તમને 33 હજારનો ફાયદો કરાવી મોદી સરકારે સેટ કરી દીધો લોકસભા ચૂંટણીનો એજન્ડા, 2024 સુધી ગાજશે
Budget 2023: બજેટ 2023-24 મોદી સરકાર 2.O નું સંપૂર્ણ બજેટ હતું. ટેક્સમાં મોટી છૂટ આપીને સરકારે મોટો ચૂંટણી દાવ ચાલ્યો છે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફંડ વધારી એજન્ડા સેટ કરી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારે એજન્ડો સેટ કરી દીધો છે. આવકવેરો ભરનાર માટે સરકારે મોટી રાહત આપવાની સાથે પીએમ આવાસ યોજનાનું બજેટ પણ વધારી દીધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી છે કે હવે જૂની આવકવેરા વ્યવસ્થાને ખતમ કરી દેવામાં આવી છે, સાથે નવી સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ આપવો પડશે નહીં.
દેશમાં 8 કરોડ લોકો ટેક્સ આપે છે અને જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં તેની સંખ્યા 1 કરોડ 33 લાખને નજીક છે. જે રીતે ટેક્સ ઘટાડવામાં આવ્યો છે તે પ્રમાણે વધુમાં વધુ 33800 રૂપિયા સુધી લોકોને ફાયદો થવાનો છે. સ્વાભાવિક છે કે આનો સીધો ફાયદો માત્ર કરદાતાઓને જ નહીં, હાથમાં પૈસા વધશે તો વપરાશ પણ વધશે. આનું પરિણામ એ આવશે કે અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને રોજગારના સાધનો પણ વધશે.
ચૂંટણી પહેલા આવકવેરા મુક્તિ એ હાલના સમયમાં મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય છે, જેનો સીધો ફાયદો લોકોને થવાનો છે. આ સાથે મોદી સરકારે વર્ષ 2015માં શરૂ થયેલી પીએમ આવાસ યોજના પર બજેટમાં વધારો કર્યો છે. આ યોજનાએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણના એલાન પ્રમાણે પીએમ આવાસ યોજનામાં પાછલા બજેટની તુલનામાં 66 ટકાથી વધુ ફાયદો થયો છે. વર્ષ 2022-2023માં આ યોજનામાં 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે બજેટમાં 79 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
પીએમ આવાસ યોજના પ્રધાનમંત્રી મોદીની મહત્વકાંક્ષી યોજના છે. સરકાર તરફથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.95 કરોડ લોકોને ઘર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2.49 કરોડ લોકોને તેનો લાભ મળ્યો છે. આ સાથે ડિસેમ્બર 2022માં 2.10 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. આ યોજનાની અસર તેના કારણે 2019ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓએ ભાજપને ભારે મતદાન કર્યું હતું. એકંદરે, જે થવાનું હતું તે થયું. મોદી સરકારે આર્થિક મોરચે લોકસભા ચૂંટણીનો એજન્ડા નક્કી કર્યો છે.
નોંધનીય છે કે આ વર્ષે મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, મિઝોરમ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ સાથે લોકસભા ચૂંટણી 2024માં થશે.
પરંતુ મોદી સરકારના આ બજેટથી વિપક્ષના નેતા ખુશ નથી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યુ- ન કિસાન, ન જવાન અને ન યુવાન, આ બજેટમાં નથી કોઈ જોગવાઈ, અમૃતકાળમાં અમૃત માટે તરસી રહ્યાં છે સામાન્ય માણસ.
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, ભાજપની બજેટ મોંઘવારી તથા બેરોજગારી બંનેને વધારે છે. અખિલેશે ટ્વીટ કર્યું- ભાજપા પોતાના બજેટનો દાયકો પૂરો કરી રહ્યું છે, પરંતુ જ્યારે જનતાને પહેલા કંઈ ન આપ્યું તો હવે શું આપશે. તેમણે કહ્યું, ભાજપનું બજેટ મોંઘવારી અને બેરોજગારીને વધારે છે. કિસાન, મજૂર, યુવા, મહિલા, નોકરીયાત, વેપારી વર્ગમાં તેનાથી આશા નહીં નિરાશા વધે છે કારણ કે આ કેટલાક લોકોને લાભ પહોંચાડવા માટે બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે