ઉદયપુરની ઘટના માટે નુપુર જવાબદાર, તેમની ટિપ્પણી બધાની સુરક્ષા માટે જોખમ બની, SC ની 7 મહત્વની વાતો

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટે ખુબ આકરી ટિપ્પણી કરી છે. નુપુરની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. 

ઉદયપુરની ઘટના માટે નુપુર જવાબદાર, તેમની ટિપ્પણી બધાની સુરક્ષા માટે જોખમ બની, SC ની 7 મહત્વની વાતો

Nupur Sharma: પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટે ખુબ આકરી ટિપ્પણી કરી છે. નુપુરની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. એટલું જ નહીં કોર્ટે એ પણ સવાલ ઊભો કર્યો કે નુપુર શર્માને જોખમ છે કે તેઓ સુરક્ષા માટે જોખમ બની ગયા છે? આગળ એમ પણ કહેવાયું કે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા માટે આવા નિવેદનબાજી જ જવાબદાર છે.

નુપુર શર્માએ ટીવી ચેનલની એક ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ દેશભરમાં તેમનો વિરોધ થયો અને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. અનેક જગ્યાએ હિંસા પણ થઈ. આ ટિપ્પણીની ગૂંજ અન્ય દેશોમાં પણ જોવા મળી. ત્યારબાદ ભાજપે પણ કડકાઈ દેખાડતા નુપુર શર્માને  ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા. નુપુર શર્મા વિરુદ્ધ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હતી. હવે આ ફરિયાદો વિરુદ્ધ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીઓેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી સાથે નુપુરે એમ પણ કહ્યું હતું કે તમને સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. 

સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની મહત્વની વાતો...

1. પયગંબર મોહમ્દમ પર ટિપ્પણી મામલે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી. તેમનું કહેવું હતું કે તેમને સતત હત્યા અને રેપની ધમકી મળી રહી છે. આવી સ્થિતિમાં તેમના માટે તપાસમાં સહયોગ માટે અલગ અલગ શહેરોમાં જવું શક્ય નથી. સુપ્રીમે પયગંબર મોહમ્મદ પર કરાયેલી ટિપ્પણી મામલે નારાજગી વ્યક્ત કરી. કહ્યું કે તેમની ટિપ્પણીએ દેશભરમાં  ભાવનાઓ ભડકાવી છે. 

2. સુપ્રીમે નુપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમે કહ્યું કે તેમણે અને તેમના નિવેદને દેશમાં આગ લગાવી દીધી છે. ટીવી ચેનલ અને નુપુર શર્માએ આવા મામલા સંલગ્ન એવા કોઈ પણ એજન્ડાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં જે કોર્ટમાં વિચારણા હેઠળ છે. 

3. નુપુર શર્મા તરફથી વરિષ્ઠ વકીલ એડવોકેટ મનિનંદર સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમણે ટિપ્પણી માટે માફી માંગી અને ટિપ્પણીઓને પાછી પણ લીધી છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માને માફી માંગવામાં અને નિવેદન પાછું ખેંચવામાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 

4. સુપ્રીમ કોર્ટે ઉદયપુરવાળી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. કહ્યું કે ઉદયપુર સહિત દેશભરમાં જે થયું તે બધા માટે નુપુર જવાબદાર છે. તેમની ટિપ્પણી બધાની સુરક્ષા માટે જોખમ બની ગઈ છે. અત્રે જણાવવાનું કે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. કન્હૈયાલાલના પુત્રએ ભૂલથી ફેસબુક પર નુપુરના સમર્થનવાળી પોસ્ટ કરી હતી. હાલ હત્યાના બંને આરોપીઓની ધરપકડ થઈ છે. 

5. સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે નુપુરને જીવનું જોખમ છે. જેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તેમને ખતરો છે કે તેઓ સુરક્ષા માટે ખતરો બની ગયા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પ્રકારે સમગ્ર દેશમાં ભાવનાઓને ભડકાવવામાં આવી, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તેઓ જવાબદાર છે. સુપ્રીમે કહ્યું કે તેમણે તથા તેમની જીભે સમગ્ર દેશમાં આગ લગાવી દીધી છે. તેમનો (લોકોનો) આ ગુસ્સો આ જ કારણે હતો. 

6 કોર્ટે કહ્યું કે અમે ડિબિટ જોઈ છે. તેમને ભડકાવવાની કોશિશ થઈ. પરંતુ ત્યારબાદ તેમણે જે કઈ  કહ્યું તે શરમજનક છે. તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. 

7. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસે જે કઈ કર્યું તેના પર અમારું મોઢું ન ખોલાવો. તેમણે હવે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવું જોઈએ. આ ટિપ્પણી તેમનું ઘમંડી વલણ દર્શાવે છે. જો તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે તો તેમને કઈ પણ કહેવાનો હક મળી જશે? નુપુરના વકીલ મનિન્દર સિંહે જ્યારે કહ્યું કે એંકરના સવાલ પર તેમણે જવાબ આપ્યો તો કોર્ટે ક હ્યું કે આવા સંજોગોમાં તો એંકર ઉપર પણ કેસ ચાલવો જોઈએ. કોર્ટની કડક ટિપ્પણી બાદ નુપુર શર્માએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news