અસિત વોરા અને હેડક્લાર્ક પેપરની અવળી ગણતરી શરૂ? CM નિવાસ સ્થાને હાઇલેવલ બેઠક શરૂ
Trending Photos
ગાંધીનગર : ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ છે. આ પરીક્ષા રદ્દ કરવી કે યથાવત્ત રાખવી તે અંગેનો નિર્ણય લેવાની સાથે સાથે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે કેમ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ સાથે જ ભાજપ હાઇકમાન્ડ પણ સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યું છે.
ગૌણસેવા પસંદગી મંડળના ભરતી કૌભાંડની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ અલગ અલગ લોકોના નામ ખુલવાની સાથે સાથે અલગ અલગ ભરતીઓમાં પણ કૌભાંડ થયાનું ખુલી રહ્યું છે. જેના કારણે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ચુકી છે. જેના પગલે મુખ્યમંત્રી દ્વારા મોડી રાત્રે અધિકારીઓ અને પદસ્થ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૌણસેવા પસંદગી મંડળના અધિકારીઓ ઉપરાંત સરકારનાં કેટલાક મંત્રીઓ પણ હાજર છે. ZEE 24 KALAK અગાઉ પણ જણાવી ચુક્યું છે તેમ આ પરીક્ષા રદ્દ થાય તેવી પુરેપુરી શક્યતા છે. જે અંગેની ઔપચારિક જાહેરાત સોમવારે થશે.
પેપર લીકકાંડમાં ગૌણસેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે પણ કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી રહી છે. યુવરાજ સિંહ દ્વારા પણ આ અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મંત્રીમંડળ અને ધારાસભ્યો સહિત સરકારના અનેક લોકો પણ અસિત વોરાની હકાલપટ્ટી અંગેની માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપનાં સિનિયર આગેવાનો આ મુદ્દે હાઇકમાન્ડ સાથે પણ સતત સંપર્કમાં છે. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે