સંકટ સંઘર્ષ સાહસ અને સફળતાઓનો સમન્વય એટલે વર્ષ 2020

દર નવા વર્ષની જેમ વર્ષ 2020 પણ અનેક આશા, અભિલાષાઓ અને અનેક સપનાઓ સાથે શરૂ થયું હતુ. જો કે વર્ષ 2020ની શરૂઆતથી જ ભારત અને વિશ્વસ્તરે અનેક એવી ઘટનાઓએ આકાર લીધો જેના કારણે આ વર્ષ દુનિયાના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી તવારીખમાં તબદીલ થઈ ગયું.

સંકટ સંઘર્ષ સાહસ અને સફળતાઓનો સમન્વય એટલે વર્ષ 2020
  • 2020માં એવી ઘટનાઓ બની જે ક્યારેય ન ભૂલી શકાય તેવી તવારીખ બની ગઈ
  • ચીનની બેદરકારીથી દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
  • WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી
  • કોરોનાથી બચવા દુનિયા લોકડાઉન થઈ, ધંધા-રોજગાર બંધ થતાં અર્થતંત્રને અસર
  • વિશ્વની મહસત્તામાં સત્તા પરિવર્તન આવ્યું, ટ્રંપને હરાવીને જે બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા
  • CAAનો દેશભરમાં વિરોધ અને હિંસક પ્રદર્શનો
  • PM મોદીના હસ્તે રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ: દર નવા વર્ષની જેમ વર્ષ 2020 પણ અનેક આશા, અભિલાષાઓ અને અનેક સપનાઓ સાથે શરૂ થયું હતુ. જો કે વર્ષ 2020ની શરૂઆતથી જ ભારત અને વિશ્વસ્તરે અનેક એવી ઘટનાઓએ આકાર લીધો જેના કારણે આ વર્ષ દુનિયાના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી તવારીખમાં તબદીલ થઈ ગયું. ચીનના વુહાનથી ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલાં જીવલેણ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો. WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી. કોરોનાથી બચવા દુનિયા આખી લોકડાઉન થઈ. ભારત સહિત દુનિયાભરના દેશોમાં લોકડાઉનથી ધંધા-રોજગાર બંધ થતાં અર્થતંત્રને માઠી અસર પડી. રોજગારી માટે પોતાના પરિવાર, પોતાના વતનથી દુર રહેતા લાખ્ખો લોકો લોકડાઉનના લીધે જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા. રોજનું રોજ કમાઈને ખાનારા લાખ્ખો શ્રમ જીવીઓને પગપાળા વતન ભણી હિઝરત કરવાની ફરજ પડી. કોવિડ-19ની મહામારીએ સમગ્ર વિશ્વને એવી સ્થિતિમાં લાવીને મુકી દીધું જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહોંતી કરી. દુનિયાભરમાં કરોડો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં, જેમાંથી સેકડો લોકોએ આ જીવલેણ વાયરસ સામે લડીને મોતને માત આપી...તો કમનસીબે સંખ્યાબંધ લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો. 

આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ આ કપરા કાળમાં કોરોના વોરિયર્સ બનીને ઉભરી આવ્યાં. અનેક સેવાભાવી સંસ્થાઓએ કોરોનાની મહામારીના સમયમાં દિલથી જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી, ખરા મનથી લોકોની સેવા કરી. માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉન જેવા શબ્દો કોરોનાની મહામારીના કારણે લાઈમલાઈટમાં આવ્યાં અને હવે જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા. જીવલેણ વાયરસના સંક્રમણના કારણે આપણાં દરેક તહેવારો અને ધાર્મિક-સામાજિક પ્રસંગોને કોરોનાનું ગ્રહણ લાગ્યું. કોરોનાથી બચવા ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં લોકો મહિનાઓ સુધી પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા. શિક્ષણકાર્ય પણ મહિનાઓ સુધી લોકડાઉનમાં મૂકાયેલું રહ્યું અને ઓનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન મળ્યું. દુનિયાભરના દેશોના વૈજ્ઞાનિકો કોરોનાની રસીની ખોજમાં લાગ્યા. ચીનની બેદરકારીથી ફેલાયેલાં કોરોનાના કારણે દુનિયાભરના દેશોએ ચીન સાથેના સંબંધોથી અંતર બનાવી લીધું. આ તમામ પરિસ્થિતિનો ભારત સહિત દુનિયાના દેશોએ મક્કમતાથી સામનો કર્યો.

India inches towards flattening coronavirus COVID-19 curve, current average  doubling rate of cases stand at 11 days | India News | Zee News

આ ઉપરાંત વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને ટ્રંપને હરાવીને જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં. યુક્રેઈન વિમાન દુર્ઘટનામાં 176 લોકોના મોત. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગથી કોરોડો જાનવરોના મોત. આ ઉપરાંત પણ દેશ અને દુનિયામાં સમગ્ર વર્ષ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની જે યાદગાર રહેશે. આમ, સંકટ સંઘર્ષ સાહસ અને સફળતાઓનો સમન્વય એટલે વર્ષ 2020.

-ભારતની વાત કરીએ તો, JNUમાં હિંસા અને ત્યાર બાદ પ્રદર્શનો અને રાજકારણ. હોસ્પિટલમાં નવજાત શીશુઓના ભેદી મોતની ઘટનાઓ. CAAના કાયદાનો દેશભરમાં વિરોધ અને હિંસક પ્રદર્શનો.
-નિર્ભયાનાં દોષિયોને સાત વર્ષ બાદ ફાંસી. ટ્રીપલ તલાકના પીડીતોને વળતર આપવાની શરૂઆત. અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરના નિર્માણ માટે PM મોદીના હસ્તે ભૂમિપૂજન.
-ભારત દેશ પારંપરિક ઈંધનથી ઈલેકટ્રીક વાહન તરફ વળ્યો અને દેશમાં ઈલેક્ટ્રીક ગાડીઓ ફરતી થઈ. ડીસ અને થિયેટરનું ચલણ ઘટયું અને દેશમાં ઓટીટી પ્લેટફોર્મની ઉપયોગીતા વધી.

JNUમાં હિંસા ફાટી નીકળી
વર્ષની શરૂઆતમાં જ વૈચારિક વિરોધ માટે જાણીતા દિલ્લીના જેએનયૂમાં હિંસા ફાટી નીકળી. ફી વધારાના મુદ્દા પર શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થવા લાગ્યો. મુદ્દાએ રાજકારણનું સ્વરૂપ ધાણ કરતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ ઈજાગ્રસ્ત થયાં.

રાજસ્થાનના કોટામાં નવજાત શીશીઓના મૃત્યુ
રાજસ્થાનના કોટામાં આવેલી જે.કે.લોન હોસ્પિટલમાં બેદરકારીના કારણે સંખ્યાબંધ માસુમ બાળકોની મોતની ઘટનાએ પણ દેશમાં હડકંપ મચાવી દીધો હતો.

CAAનો દેશભરમાં વિરોધ અને હિંસક પ્રદર્શનો
ભારતમાં બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019ને મોદીએ સંસદમાં પસાર કરતાની સાથે દેશભરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો. દેશના મોટાભાગના શહેરોમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો આ બિલના વિરોધમાં સરકાર સામે મેદાનમાં આવ્યાં અને લાંબા સમય સુધી દેશના અનેક શહેરોમાં એક બાદ એક હિંસક પ્રદર્શનો થતા રહ્યાં. ઉલ્લેખનીય છેકે, આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા હોવાથી તે આ વિરોધ થયો હતો. બાંગ્લાદેશમાંથી આવેલા 'બિનમુસ્લિમ હિંદુઓ'ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની 'ઓળખ અને અસ્મિતા' પર સંકટ ઊભું થશે એવી આશંકા સાથે આસામમાં આ બિલનો ભારે વિરોધ થયો. ભારતમાં વિદેશી ઘુસણખોરીને રોકવા ઘણાં સમયથી કામ ચાલી રહ્યું છે. આ દિશામાં સૌથી પહેલાં એનઆરસી (NRC) એટલેકે, નેશનલ રજિસ્ટર ઓફ સિટિજંસ પર કામ થયું. જેમાં મોટી સંખ્યામાં લોકો આ લિસ્ટમાંથી બહાર રખાયા હતા જે દિશના મૂળ નિવાસી હતા. એ લોકોના સમાધાન માટે નાગરિકતા સંશોધન કાયદો, 2019 લાવવામાં આવ્યો જેનો દેશમાં વિરોધ થયો હતો.

Nirbhaya case accused wept bitterly before execution in Tihar Jail |  निर्भया केस: फांसी से पहले तिहाड़ जेल से आई बड़ी खबर, अपनी-अपनी सेल में रोए  चारों दोषी | Hindi News, देश

નિર્ભયાનાં દોષિયોને ફાંસી અપાઈ
16 ડિસેમ્બર, 2012 પછી દેશમાં જ્યારે પણ કોઈ બાળકી, છોકરી કે મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બની છે, ત્યારે એ દરેક ઘટનાની સરખામણી નિર્ભયા ગેંગરેપ સાથે કરવામાં આવે છે. દિલ્હીમાં બનેલી નિર્ભયા ગેંગરેપની ઘટનામાં આચરવામાં આવેલી ક્રૂરતા વિશે જેમણે સાંભળ્યું કે વાંચ્યું હતું તેમને એ વાતમાં વિશ્વાસ કરવાનું મુશ્કેલ લાગ્યું હતું કે આ બધું કેટલાક 'માણસો'એ કર્યું હતું.2012માં બનેલી એ ઘટનામાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતમાં તેઓ દોષી સાબિત થયા છે. એક દોષીએ સજાના અમલ દરમ્યાન જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. એક દોષી સગીર વયનો હતો, તેને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો, જેની બાદમાં મુક્તિ થઈ હતી. જ્યારે બાકીના ચારેય ગુનેગારોને 20 માર્ચ 2020ને ગુરૂવારે મોડી રાત અને શુક્રવારે વહેલી સવારના કાયદાકીય જંગમાં પરાજય બાદ નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગારોને સવારે 5.30 કલાકે દિલ્લીની તિહાર જેલમાં ફાંસીના માચડે ચઢાવી દેવામાં આવ્યા.

નિર્ભયાનાં માતાએ આ ચુકાદાને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે મોડે-મોડે મને ન્યાય મળ્યો તે બદલ હું ન્યાયતંત્ર, તમામ સરકારો તથા રાષ્ટ્રપતિનો આભાર માનું છું.

હૈદરાબાદ પોલીસે કર્યું ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર
ડો.દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં છ ડિસેમ્બરના રોજ ચારેય આરોપીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યાં. તેલંગાણામાં બનેલી આ ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી. દેશભરમાંથી પોલીસની કામગીરીની પ્રશંશા કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસનું કહેવું છે કે પૂરતા સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. 5 ડિસેમ્બરના રોજ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગયા હતાં. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.

Ayodhya Ram Mandir bhoomi pujan exposes pseudo-secularism of so called  Muslim leaders, liberals | India News | Zee News

અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરના નિર્માણ માટે PM મોદીના હસ્તે ભૂમિપૂજન
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભ મુહુર્તમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું હતું. આ એક કાર્યથી PM મોદીએ ત્રણ રેકોર્ડ બનાવ્યા.
- પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ જનારા દેશનાં પહેલાં પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલાં પ્રધાનમંત્રીનાં પદ પર રહેલાં કોઈ પણ નેતા રામ જન્મભૂમિની યાત્રા કરી ન હતી.
- તેના સિવાય તે પહેલી તક હતી, જ્યારે દેશનાં કોઈ પ્રધાનમંત્રીએ અયોધ્યાનાં હનુમાનગઢીનાં દર્શન કર્યા હોય. અયોધ્યા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલાં હનુમાનગઢી મંદિર ગયા અને આરતી કરી હતી.
- સાથે જ તેમણે મંદિરની પરિક્રમા પણ કરી હતી. આ દસમી સદીનું મંદિર છે. જ્યાં મંદિરનાં પુજારીએ પીએમ મોદીને મુકુટ આપી અને રામનામીથી સ્વાગત કર્યુ હતું.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 વર્ષ બાદ રામલલાની નગરી પહોંચ્યા હતા, તેઓ સૌથી પહેલાં 1992માં અહીંયા આવ્યાં હતાં. રામ મંદિર આંદોલન દરમ્યાન ભાજપનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે તે સમયે પીએમ મોદી એક સામાન્ય     કાર્યકર્તા તરીકે રામનગરીમાં આવ્યા હતા.

ફિલ્મી સિતારોએ દુનિયાને કરી અલવિદા
બોલીવુડની ફિલ્મી હસ્તીઓએ દુનિયાને કર્યું અલવિદા. દિગ્ગજ અભિનેતા રિષી કપુર અને વર્સેટાઈલ એક્ટર ઈરફાન ખાનનું માંદગીને કારણે અવસાન થયું. જ્યારે ફિલ્મમાં ધોનીનો કિરદાર નિભાવીને ચાહકોમાં લોકપ્રિય બનેલાં યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપુતના કથિત આપઘાતની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં.

Sushant Singh Rajputs door-opener Key Makers big reveal on Zee News | सुशांत  सिंह राजपूत का दरवाजा खोलने वाला Key Maker का Zee News पर बड़ा खुलासा |  Hindi News, बॉलीवुड

સુશાંતસિંહ રાજપુતની મોત પર રાજકારણ
યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપુતના કથિત આપઘાતની ઘટના બાદ બોલીવુડનો બીજો ચહેરો લોકોની સામે આવ્યો. આ ઘટના બાદ બોલીવુડમાં પરિવારવાદ-નેપોટીઝમનો આરોપ વધુ મજબુત બન્યો. સુશાંતની મોતના દેશભરમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યાં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીનું રિટાયરમેન્ટ
74માં સ્વતંત્ર્ય દિવસ પર મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ચાહકોને મોટો ઝટકો આપ્યો. ભારતને બબ્બે વર્લ્ડકપ જીતાડનાર ભારતીય ક્રિકેટ ટિમના સૌથી સફળ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

15 ઓગસ્ટના રોજ ભારતમાં અંતિમ સૂર્યાસ્ત રાત્રે 1929 પર થયું હતું. ગુજરાત સ્થિત ભારતના સૌથી પશ્ચિમ વિસ્તાર ગુહલ મોટીમાં સૂર્ય 19.29 વાગ્યે અસ્ત થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની પોતાની કારકિર્દીને એક સમાંતર અંત આપવા ઈચ્છતો હતો. તે જેવી રીતે સૂર્ય અસ્ત થાય છે તેવી રીતે વિદાય લેવા માગતો હતો. તેણે બહું સમજી વિચારીને નિવૃત્તિ માટે આ સમય પસંદ કર્યો છે.  

સ્વતંત્રતા દિવસના અવસર પર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે વીડિયોમાં તેમની કારકિર્દીની ખાસ પળોને સામેલ કરવામાં આવી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં કભી-કભીનું સાહિર લુધિયાણવીનું લખેલુ અને મુકેશે ગાયેલું સોન્ગ 'મેં પલ દો પલ કા સાથી હું...' સોન્ગ વાગી રહ્યું હતું. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, આ સફર માટે તમે મને આપેલા પ્રેમ અને સમર્થન માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે 1929 (સાંજે 7.29 મિનિટ)થી મને રિટાયર સમજવામાં આવે. વીડિયો પોસ્ટ કરતા તેમણે 1929 hrs લખ્યું હતું આવી રીતે સમય લખવાની સ્ટાઈલ એ સેનાની છે. જે સેના પ્રત્યેનો તેમનો પ્રેમ પણ દર્શાવે છે. નોંધનીય છે કે, બરાબર એક વર્ષ અગાઉ 2019ની નવમી જુલાઈએ ધોની આ જ સમયે પોતેની કારકિર્દીની અંતિમ ઇનિંગ્સ રમ્યો હતો. એ દિવસે વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે તે રમ્યો ત્યારે 50 રન ફટકારીને રનઆઉટ થયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોનીને પત્ર લખીને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. એ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પ્રધાનમંત્રી મોદીનો ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો છે. ધોનીએ ટ્વીટમાં લખ્યું હતું કે, એક કલાકાર સૈનિક અને ખેલાડીઓને પ્રશંસાની ઇચ્છા હોય છે. તેઓ ઇચ્છે છે કે તેમની મહેનત અને બલિદાનને બધા જાણે. આભાર પીએમ નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી શુભકામના માટે. પીએમ મોદીએ અગાઉ લખ્યુ હતુ કે, તમારામા નવા ભારતની આત્મા ઝળકે છે, જ્યારે યુવાનોનુ ભાગ્ય તેમનો પરિવાર નક્કી નથી કરતો પરંતુ તેઓ પોતે પોતાનુ લક્ષ્ય અને નામ કમાય છે. 

World T20, ODI World Cup, top Test team: Mahendra Singh Dhoni 'Mahi' took  Team India to the Mt Everest of Cricket | Cricket News | Zee News

ઉલ્લેખનીય છે કે, 39 વર્ષીય ધોનીએ વર્ષ 2004મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા આવ્યા બાદ 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 અંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીની કેપ્ટન્સીમા ભારતએ વર્ષ 2007મા પહેલો ટી-20 વિશ્વ કપ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2011મા 50 ઓવર વિશ્વ કપ અને વર્ષ 2013મા ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતે સાથે જ વર્ષ 2010 અને 2016નો એશિયા કપ પણ ધોનીની કેપ્ટન્સી હેઠળ જીત્યો હતો.

બિપિન રાવત દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા
31 ડિસેમ્બર 2019ના રોજ ચીફ જનરલ બિપિન રાવત વય નિવૃત્ત થતા તેમના સ્થાને મનોજ મુકુંદ નરવાને આર્મીના ચીફ તરીકે નિયુક્ત થયા. મનોજ મુકુંદ નરવાણે દેશના 28માં ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યાં. આ  સાથે જ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ Defenseફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિમણૂંક આપવામાં આવી. જે સેનાની ત્રણેય પાંખોને માર્ગદર્શન પુરું પાડે છે.

7 જાન્યુઆરી 2020માં તેહરાનમાં યુક્રેનિયન વિમાન દુર્ઘટનામાં 176 ના મોત
નવા વર્ષની શરૂઆતમાં જ 7 જાન્યુઆરી, 2020ના રોજ ઈરાનના તેહરાનમાં યુક્રેઈન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 176 મુસાફરોના માર્યા ગયાં. ઇરાનના તેહરાનથી ઉપડ્યાના થોડા જ સમયમાં, કિવથી ચાલતી યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બોઇંગ 737 ક્રેશ થઈ ગઈ હતી. જેમાં સવાર 176 લોકો માર્યા ગયા હતા. શરૂઆતમાં ઇનકાર કર્યા પછી, ઈરાની સરકારે કહ્યું કે તેણે મુસાફરોને "અજાણતાં" ગોળી મારી દીધી. રિવોલ્યુશનરી ગાર્ડ્સના એરોસ્પેસના કમાન્ડર બ્રિગ-જનરલ અમીર અલી હાજીઝાદેહે મીડિયાને જણાવ્યું હતું કે વિમાનને "ક્રુઝ મિસાઇલ" માટે ભૂલ થઈ હતી અને તેની નજીક વિસ્ફોટ થતાં ટૂંકી-અંતરની મિસાઇલથી તેને ગોળી મારી દેવામાં આવી હતી. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ આ ક્રેશને '' અક્ષમયોગ્ય ભૂલ ગણાવી હતી. આ દુર્ઘટનાના પરિણામે, ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખમાનીને હટાવવાની હાકલ કરવામાં આવતા મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ કોમર્શિયલ ફ્લાઈટમાં  ઇરાની નાગરિકો તેમજ કેનેડા, યુક્રેન, સ્વીડન, યુકે, અફઘાનિસ્તાન અને જર્મનીના મુસાફરો શામેલ હતા.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી સૌથી ભીષણ આગ, 50 કરોડ જાનવરોનાં મોત
યુનિવર્સિટી ઓફ સિડનીના ઈકોલોજિસ્ટે અનુમાન લગાવ્યું હતુકે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે અંદાજે 50 કરોડથી વધુ જાનવરોના મોત થઈ ગયા છે. આ ભીષણ આગમાં ફસાઈને હિંસક પ્રાણીઓની સાથો-સાથ સ્તનધારી પશુઓ, પક્ષીઓ અને અનેક પેટથી ચાલનારા જીવ બળીને ખાક થઈ ગયાં.આ સાથે જ કોરોડની સંપત્તિ પણ આગમાં હોમાઈ ગઈ.

Australia fire - Latest News on Australia fire | Read Breaking News on Zee  News

યુ.કે.નું ‘બ્રેક્ઝિટ’
31 મી જાન્યુઆરી 2020 ના રોજ, યુકેએ સત્તાવાર રીતે યુરોપિયન યુનિયન (ઇયુ) છોડી દીધું. જૂન 2016 ના જાહેર જનમત સંગ્રહના સાડા ત્રણ વર્ષ પછી તે લોકમતમાં, 17.4 મિલિયન લોકો, 52% મતદારોએ ઇયુ છોડવાનું પસંદ કર્યું. ઇયુ એ 28 યુરોપિયન દેશો વચ્ચેનું રાજકીય અને આર્થિક સંઘ છે. તે વધારાની ફી અથવા ચેક વિના સભ્યો વચ્ચે મુક્ત વેપાર અને ઇયુના કોઈપણ દેશમાં રહેવા અને કાર્ય કરવા માટે લોકોની મફત ચળવળને સક્ષમ કરે છે. યુકે 1973 થી સભ્ય હતો, અને તે છોડનાર પ્રથમ સભ્ય છે.

બ્રિટન એક્ઝીટ પરથી આવેલો શબ્દ છે. જેનો અર્થ છે બ્રિટન દેશનું યુરોપિયન યુનિયન જૂથમાંથી બહાર નીકળવું. ઇંગ્લેન્ડ, સ્કોટલેંડ અને વેલ્સ આ ત્રણ દેશો ભેગા મળીને ગ્રેટ બ્રિટન બનાવે છે. જયારે આ ત્રણેય દેશો અને આયર્લેન્ડનો ઉત્તરી ભાગ (નોર્ધન આયર્લેન્ડ) આ ૪ ક્ષેત્રો ભેગા થઇને UK બનાવે છે.

ઇરાની જનરલ, કસીમ સોલેમાનીની હત્યા
ઇરાન અને અમેરિકા વચ્ચે ઘણા દાયકાઓથી તંગદિલી છે, પરંતુ ડિસેમ્બર 2019 માં યુ.એસ. કોન્ટ્રાક્ટરની મૃત્યુ અંગે અમેરિકાએ ઈરાની લશ્કરને દોષી ઠેરવ્યા પછી, આ સંબંધ હજી વધુ ઉગ્ર બન્યો. બગદાદ યુએસ દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો, અને ત્યારબાદ 3 જી જાન્યુઆરી 2020 ના રોજ યુ.એસ.એ ડ્રોન હુમલો કર્યો, જેમાં ઈરાનમાં એક વરિષ્ઠ અને પ્રભાવશાળી સૈન્ય વ્યક્તિત્વ કસીમ સોલેઇમાનીનું મોત થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news