પાટીદાર અનામત આંદોલન સમિતિના 40 સભ્યો દિલ્હીના જંતર-મંતર ખાતે કરશે ઉપવાસ
આવતીકાલે સવારે 11 કલાકે જંતર મંતર પર એકદિવસીય પ્રતીક ઉપવાસ પર બેસશે, પીએમ સુધી સંદેશો પહોંચાડવા માગે છે પાસ સભ્યો
Trending Photos
નવી દિલ્હી. હાર્દિકથી અલગ પડેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના 40 સભ્યોએ બુધવારે નવી દિલ્હીમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. 14 યુવાનોના પરિવારોને ન્યાય અપાવવા અને અનામતની માગ સાથે PM સુધી સંદેશો પહોંચાડવા તેઓ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રતીક ઉપવાસ કરવાના છે.
હાર્દિકથી છુટા પડેલા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના ૪૦ સભ્યો પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના નેતૃત્વમાં બે દિવસ પહેલાં દિલ્હી પહોંચ્યા હતા. આ સભ્યોએ જણાવ્યું કે, જો પોલીસની પરવાનગી નહીં મળે તો પણ ઉપવાસ પર ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પાટીદાર અનામત આંદોલનમાં બે અલગ-અલગ માગ સાથે ગુજરાતમાં બે પાસ જોવા મળી રહી છે. એક તો હાર્દિક પટેલની પાસ જે ખેડુતોના દેવા માફ અને બિનઅનામત આયોગની માગ સાથે આંદોલનના ૪ વર્ષ પૂર્ણ થવાના દિવસે ફરી ૨૫ ઓગસ્ટથી આમરણ ઉપવાસ પર બેસવાની માગ કરી રહી છે. તો બીજી તરફ દીલીપ સાબવાના નેતૃત્વમાં બનેલી અન્ય પાસ સમિતી છે જેમણે દિલ્હી પહોંચી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના વરીષ્ઠ નેતા શરદ યાદવને મળી ૧૪ શહિદ પાટીદારોના પરીવારને ન્યાયની સાથે અનામતની માગના આંદોલનમાં જોડવાની અપીલ કરી હતી.
દિલીપ સાબવા અને ટીમ રાહુલને પણ પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરવાની છે. તેઓ માત્ર અન્ય પક્ષના નેતાઓને જ નહીં પરંતુ હરિયાણાના ગુર્જર નેતા અને કુર્મી પાટીદાર સમાજના પૂર્વ જજ, આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને પણ પોતાની સાથે જોડાવવાની અપીલ કરવાના છે.
બીજી પાસ એટલે હાર્દિકથી છુટા પડેલી ટીમ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના વકીલ આકાશ કાકડે અને રામ જેઠમલાણીને મળી ૧૪ શહિદોના પરીવારોને ન્યાય અપાવવા કાયદાકિય પ્રક્રિયા જાણી ગુજરાત સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની તૈયારીમાં છે.
બન્ને પાસમાં ફરક પણ ઘણો જોવા મળી રહ્યો છે. હાર્દિકની પાસમાં બનાવાયેલી ગાંધી ટોપી પર માત્ર જય સરદારનો નારો છે તો દિલ્હી પહોંચેલી પાસ ટીમની ટોપી પર જય સરદારની સાથે યુદ્ધ એ જ કલ્યાણનો નારો જોવા મળી રહ્યો છે.
૪ વર્ષમાં આંદોલનના ઘણા માર્ગ જોવા મળ્યા છે અને આંદોલનના મુદ્દા પણ બદલાતા જોવા મળ્યા. પાસના સભ્યો બદલાતા પણ જોવા મળ્યા ને છેવટે આંદોલનને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એક જ સંગઠન પાસમાં બે અલગ અલગ ટીમ ફરીથી ઉપવાસનું શસ્ત્ર ઉગામી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે