મિઝોરમ ચૂંટણી 2018: ઉત્તરપૂર્વના એકમાત્ર રાજ્યમાં પણ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા, ચોથા ધારાસભ્યએ પાર્ટી છોડી

કોંગ્રેસનો ગઢ ગણાતા મિઝોરમમાં તેનો પાયો હચમચી રહ્યો છે, અત્યાર સુધી તેના ચાર ધારાસભ્યો પાર્ટી છોડીને જતા રહ્યા છે, સોમવારે પણ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય મિંગદાઈલોવા ખિયાંગતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે

મિઝોરમ ચૂંટણી 2018: ઉત્તરપૂર્વના એકમાત્ર રાજ્યમાં પણ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા, ચોથા ધારાસભ્યએ પાર્ટી છોડી

નવી દિલ્હી/આઈઝોલઃ દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. તેમાંનું એક રાજ્ય મિઝોરમ પણ છે. ઉત્તરપૂર્વમાં એકમાત્ર રાજ્ય છે જ્યાં અત્યાર સુધી માત્ર કોંગ્રેસની જ સત્તા રહી છે. જોકે, આ વખતે જે રીતે એક પછી એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે તે જોતાં લાગે છે કે મિઝોરમમાં પણ કોંગ્રેસના કાંગરા ખરવાની હવે શરૂઆત થઈ ગઈ છે. મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. 

સોમવારે પક્ષના એક વરિષ્ઠ ધારાસભ્ય મિંગદાઈલોવા ખિયાંગતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 30 રહી ગઈ છે. 

મિઝો નેશનલ ફ્રન્ટના 6 ધારાસબ્યો છે, જ્યારે 4 બેઠક ખાલી છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. પાર્ટી છોડનારા ખિંગાયતે હજુ સુધી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું નથી અને તેઓ કઈ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે તેની પણ સ્પષ્ટતા કરી નથી. 

જે રીતે નેતાઓ કોંગ્રેસમાંથી સરકી રહ્યા છે તે જોતાં આ રાજ્યમાં પણ કોંગ્રેસ માટે માર્ગ મુશ્કેલ જણાઈ રહ્યો છે. 

પક્ષના નંબર-2 નેતાએ સૌથી પહેલા છોડી પાર્ટી
સૌથી પહેલા મિઝોરમના ગૃહમંત્રી આર. લાલજિરિલિયાનાએ કોંગ્રેસનો ત્યાગ કર્યો હતો. તેઓ પક્ષમાં બીજા નંબરના નેતા છે. મુખ્યમંત્રી લલથનહાવલા બાદ પક્ષમાં તેમનું બીજા નંબરનું સ્થાન હતું. તેમણે 12 ઓક્ટોબરે પક્ષ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને 15 ઓક્ટોબરના રોજ મુખ્ય વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયા હતા.

ત્યાર પછી આરોગ્યમંત્રી લલરિનલિયાના સેલોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. તેઓ પણ મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયા છે. 

કોંગ્રેસને ત્રીજો ઝટકો ધારાસભ્ય બુદ્ધા ધન ચકમાએ આપ્યો હતો. પૂર્વ મત્સ્યપાલન મંત્રીએ 16 ઓક્ટોબરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. 

What lures me to this place, other than its compelling beauty, is Mizoram's organic and fresh fruits & vegetables. On my way back to #Guwahati stepped out to shop near Lengpui airport at #Aizwal.#AmazingNorthEast @BJP4Mizoram pic.twitter.com/EKqmDz5Ao3

— Himanta Biswa Sarma (@himantabiswa) October 18, 2018

મિઝો નેશનલ ફ્રન્ટ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શક્યતા
ભાજપના અધ્યક્ષ અમિતા શાહ અગાઉ કહી ચૂક્યા છે કે, મિઝોરમના લોકો હવે પછીની ક્રિસમસ ભાજપ સરકાર સાથે ઉજવશે. આ ચૂંટણીમાં ભાજપે કોઈની સાથે ગઠબંધન કર્યું નથી, પરંતુ ચૂંટણી બાદ તે મિઝો નેશનલ ફ્રન્ટ સાથે ગઠબંધન કરી શકે છે. 

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ મુખ્ય વિરોધ પક્ષ છે. આ પક્ષની સ્થાપના 1959માં મિઝો નેતા લાલડેંગાએ કરી હતી. તેઓ ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા. અત્યારે જોરામથાંગા મિઝો નેશનલ ફ્રન્ટના મુખ્ય નેતા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news