અજિત પવારના બળવા બાદ પ્રથમવાર બોલ્યા શરદ પવાર, કહ્યું કે- લોકોની વચ્ચે જઈશું અને.....


મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. અજિત પવારે અચાનક એનસીપીના ધારાસભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા છે. અજિત પવારના આ પગલા બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. 

અજિત પવારના બળવા બાદ પ્રથમવાર બોલ્યા શરદ પવાર, કહ્યું કે- લોકોની વચ્ચે જઈશું અને.....

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ હેઠળ અજિત પવારે શિંદે સરકારની સાથે મળીને નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા છે. તો તેમણે દાવો કર્યો કે એનસીપી તેમની છે અને પાર્ટીના ધારાસભ્યો અને નેતા તેની સાથે છે. તેનો જવાબ આપતા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે જનતા જણાવશે પાર્ટી કોની છે. શરદ પવારે કહ્યું કે હું લોકોની વચ્ચે જઈને સમર્થન મેળવીશ. અજિત પવારના ભાજપ સાથે જવાના નિવેદન પર તેમણે કહ્યું કે એનસીપીની આઇડિયોલોજી તે વાતની મંજૂરી આપતી નથી કે ભાજપની સાથે ગઠબંધન કરવામાં આવે. 

શરદ પવારે કહ્યું કે મેં 6 જુલાઈએ બધા નેતાઓની એક બેઠક બોલાવી હતી. તેમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની હતી અને પાર્ટીમાં ફેરફાર થવાના હતા. પરંતુ તે પહેલા કેટલાક નેતાઓએ અલગ માર્ગ અપનાવી લીધો છે. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે એનસીપી ખતમ થઈ ગઈ છે. તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા છે. તેમના સરકારમાં સામેલ થવાથી તે સ્પષ્ટ છે કે બધા આરોપ મુક્ત થઈ ગયા છે. 

એનસીપી અધ્યક્ષે આગળ કહ્યું કે આ કોઈ નવી વાત નથી. 1980માં હું જે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો છું, તેના 58 ધારાસભ્ય હતા. બાદમાં બધા જતા રહ્યાં અને માત્ર છ ધારાસભ્યો રહ્યાં હતા, પરંતુ મેં સંખ્યાને મજબૂત કરી અને જેણે સાથ છોડ્યો તે પોતાના ક્ષેત્રોમાં હારી ગયા. સીનિયર પવારે કહ્યુ કે મને ઘણા લોકોના ફોન આવી રહ્યાં છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય લોકોએ મને ફોન કર્યો છે. આજે જે થયું તેની ચિંતા નથી. કાલે હું વાઈ બી ચવ્હાણ (મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી) ના આશીર્વાદ લઈશ અને એક જાહેર બેઠક કરીશ.

શરદ પવારે કહ્યું કે અજિત પવાર સાથે કોઈ ચર્ચા થઈ નથી. જોકે, છગન ભુજબળે જતા પહેલા મારી સાથે વાત કરી હતી. ભુજબળે કહ્યું હતું કે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. તેણે અજીતના ઘરે જવાની વાત કરી હતી, પરંતુ તેણે શપથ પણ લીધા હોવાનું જાણવા મળે છે. આ સાથે પવારે કાયદાકીય માર્ગ અપનાવવાની પણ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે તેના બદલે અમે લોકો પાસે જઈશું. અમને ખાતરી છે કે લોકો અમને સાથ આપશે. શરદ પવારે વધુમાં કહ્યું કે પાર્ટી અધ્યક્ષ તરીકે મેં પ્રફુલ પટેલ જેવા નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. મારે તેમને એટલું જ કહેવું છે કે તેમણે પાર્ટી નેતૃત્વનો વિશ્વાસ ગુમાવી દીધો છે. હવે તેણે રાજીનામું આપવું જોઈએ, અન્યથા હું તેની સામે પગલાં લઈશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news