PDP નેતા અલ્તાફ બુખારીનો દાવો, કોંગ્રેસ-NC સાથે મળીને કાશ્મીરમાં બનાવીશું સરકાર

મહેબૂબા મુફ્તીની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા અલ્તાફ બુખારી આ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે છે. નેશનલ કોન્ફરન્સ (નેકા), પીડીપીને બહારથી સમર્થન આપી શકે છે.

PDP નેતા અલ્તાફ બુખારીનો દાવો, કોંગ્રેસ-NC સાથે મળીને કાશ્મીરમાં બનાવીશું સરકાર

શ્રીનગર : વિપક્ષી મહાગઠબંધનની ચર્ચાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં બીજેપીને રોકવા માટે વિરોધી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. પીડીપી નેતા અલ્તાફ બુખારીએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમારા ગઠબંધનની પાસે રાજ્યની 87 સદસ્યની વિધાનસભામાં 60 ધારાસભ્યોનું સમર્થન છે અને સરકાર બનાવવાને લઈને સહમતિ થઈ ગઈ છે. તેની ઔપચારિક જાહેરાત આગામી એક-બે દિવસમાં થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેબૂબા મુફ્તીની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા અલ્તાફ બુખારી આ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે છે. નેશનલ કોન્ફરન્સ (નેકા), પીડીપીને બહારથી સમર્થન આપી શકે છે. રાજ્યમાં 2002 જેવા સમીકરણ બની રહ્યાં છે. તે સમયે પણ પીડીપી-કોંગ્રેસે મળીને સરકાર બનાવી હતી અને નેશનલ કોન્ફરન્સએ બહારથી સમર્થન આપ્યું હતું. આ સરકાર પાંચ વર્ષ ચાલી હતી. 

જોકે, આ વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, હાલ વાતચીત ચાલી રહી છે, પરંતુ આ વાત હજી સરકાર બનાવવાના સ્તર સુધી પહોંચી નથી. તેમણે કહ્યું કે, અમે લોકો ચર્ચા કરી રહ્યાં છે, કે તમામ વિપક્ષી દળ એકસાથે આવીને સરકાર કેમ નથી બનાવતા. આ મામલે હજી ચર્ચા ચાલુ છે. 

જમ્મુ-કાશ્મીરમાં આ પહેલા માર્ચ 2015માં પીડીપી અને ભાજપાએ ગઠબંધન સરકાર બનાવી હતી. પહેલા મુફ્તી મોહંમદ સઈદ મુખ્યમંત્રી રહ્યા. તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી સીએમ બની હતી. આ ગઠબંધન સરકાર આ વર્ષે જૂન સુધી ચાલી. હાલ ત્યાં રાજ્યપાલ શાસન લાગુ છે. 19 ડિસેમ્બરના રોજ રાજ્યપાલ શાસનને છ મહિના પૂરા થઈ જશે. નિયમો મુજબ, તેને ફરીથી વધારી શકાતુ નથી. તેના બાદ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. પરંતુ તેના માટે વિધાનસભા ભંગ કરવી પડશે.

સજ્જાદ લોન
જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સમીકરણ તેજીથી બદલાઈ રહ્યાં છે. કેમ કે, મીડિયા રિપોર્ટસ અનુસાર બીજેપીના સમર્થનથી પીપલ્સ કોંગ્રેસના નેતા સજ્જાદ લોન ત્રીજો મોરચો બનાવવાના પ્રયાસોમાં છે. તેમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સના અસંતુષ્ટ ધારાસભ્યોને સામેલ કરવામાં આવી શકે છે. બીજેપીના 26 ધારાસભ્યો છે અને સજ્જાદ લોનની પાર્ટી પીપુલ્સ કોંગ્રેસના બે ધારાસભ્ય છે. 

વિધાનસભાનું ગણિત
87 સદસ્યની વિધાનસભામાં પીડીપીના 28 ધારાસભ્ય, કોંગ્રેસના 12 અને નેશનલ કોન્ફરન્સના 15 ધારાસભ્ય છે. સદનમાં બહુમતનો આંકડો મેળવવા માટે 44 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news