Monkeypox News: શું શારીરિક સંબંધ બનાવવાથી મંકીપોક્સ થઈ શકે? ખાસ જાણો એક્સપર્ટ્સનો મત

શું મંકીપોક્સ શારીરિક સંબંધ બનાવવાથી પણ ફેલાઈ શકે છે? આ મામલે WHO ના પ્રમુખ ડો.ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે શું કહ્યું તે ખાસ જાણો. 

Monkeypox News: શું શારીરિક સંબંધ બનાવવાથી મંકીપોક્સ થઈ શકે? ખાસ જાણો એક્સપર્ટ્સનો મત

Monkeypox Virus: દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યાં હવે નવી બીમારી મંકીપોક્સના કારણે ચિંતાના વાદળ ઘેરાયા છે.  ભારતમાં આ બીમારીના કેસ વધી રહ્યા છે. હવે દિલ્હીમાં મંકીપોક્સનો એક વધુ શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. દર્દી હાલ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે. એવું કહેવાય છે કે વ્યક્તિની ત્વચા પર ચકામા અને તાવ જેવા વાયરસના લક્ષણ છે. દર્દીના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કે હજુ રિપોર્ટ આવ્યો નથી. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 4 કેસ નોંધાઈ ચૂક્યા છે. 

આવામાં એવી અટકળો છે કે શું મંકીપોક્સ શારીરિક સંબંધ બનાવવાથી પણ ફેલાઈ શકે છે? આ મામલે WHO ના પ્રમુખ ડો.ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું કે આ બીમારી માત્ર પુરુષો સાથે શારીરિક સંબંધ રાખનારા પુરુષોમાં જ જોવા મળી છે. ખાસ કરીને એવા લોકો કે જેમના એક કરતા વધુ પાર્ટનર્સ રહ્યા છે. 

તેમણે વધુમાં કહ્યું કે આથી એ જરૂરી છે કે તમામ દેશ એવા પુરુષોના સમુદાયોની સાથે મળીને કામ કરે, જે પુરુષો સાથે શારીરિક સંબંધ ધરાવે છે. પ્રભાવી જાણકારી અને સેવાઓને વિતરિત કરતા રહો અને એવા ઉપાયો અજમાવો જે પ્રભાવિત સમુદાયોના સ્વાસ્થ્ય, માનવાધિકારો અને ગરિમાની રક્ષા કરે છે. 

ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ત્વચા રોગ વિભાગના પ્રમુખ ડો.કરીબ સરદાનાએ પણ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લખેલા લેખમાં લોકોને મંકીપોક્સ અંગે જાણકારી આપી. તેમણે લોકોને સુરક્ષિત સેક્સની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મંકીપોક્સ અને અનસેફ સેક્સ વચ્ચે સંબંધ સામે આવી રહ્યા છે. 

ડો.કરીબ સરદાનાએ વધુમાં જણાવ્યું કે જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીએ યુરોપ અને યુકેના છ ક્લસ્ટરના વિશ્લેષણમાં જાણ્યું છે કે આ સંક્રમણ પુરુષોને થયું છે અને ચહેરા, પગ કે હાથ કરતા વધુ ગુદા અને અન્ય ગુપ્તાંગો પર તેની અસર જોવા મળી છે. યુકે અને ન્યૂયોર્ક સિટીના ડેટા બાદ સેક્સ્યુઅલ કોન્ટેક્ટને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. ખાસ કરીને કોન્ડોમના ઉપયોગની સલાહ આપવામાં આવે છે. 

તેમણે કહ્યું કે સંક્રમણ ફેલાવવાનો આ એકમાત્ર રસ્તો નથી, પરંતુ કોઈ પણ પ્રકારના નીકટના સંપર્કથી પણ આ રોગ ફેલાઈ શકે છે. એક અન્ય વિશેષજ્ઞ ડો.દીપાલી ભારદ્વાજે (વરિષ્ઠ ત્વચા વિશેષજ્ઞ) ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે મંકીપોક્સ સેક્સથી ફેલાઈ શકે છે. આઈસોલેશન જ તેનો ઈલાજ છે. તેમણે ફેસ માસ્ક, હાથની સ્વચ્છતા અને સામાજિક અંતરના ઉપયોગ પર ભાર મૂક્યો. 

શું છે મંકીપોક્સ?
મંકીપોક્સ એક વાયરલ જૂનોટિક બીમારી છે જેમાં ચિકનપોક્સ જેવા લક્ષણ હોય છે. તે વેરિયોલા વાયરસના પરિવારનો એક ભાગ છે. જે જીનસ ઓર્થોપોક્સવાયરસ સંબંધિત છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિમાં પણ તે ફેલાય છે. મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શવા ઉપરાંત તેના કપડાં, ટુવાલ, બેડ, વગેરે શેર કરવાથી પણ ચેપ ફેલાય છે. 

મંકીપોક્સના લક્ષણ
મંકીપોક્સથી સંક્રમિત થયા બાદ 5થી 21 દિવસની અંદર વ્યક્તિમાં તેના લક્ષણો જોવા મળે છે. સંક્રમિત વ્યક્તિને ખુબ તાવ, માથાનો દુખાવો, શરીરનું કળતર, કમરનો દુખાવો, ઠંડી લાગવી, અને થાક જેવા પ્રાથમિક લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ શરીર પર લાલ ચકામા જોવા મળે છે. ચહેરા ઉપરાંત શરીરના બીજા ભાગમાં પણ તે જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news