મહારાષ્ટ્રઃ મરાઠાને મળશે 16% અનામત, પહેલાની 52% અનામત યથાવત રહેશે
મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, તેઓ રાજ્યમાં અગાઉથી લાગુ થયેલી 52 ટકા અનામત સાથે કોઈ પણ છેડછાડ કર્યા વગર મરાઠા સમાજના લોકોને અનામત આપશે
Trending Photos
દીપક ભાતુસે, મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે, તેમની સરકાર મરાઠા સમાજના લોકોને અનામત આપશે. મંગળવારે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, 52 ટકા અનામતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર મરાઠા સમાજને અલગથી અનામતની જોગવાઈ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, મરાઠા સમાજને સ્વતંત્ર રીતે અનામત આપવામાં આવશે અને આ નિર્ણય અંગે તેમની સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, રાજ્ય સરકાર મરાઠા સમાજને 16% અનામત આપવાનું વિચારી રહી છે. મંત્રીમંડળની પેટા-સમિતીની બેઠકમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપવા અંગે ચર્ચા થઈ છે. કોંગ્રેસ દ્વારા પણ સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતીને મરાઠા સમાજના લોકોને 16 ટકા અનામત આપવાની ભલામણ હતી. એવું કહેવાય છે કે, સામાજિક-શૈક્ષણિક આધારે મુલ્યાંકન કરીને મરાઠા સમાજને અનામતનો લાભ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે મરાઠા સમાજને આપવામાં આવનારી અનામતના બીલને વિધાનસભામાં મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનામતની માગ સાથે મરાઠા સમાજ છેલ્લા એક વર્ષમાં બે મોટા આંદોલન કરી ચૂક્યા છે.
આ અગાઉ મરાઠા સમુદાય માટે અનામતની ભલામણ કરનારી રાજ્યની પછાત વર્ગ આયોગની રિપોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે મંગળવારે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. વિરોધ પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) છેલ્લા એક અઠવાડિયાથી આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવાની માગ કરી રહ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ હરિભાઉ બાગડેએ મંગળવારે ગૃહની બેઠક શરૂ થતાં જ પ્રશ્નકાળની જાહેરા કરી હતી. એ સમયે ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા વિજય વડ્ડેટિવારે ગૃહને 10 મિનિટ માટે સ્થગિત કરવાની વિનંતી કરી, કેમ કે વિધાનસભા પરિસરમાં વિવિધ પક્ષોના નેતાઓની બેઠક ચાલી રહી હતી. બગડેએ ત્યાર બાદ નીચલા ગૃહની કાર્યવાહીને 10 મિનિટ સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ ગૃહના અધ્યક્ષ સુભાષ સાબને બેઠકને બપોરે 12.15 સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
આ અગાઉ વિરોધ પક્ષના એક નેતાએ વિધાનસભાની બહાર જણાવ્યું કે, રાજ્ય સરકારે રિપોર્ટને ગૃહમાં રજુ કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, 'અમને કહેવાયું છે કે, એક ખરડાને બંને ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેને કોઈ પણ જાતની ચર્ચા વગર પસાર કરવાનો છે.'
ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામત મુદ્દે મંત્રીમંડળની પેટા સમિતીનું નેતૃત્વ કરી રહેલા મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટિલે સોમવારે પત્રકારોને જણાવ્યું કે, સરકાર વિધાનસભાનું શિયાળુ સત્ર પુરું થાય એ પહેલાં મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અંતર્ગત અનામત આપવા માટે ગુરુવારે એક ખરડો લાવશે. રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર શુક્રવારે પુરું થવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે