બિહાર: તેજસ્વી માટે 'વિલન' બની ગયા ઓવૈસી, આટલી બેઠકો પર વોટબેંકમાં પાડ્યું મસમોટું ગાબડું
ઓવૈસીની પાર્ટીએ 5 સીટો જીતીને મહાગઠબંધનના વોટબેંકમાં મસમોટું ગાબડું પાડીને તેમની જીતમાં મોટો રોડો નાખી દીધો. જેના કારણે તેજસ્વી યાદવ શાઈનિંગ સ્ટાર બનવા છતાં મુખ્યમંત્રી બનવાથી છેટે રહી ગયા.
Trending Photos
પટણા: બિહાર (Bihar) માં વિપક્ષી દળોનું મહાગઠબંધન ભાજપ અને ખાસ કરીને PM મોદી આગળ ફેલ થઈ ગયું. અહીં ભાજપના નેતૃત્વવાળા એનડીએને પૂર્ણ બહુમત મળી ગયું છે. મોડી રાતે ચૂંટણીપંચે તમામ 243 સીટો પર પરિણામોની જાહેરાત કરી. જેમાં ભાજપ પ્લેસ દળોને 125 બેઠકો જ્યારે મહાગઠબંધનને 110 બેઠક મળી. અન્યના ફાળે 8 બેઠક ગઈ.
સૌથી મોટો ઉલટફેર
વિધાનસભામાં આરજેડીએ સૌથી વધુ 75 બેઠકો મેળવી. મહાગઠબંધનમાં આરજેડી બાદ કોંગ્રેસને 19 અને ડાબેરીઓને 16 સીટો મળી. જ્યારે એનડીએમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો જેણે 74 બેઠકો મેળવી. જેડીયુએ 43 અને અન્ય સહયોગી પક્ષો વીઆઈપી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાને 4-4 બેઠકો મળી. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની પાર્ટીએ કર્યો જેને 5 બેઠકો મળી. આ જીતથી તેજસ્વી યાદવ અને સંપૂર્ણ મહાગઠબંધનને જોરદાર ઝટકો મળ્યો છે.
તો અલગ હોત સ્થિતિ
સીધા શબ્દોમાં કહીએ તો ઓવૈસીએ પાંચ બેઠકો જીતીને તેજસ્વીને 11 બેઠકો પર નુકસાન કરાવ્યું છે. જો ઓવૈસી બિહારમાં ચૂંટણીના મેદાનમાં ન ઉતર્યા હોત તો કદાચ તેજસ્વીનું સપનું પૂરું થઈ ગયું હોત. ચૂંટણી પૂર્વે લગભગ સ્પષ્ટ હતું કે મોદી બ્રાન્ડવાળી ભાજપને તો પાક્કા મત મળવાના છે, લોકોએ નીતિશને પણ મત આપ્યા પરંતુ જે મત નીતિશ વિરુદ્ધ મહાગઠબંધનને મળવાના હતા તે વહેંચાઈ ગયા અને ઓવૈસી વચ્ચે આવી ગયા.
અંદાજો નીકળ્યો ખોટો
ઓવૈસીની પાર્ટીએ તેજસ્વીની આશાઓ પર પાણી ફેરવી વાળ્યું અને મુસ્લિમ મતો તથા કઈક હદે અનુસૂચિત જાતિના મતો પણ પોતાની તરફ ખેંચ્યા. જેના કારણે મહાગઠબંધનની સીટોનો આંકડો ઓછો થઈ ગયો. અત્રે જણાવવાનું કે બિહારના સીમાંચલ વિસ્તારમાં 24 બેઠકો છે. જેમાંથી અડધાથી વધુ બેઠકો પર મુસ્લિમ વસ્તી છે. અહીંથી અસદુદ્દીનની પાર્ટીએ પાંચ બેઠકો મેળવી છે. પહેલા મનાતું હતું કે સીમાંચલના મુસ્લિમો ઓવૈસીની જગ્યાએ મહાગઠબંધનની પાર્ટીઓને મહત્વ આપશે પરંતુ આવું બન્યું નહીં.
બદલાઈ ગયા સમીકરણ
આંકડા પર નજર ફેરવીએ તો પૂર્ણિયાની અમૌર સીટ પર લાંબા સમયથી વિધાયક રહેલા કોંગ્રેસના અબ્દુલ જલીલ મસ્તાનને આ વખતે 11 ટકાની આસપાસ મત મળ્યા. જ્યારે AIMIMના અખ્તર ઉલ ઈમાનને 55ટકાથી વધુ મત મળ્યા. આ જ રીતે બહાદુરગંજ સીટ પર કોંગ્રેસના તૌસીફને 10 ટકા મતોથી સંતોષ કરવો પડ્યો જ્યારે ઓવૈસીની પાર્ટીએ 47 ટકાથી વધુ મતો મેળવ્યા. જેનાથી સ્પષ્ટ થાય છે કે ઓવૈસીએ મહાગઠબંધનની વોટબેંકમાં ગાબડું પાડી તેમની જીતના રસ્તામાં રોડો નાખ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે