઓએ પણ બાબાસાહેબ સાથે નિરંતર  બદલો લીધો. આજે વોટબેંકની મજબુરી છે એટલે કોંગ્રેસ બાબા સાહેબનું નામ લે છે. નહીં તો આ એ જ કોંગ્રેસ છે જેણે દાયકાઓ સુધી તેમનો ફોટો પણ સંસદમાં લાગવા દીધો નથી. 

કેટલાક લોકોને હિન્દુસ્તાનમાં રડવું આવે છે
તેમણે વિપક્ષ પર હુમલા કરતા કહ્યું કે આતંકીઓને તેમની જ જબાનમાં જવાબ આપવો એ આપણા દેશના જ કેટલાક લોકોને પરેશાન કરે છે. જ્યારે ભારત ઘરમાં ઘૂસીને દુશ્મનોને મારે છે ત્યારે હિન્દુસ્તાનમાં જ કેટલાક લોકોને રડવું આવે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીનું વલણ આતંક પર નરમ છે જેના કારણે કેટલાક લોકોનો જુસ્સો બુલંદીએ છે. આ પક્ષોએ ફક્ત આતંકને મદદ નથી કરી પરંતુ તેમણે તમારા જીવન અને અસ્તિત્વને પણ સંકટમાં નાખ્યા છે. 

જુઓ LIVE TV

પૂર્ણ બહુમતવાળી સરકારની તાકાત છે
પીએમ મોદીએ કહ્યું કે દેશની શાખ જળવાઈ રહે તે માટે એક મજબુત સરકાર હોવી જરૂરી છે. મજબુત સરકાર જ કડક અને મોટા નિર્ણય લઈ શકે છે. દેશને આગળ વધારી શકે છે. આજે દુનિયાના દેશોમાં ભારતનો ડંકો વાગે છે. દુનિયાભરમાં ભારતની જયજયકાર થાય છે. તેનું કારણ મોદી નથી પરંતુ તેનું કારણ  દેશની જનતા છે. 2014માં તમે જે મત આપ્યો તેની તાકાત છે. આ પૂર્ણ બહુમતવાળી સરકારની તાકાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news