દેશમાં આજે ઓમિક્રોનના 30 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 145 થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ
ભારતમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધી દેશના 12 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે 30 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 12 કેસ તેલંગણામાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 6 અને કેરલમાં પણ 4 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની કુલ સંખ્યા 145 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત 28 દર્દી સાજા થઈ ગયા છે. ઓમિક્રોનના ખતરાને જોતા ચંડીગઢમાં તંત્રએ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે પણ વેરિએન્ટને જોતા પગલા ભર્યા છે.
ક્યાં કેટલા કેસ
કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કેસ મળી ચુક્યા છે. તેમાં મહારાષ્ટ્ર (48), દિલ્હી (22), તેલંગાણા (20), રાજસ્થાન (17), કર્ણાટક (14), કેરળ (11), ગુજરાત (7), ઉત્તર પ્રદેશ (2), આંધ્રપ્રદેશ (1), તમિલનાડુ ( 1 ), બંગાળ (1) અને ચંદીગઢ (1) રાજ્ય સામેલ છે.
કર્ણાટકમાં ઓમિક્રોનના 14 કેસ
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી સુધાકરે શનિવારે જણાવ્યુ કે, રાજ્યમાં ઓમિક્રોનના નવા છ કેસ સામે આવ્યા છે. છમાંથી 5 દક્ષિણ કન્નડ જિલ્લાની બે શૈક્ષણિક સંસ્થાઓમાં સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે આ સાથે કર્ણાટકમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં Omicron ના 8 નવા કેસ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી લઈને BMCએ જાહેર કરી ગાઇડલાઇન
મહારાષ્ટ્રમાં કુલ 48 કેસ
તો પુણેના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં શનિવારે ઓમિક્રોનના આઠ નવા કેસ સામે આવ્યા છે. પશ્ચિમી મહારાષ્ટ્રના સતારામાં યુગાન્ડાથી આવેલા એક દંપતિ અને તેમની 13 વર્ષીય પુત્રીમાં ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થઈ છે. દંપતિની બીજી એક પુત્રી પાંચ વર્ષની છે તે પણ કોરોના પોઝિટિવ આવી છે. રાહતની વાત છે કે બાળકીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે, ચારેયના નમુના જીનોમ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ શનિવારે આવ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો 48 થઈ ગયો છે.
દિલ્હી સરકારે ચાર ખાનગી હોસ્પિટલમાં બનાવ્યું ઓમિક્રોન સેન્ટર
તો ઓમિક્રોનની વધી રહેલી ચિંતાઓ વચ્ચે દિલ્હી સરકારે શનિવારે મોટું પગલું ભરતા ચાર ખાનગી હોસ્પિટલોને ઓમિક્રોન સમર્પિત કેન્દ્રોમાં ફેરવી નાખી છે. આ ચાર હોસ્પિટલોમાં સર ગંગા રામ હોસ્પિટલ, મૈક્સ (સાકેત), ફોર્ટિસ (વસંત કુંજ) અને બત્રા હોસ્પિટલ (તુગલકાબાદ) સામેલ છે. હવે લોક નાયક જય પ્રકાશ સહિત દિલ્હીની કુલ પાંચ હોસ્પિટલમાં ઓમિક્રોનના સંક્રમિતોને સારવાર મળશે. મહત્વનું છે કે દિલ્હીમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 22 કેસ સામે આવ્યા છે.
દેશમાં ઘટી રહ્યાં છે કોરોના કેસ
દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય કેસ પણ સતત ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક્ટિવ કેસમાં 1850નો ઘટાડો થયો છે. વર્તમાનમાં એક્ટિવ કેસ ઘટીને 84,565 રહી ગયા છે, જે કુલ કેસના 0.24 ટકા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
24 કલાકમાં નવા કેસ 7145
કુલ એક્ટિવ કેસ 84565
24 કલાકમાં રસી કરણ 62.06 લાખ
કુલ રસીકરણ 137.47 કરોડ ડોઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે