New Parliament Inauguration: કેમ અનોખી છે નવા ભારતની નવી સંસદ? જાણો નવી સંસદની ખાસિયતો

New Parliament Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન કરવાના છે. નવી સંસદમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તો આ નવી સંસદ સ્વદેશી છે તથા તેમાં આધુનિક ભારતની ઝલક જોવા મળશે. 

New Parliament Inauguration: કેમ અનોખી છે નવા ભારતની નવી સંસદ? જાણો નવી સંસદની ખાસિયતો

નવી દિલ્હીઃ ભારતની નવી સંસદ ઘણી રીતે અનોખી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. સંસદમાં અત્યાધુનિક સુવિધાઓની સાથે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઝલક તમામ જગ્યાએ જોઈ શકાય છે. શું છે સંસદની ખાસિયતો, જોઈએ આ અહેવાલમાં..

ભારતે આઝાદી મેળવી ત્યારથી અત્યાર સુધી દેશનો કારભાર જે સંસદભવનમાં ચાલતો હતો, તે સંસદ ભારતમાં તો હતી, પણ તેને તૈયાર કરાવનારા વિદેશી હતા. 1947માં જ્યારે ભારતને અંગ્રેજો પાસેથી સત્તાની કમાન મળી, ત્યારે અંગ્રેજોએ બનાવેલી સંસદમાં જ સ્વતંત્ર ભારતનો કારભાર શરૂ થયો. 

સમય વિતતો ગયો. ભારતે દરેક મોરચે આગેકૂચ કરી, વિકાસ કર્યો. દેશની લોકશાહી પરિપક્વત થતી ગઈ. પણ સંસદની ઈમારત નબળી પડવા લાગી. અનેક વખત ઈમારતનું સમારકામ કરવામાં આવ્યું. આ ઉપરાંત સંસદની ઈમારતમાં જગ્યા પણ ઓછી પડતી હતી. જેને જોતાં કેન્દ્ર સરકારે 2020માં જૂના સંસદ ભવનની પાસે જ નવું સંસદ ભવન બનાવવાનો નિર્ણય લીધો અને અઢી વર્ષમાં સંસદની ઈમારત તૈયાર પણ થઈ ગઈ..

નવું સંસદ ભવન આમ તો ઘણી રીતે અનોખું છે, પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ઈમારતના નિર્માણમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, તેનું મૂળ દેશમાં જ છે. 

સંસદના સ્વદેશીપણા પર નજર કરીએ તો સંસદ ભવનમાં નાગપુરથી મંગાવવામાં આવેલા સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે. માર્બલ રાજસ્થાનના સરમથુરાથી મંગાવવામાં આવ્યું હતું. સંસદભવનમાં જે સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે, તે અંબાજીની ખાણમાંથી મોકલાયું હતું. જ્યારે ગ્રીન સ્ટોન ઉદયપુરથી મોકલવામાં આવ્યા. પથ્થર પર કોતરણી આબુ રોડ અને ઉદયપુરમાં કરાઈ છે. તો બ્રાસ વર્કને અમદાવાદથી ખરીદવામાં આવ્યા છે. સંસદભવનમાં જે જાળીદાર પથ્થર લગાવાયા છે, તે રાજસ્થાનના રાજનગર અને નોઈડાથી મોકલાયા હતા. સંસદમાં જે કાર્પેટ પાથરવામાં આવ્યા છે, તે યુપીના મિર્ઝાપુરમાં બનેલા છે. સંસદભવનના ભોંયતળિયાને બનાવવા માટે ત્રિપુરાના ખાસ વાંસનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવન પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રચિહ્ન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરમાં બનેલા છે. સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનેલું છે. જ્યારે સંસદ ભવનનું ફર્નિચર મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. 

એટલે કે નવી સંસદનું નિર્માણ ભારતની વસ્તુઓમાંથી જ કરાયું છે અને ઈમારતનું નિર્માણ ભારતીયોએ જ કર્યું છે. ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી વાત એ છે કે નવા સંસદ ભવનના આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર ગુજરાતી છે. 

મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે ટાટા પ્રોજેક્ટ્સે સંસદ ભવનનું નિર્માણ કર્યું છે, જ્યારે આર્કિટેક્ટ બિમલ પટેલની કંપની HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે સંસદ ભવનની ડિઝાઈન તૈયાર કરી છે. 

નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ સમગ્ર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન અને ડિઝાઈન બિમલ પટેલે જ તૈયાર કર્યા છે. આ પ્રોજક્ટના કન્સલટન્ટ તરીકે તેમને 229 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. દેશના આર્કિટેક્ટ જગતમાં ટોચના નામોમાં સામેલ બિમલ પટેલ કાશી વિશ્વનાથ કોરિડોર અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ઘણા મોટા પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર કરી ચૂક્યા છે. 

ટાટા ગ્રુપે 861 કરોડ રૂપિયાની બિડ લગાવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. એલ એન્ડ ટી અને ટાટાની બિડ વચ્ચે ફક્ત 3 કરોડ રૂપિયાનો તફાવત હતો. ટાટા જૂથ તેની વિશ્વસનીયતા માટે જાણીતું છે. હવે નવી સંસદના નિર્માણ સાથે પણ ટાટાનું નામ જોડાઈ ગયું છે, કેમ કે નવી સંસદની આવરદા 150 વર્ષની છે.

નવા સંસદ ભવનના નિર્માણમાં વાસ્તુશાસ્ત્ર અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર સંસદ પરિસરમાં મૂર્તિઓ, પેઈન્ટિંગ, સુશોભન, વોલ પેનલ્સ તમજ પથ્થર અને મેટલના સ્થાપત્યના પાંચ હજાર જેટલા પીસ મૂકવમાં આવ્યા છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહાત્મય છે. સંસદ ભવનના મુખ્ય ત્રણ દ્વારને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયા છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ નમૂનો બની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news