MP: BSP સાથે મેળ ન પડ્યો, હવે આ એક સીટના કારણે કોંગ્રેસને બીજા સાથે પણ ગઠબંધનમાં મુશ્કેલી
વિધાનસભા ચૂંટણીના એલાન અગાઉ કોંગ્રેસ અને બસપાના ગઠબંધન અંગે સૌથી વધુ અટકળો થઈ રહી હતી પરંતુ એમ શક્ય બન્યુ નહીં.
Trending Photos
ભોપાલ: વિધાનસભા ચૂંટણીના એલાન અગાઉ કોંગ્રેસ અને બસપાના ગઠબંધન અંગે સૌથી વધુ અટકળો થઈ રહી હતી પરંતુ એમ શક્ય બન્યુ નહીં. હવે કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં મજબુત મૂળિયા ધરાવતી જય આદિવાસી યુવા શક્તિ (જયસ) સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી રહી છે પરંતુ એક સીટના કારણે મામલો અટકી પડતો જોવા મળી રહ્યો છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સંભવિત ગઠબંધન મુદ્દે જયસે કોંગ્રેસ પાસે માગણી કરતા કહ્યું છે કે તે આદિવાસી બહુમતીવાળી સીટ કુકસી પર પોતાની દાવેદારી છોડી દે. કોંગ્રેસનો આ સીટ પર છેલ્લા 3 દાયકાથી કબ્જો છે. આથી કોંગ્રેસ તેના પર પોતાની દાવેદારી છોડવાના જરાય મૂડમાં નથી. બીજી બાજુ જયસ આ સીટ માટે એટલા માટે અડી ગઈ છે કારણ કે પાર્ટીનું હેડક્વાર્ટર આ સીટ અંતર્ગત આવે છે અને અહીં તેનો સારો એવો પ્રભાવ ગણાય છે.
કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધન અંગે જયસના રાષ્ટ્રીય સંરક્ષક ડો.હીરાલાલ અલાવાએ કહ્યું કે કોંગ્રેસ અમારી સાથે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પૂર્વ ગઠબંધન માટે વાતચીત કરી રહી છે. આ વચ્ચે મધ્ય પ્રદેશ કોંગ્રેસના એક નેતાએ નામ ન જણાવવાની શરતે એ વાતની પુષ્ટિ કરી છે કે જયસ સાથે ગઠબંધન માટે ચર્ચા ચાલી રહી છે.
આ મામલે એક બીજો પેંચ એ ફસાઈ રહ્યો છે કે કોંગ્રેસના સૂત્રો મુજબ જયસે 230 વિધાનસભા સીટોમાંથી 40 સીટો માંગી છે પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે પાર્ટી એટલી બેઠકો આપી શકે નહીં. કોંગ્રેસના સૂત્રોનું એમ પણ કહેવું છે કે જ્યારે બસપા લગભગ એટલી જ બેઠકો માંગી રહી હતી તો પણ કોંગ્રેસે તેની સાથે ગઠબંધન કર્યું નથી તો હવે આ નવા પક્ષ જયસને આટલી સીટો આપવી યોગ્ય લાગતું નથી.
જયસ
'અબકી બાર મધ્ય પ્રદેશમેં આદિવાસી સરકાર' નો નારો આપનાર જયસના રાષ્ટ્રીય સંરક્ષક ડો.હીરાલાલ અલાવાએ કહ્યું કે "જયસ મુખ્ય રીતે પશ્ચિમી મધ્ય પ્રદેશના અલીરાજપુર, રતલામ, ઝાબુઆ, ધાર, ખરગોન, બુરહાનપુર, ખંડવા, દેવાસ અને બડવાની જિલ્લાઓ અંતર્ગત આવનારી વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરશે. કારણ કે આ વિસ્તારોમાં આદિવાસી મતદારો મોટી સંખ્યામાં છે."
તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે પ્રી પોલ ગઠબંધન કરવા માટે 230 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો માંગી છે. અલાવાએ કહ્યું કે અમારું ધ્યાન ખાસ કરીને પશ્ચિમ મધ્ય પ્રદેશ સ્થિત માલવા-નિમાડની 66 વિધાનસભા બેઠકોમાંથી 28 બેઠકો પર રહેશે. આ 28 સીટોમાંથી 22 સીટો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે અને આ 22 સીટોમાંથી કોંગ્રેસની ઝોળીમાં માત્ર 5 બેઠકો જ છે.
તેમણે કહ્યું કે જયસે બે ઓક્ટોબરના રોજ ધાર જિલ્લાના કુક્ષીમાં 'કિસાન પંચાયત' કરી હતી. તેમા એક લાખથી વધુ આદિવાસી યુવાઓ સામેલ થયા હતાં. તેણે અમને બતાવી દીધુ કે માલવા-નિમાડમાં અમારી શું તાકાત છે.
માલવા-નિમાડ અંચલ
વર્ષ 2013ની ગત વિધાનસભા ચૂંટણીમાં માલવા-નિમાડની આ 66 બેઠકોમાંથી ભાજપે 56 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 9 બેઠકોથી સંતોષ કરવો પડ્યો હતો. ભાજપના બળવાખોર નેતાના ફાળે એક સીટ ગઈ હતી. જેણે પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
(ઈનપુટ-ભાષામાંથી પણ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે